10 વર્ષથી ખોટા દસ્તાવેજોના આધારે ચાલતી DPS સ્કુલની માન્યતા રદ્દ
Trending Photos
અમદાવાદઃ DPS East સ્કુલ દ્વારા શાળા ચલાવવા માટે ખોટા દસ્તાવેજો રજુ કરવાનાં આરોપસર CBSE બોર્ડ દ્વારા તેની માન્યતા રવિવારે રદ્દ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ(Ex Principle) અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના(Calorax Foundation) ચેરમેન પૂજા મંજૂલા શ્રોફ (Pooja Manjula Shroff) અને ટ્રસ્ટી હિતેન વસંત(Trustee Hiten Vasnat) સામે શુક્રવારે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ(DEO) વિવાકનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે શુક્રવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ નિત્યાનંદ આશ્રમને જમીન લીઝ પર આપવાના વિવાદમાં હાથીજણ ખાતેની DPS Eastની માન્યતા રદ્દ કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી.
અમદાવાદના હાથીજણની DPS શાળાની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. CBSE બોર્ડ દ્વારા શાળાની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. ખોટા દસ્તાવેજોનાં આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ચાલુ શાળાકીય વર્ષ પુરૂ કરવા દેવામાં આવશે. બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે આ નિર્ણય લેવાયો છે. જો કે આવતા વર્ષથી આ શાળા અમાન્ય માની લેવામાં આવશે.
જમીન માલિકીની ખોટી માહિતી આપવા બદલ ફરિયાદ
જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ રાજેન્દ્ર વ્યાસે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, DPS East સ્કૂલના તત્કાલીન આચાર્ય અનિત દુઆ (રહે. આરોહી રોટલ બંગલોઝ, બોપલ)એ શિક્ષણ વિભાગના નામે સીબીએસઈ સમક્ષ ખોટી NOC રજૂ કરી હતી. આ બનાવટી NOC રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જેમાં 11-9-2009ના રોજ કરેલી દરખાસ્તમાં અંગ્રેજીમાં હિતેન વસંત (ફોર કેલોરેક્સ ફાઉન્ડેશન, ટ્રસ્ટી)એ સહી કરી હતી.
તેમજ 21-1-2012ની દરખાસ્તમાં અંગ્રેજીમાં (ફોર કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ડાયરેક્ટર)ના સિક્કા પર મંજૂલા એસ. (Manjola Shroff) સહી કરી છેતરપિંડી આચરી હતી. સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે NOC આપી ન હતી. આ કારણની જાણ પણ સરકારે સ્કૂલને કરી હતી. ત્યાર બાદ 2012માં સ્કૂલે ફરીથી શરતી NOC આપવા રજૂઆત કરી હતી, પરંતુ સરકારે તે પણ નકારી કાઢી હતી.
પોલીસે આ ત્રણેય સામે IPCની કલમ 476, 468,471, 120(B) હેઠળ ગુનો દાખલ કરીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના ભાગરૂપે હાલ DPSના કર્મચારી અને જમીન અંગે તલાટીનું નિવેદન લીધું છે. આ મામલે શિક્ષણ વિભાગ, જમીન-મહેસુલ વિભાગ અને પોલીસ સંયુક્ત રીતે વધુ તપાસ કરશે અને જવાબદારો સામે કાયદેસરનાં પગલાં લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે