બ્રિટિશરો સામે પણ ડાંગી પ્રજા અને ભીલ રાજા ઝૂક્યા નહિ, ગર્વ થઈ જાય એવો છે ડાંગનો ઈતિહાસ
Dang Darbar : પ્રાકૃતિક ખજાનાથી ભરપૂર ડાંગને ગુજરાતમાં જોડાવા અનેક લડાઈ લડવી પડી, છેક દિલ્હી દરબારમાં મામલો પહોંચ્યો, પણ અંતે ડાંગ ગુજરાતને જ મળ્યું
Trending Photos
E Samay Ni Vat Che : આજે વાત કરીશું ગુજરાતમાં આવેલા એક એવા સ્થળની જેનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત કાળમાં પણ અલગ અલગ નામે થયો છે. એ સ્થળ છે ગુજરાતનો ડાંગ જિલ્લો. એ આજનો ડાંગ જિલ્લો ગુજરાતનો નહીં પરંતુ મહારાષ્ટ્રનો ભાગ હતો. 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યા પછી ડાંગની ગુજરાતમાં જોડાવવાની કહાની રસપ્રદ છે અને ડાંગ દરબાર વિશેની પણ કેટલીક રોચક વાતો આજે આપણે જાણીશું.
આ એ સમયની વાત છે જ્યારે ભારત પર હતું અંગ્રેજોનું શાસન. ઈ.સ. 1818. બ્રિટિશરોએ ડાંગમાં પ્રવેશી ભીલ રાજાઓ તથા ડાંગી પ્રજાને નમાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. બ્રિટિશરોએ અહીંની પ્રજાને ભરપૂર અનાજ આપીને લાલચ આપવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમ છતાં ડાંગી પ્રજા નમી નહીં. વર્ષ આવ્યું 1823. અંગ્રેજી હકૂમતે તેની ફોજના સહારે ડાંગી રાજાઓને નમાવવામાં સફળ રહી પણ 1857 ના બળવાની અસર આ નાનકડા ડાંગ પ્રદેશ ઉપર પણ થાય તેમ હતી.
બ્રિટિશ શાસકો ડાંગના કિંમતી એવા સાગના જંગલો તરફ આકર્ષાયા હતા. બ્રિટિશરોના મનસૂબા પાર પાડવામાં અડચણરૂપ લાગતા ડાંગના ભીલ રાજાઓ અને પ્રજાનું નામોનિશાન મિટાવવા માંગતા બ્રિટિશરોના રાજમાં અહીં અનેક હુલ્લડો થયાં. છેવટે 1942-43માં ડાંગનું જંગલ ડાંગી રાજાઓ પાસેથી પટ્ટે લેવાનું બ્રિટિશરોએ નક્કી કર્યું અને ભીલ રાજાઓને તે વખતે વાર્ષિક રૂપિયા 12,230 આપવાનું ઠરાવાયું. સને 1947માં ભારતને આઝાદી મળી. આઝાદી બાદ રાજાઓના વહીવટદાર તરીકે અહીં મામલતદાર-કમ-રાજા દફતરના દિવાન ફરજ બજાવતા. આ અધિકારી રાજાઓના વાલી તથા સંરક્ષક ગણાતા, તેમના નાણાકીય વ્યવહારો પણ આ જ અધિકારી મારફત થતા.
આ પણ વાંચો :
1957-58માં ડાંગ જિલ્લા લોકલ બોર્ડની સ્થાપના થઈ. તે વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના વિભાજનની ઐતિહાસિક તવારીખ આલેખાઈ રહી હતી. દ્વિભાષી મુંબઇ રાજ્યના એક ભાગ તરીકે ગણાતા ડાંગ પ્રદેશ માટે પણ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ખેંચતાણ શરૂ થઇ. ડાંગ જિલ્લા લોકલ બોર્ડની ઐતિહાસિક ચૂંટણીના પરિણામો ઉપર એ નિર્ભર કરતું હતું કે ડાંગ પ્રદેશ મહારાષ્ટ્રમાં રહેશે કે ગુજરાતમાં જશે. ગુજરાતની પેનલ અને મહારાષ્ટ્રની પેનલ વચ્ચે લોકલ બોર્ડની ૩૦ બેઠકોની ચૂંટણી યોજાઇ. જે પૈકી 26 બેઠકો ગુજરાતની પેનલને મળી. એ પછી રચાયેલા લોકલ બોર્ડમાં નવા પ્રમુખ તરીકે છોટુભાઈ નાયકના સાંનિધ્યમાં ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાશે તેવો ઠરાવ થયો.
આ ઠરાવના વિરોધમાં ડાંગ જિલ્લા લોકલ બોર્ડના ચાર સભ્યો કે જેઓ ડાંગ પ્રદેશ મહારાષ્ટ્ર સાથે જોડાય તેમ ઇચ્છતા હતા તેમણે સભા ત્યાગ કરી તેમનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગુજરાત પેનલમાંથી ચૂંટાયેલા કાર્યકરો પૈકી દસ કાર્યકરો ગુજરાતના હતા અને સોળ કાર્યકરો સ્થાનિક આદિવાસી હતા. આ આદિવાસી કાર્યકરોને પલટાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ સોળેસોળ કાર્યકરોએ જરા પણ ડગ્યા વિના ગુજરાત સાથે જોડાવાના તેમના ઇરાદાને નિભાવ્યો. આ ખટપટ ઈ.સ. 1960 સુધી ચાલી. દરમિયાન ડાંગના કાર્યકરોએ રાષ્ટ્રીય આગેવાન જવાહરલાલ નહેરુને મળી ડાંગની પરિસ્થિતિથી વાકેફ કર્યા. પંડિતજી સમજ્યા ત્યારબાદ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ સાથે પણ મુલાકાત ગોઠવાઈ. આખરે ડાંગ ગુજરાતમાં જોડાય એવું નક્કી થયું અને 1960ની 1લી મેના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થતાં ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાયો.
આ પણ વાંચો :
ડાંગ પ્રદેશના પાંચ રજવાડાના સાંપ્રત સમયના રાજવીઓ કે જેમને રાજ્ય સરકાર દ્વારા, તત્કાલીન સરકારના એક ઐતિહાસિક ચુકાદાના ભાગરૂપે આજની તારીખે પણ વાર્ષિક સાલિયાણું આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક એવા આહવા નગરના રંગ ઉપવન ખાતે હકડેઠઠ જનમેદની વચ્ચે જ્યારે ડાંગના માજી રાજવીઓના વંશજોને રાજ્ય સરકારના પ્રતિનિધિના હસ્તે બાઇજ્જત પુરા આન, બાન અને શાન સાથે વાર્ષિક સાલિયાણું આપવામાં આવે છે. ત્યારે અહીં ઉપસ્થિત ડાંગી પ્રજાને તેમનું પોતીકું સન્માન થતું હોય તેવો અહેસાસ થાય છે.
ડાંગ જિલ્લાના પાંચ રાજવી કુટુંબના વારસદારો સહિત તેમના ભાઈબંધો અને નાયકોને પણ આ કાર્યક્રમમાં સાલિયાણું આપવામાં આવે છે. ત્યારે સાચે જ સમગ્ર માહોલ કોઇ રાજાના દરબાર જેવો ભાસે છે. પરંપરાગત વેશભૂષામાં સજ્જ રાજવી પરિવારોના વંશજોને પાનબીડાથી સન્માની, અહીં તીરકામઠાં કે તલવારની ભેટ આપી, સાલિયાણાની રકમ અર્પણ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર દરબાર તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠે છે. આદિવાસી લોકસંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યોની રમઝટ અને આદિવાસી સંસ્કૃતિના લોકવાદ્યોની સુરાવલીઓ વચ્ચે યોજાતો આ કાર્યક્રમ પોતાની આગવી સંસ્કૃતિ અને ગરિમાને આંબે છે. ત્યાર બાદ ડાંગી લોકજીવનની ઝાંખી કરાવતા ભાતિગળ લોકમેળાનો વિધિવત પ્રારંભ થાય છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે