ગુજરાત સરકાર સૂફિયાની સલાહ આપે છે, પણ બે વર્ષમાં એકેય ખેડૂતને આ યોજનાનો લાભ ન આપ્યો
Gujarat Farmers : બે વર્ષમાં ગુજરાતના એકેય ખેડૂતને બીજગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી. સરકારની નાક નીચે જ નકલી બીજનો કારોબાર ધમધમી રહ્યો છે
Trending Photos
Gujarat Government : હવે ચોમાસું આવતા ખરીફ પાકનું વાવેતર શરૂ થશે. હાલ નકલી વસ્તુઓનું વેચાણ ચાલી રહ્યુ છે. જેમાં ખેતી ક્ષેત્ર પણ બાકાત નથી. નકલી બિયારણથી અનેક ખેડૂતોને છેતરવામાં આવે છે. ત્યારે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા સરકારે આટલી કાળજી રાખવા કહ્યું છે. સરકારે આ મામલે ખેડૂતોને વિવિધ સલાહ આપી છે. પરંતું હકીકત તો એ છે કે, બે વર્ષમાં ગુજરાતના એકેય ખેડૂતને બીજગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી. સરકારની નાક નીચે જ નકલી બીજનો કારોબાર ધમધમી રહ્યો છે.
ખેડૂતોને ગુણવત્તાસભર બીજ મળી રહે અને પાક લહેરાતો થાય તે માટે બીજગ્રામ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાઈ હતી. પરંતુ અન્ય યોજનાઓની જેમ આ યોજના પણ માત્ર સરકારી ફાઈલોમાં સિમિત રહી ગઈ છે. એક તરફ ખેડૂતો નકલી બિયારણ ખરીદીને છેતરાઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ, બે વર્ષથી એક પણ ગુજરાતી ખેડૂતોને બીજગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014 માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ ખેડૂતોને સારી ગુણવત્તાના બીજ આપવાનું હતું. આ જ વર્ષે ગુજરાતના 11052 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો. પરંતુ ધીરે ધીરે તેની સંખ્યા ઘટતી ગઈ. વર્ષ 2014 થી લઈને અત્યાર સુધી માત્ર 37049 ખેડૂતોએ તેનો લાભ લીધો છે. જે બતાવે છે કે, આ સરકારી યોજના માત્ર કાગળો પર છે.
બીજી તરફ, ગુજરાતમાં નકલી બિયારણના વેચાણ પર કોઈ અંકુશ નથી. તેનો બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે. આ કારણે વર્ષે ચાર હજાર કરોડનું નકલી બિયારણ વેચાઈ રહ્યું છે. અનેક ફરિયાદો છતા કૃષિ વિભાગના પેટનું પાણી હાલતુ નથી, ને બીજી તરફ સરકાર નકલી બિયારણ ન વાપરવાની સૂફિયાની સલાહ આપી રહી છે. સરકાર આ મામલે કોઈ તપાસ કરી રહી નથી.
બીજ ગ્રામ યોજના શું છે?
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને બીજ ઉત્પાદન માટે મદદ આપવામાં આવે છે. આ સાથે પ્રમાણિત બિયારણ પણ ખેડૂતોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યોજના હેઠળ ખેડૂતોના 2-3 જૂથો બનાવવામાં આવ્યા છે. દરેક જૂથમાં લગભગ 50 થી 100 ખેડૂતોનો સમાવેશ થાય છે. આ પછી ખેડૂતોને બિયારણની વાવણીથી લઈને પાકની કાપણી સુધીની કૃષિ કામગીરીની તાલીમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પાકના બિયારણનું વાવેતર કરવામાં આવે છે. આને સંવર્ધક બીજ કહેવામાં આવે છે. સંવર્ધક બીજમાંથી ઉત્પાદિત પાકને પાયાના બીજ કહેવામાં આવે છે. જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોને ખેતરના 0.1 હેક્ટર વિસ્તારમાં વાવણી માટે બિયારણ આપવામાં આવે છે. ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકમાંથી મેળવેલા બિયારણનો ઉપયોગ આવતા વર્ષે ફરીથી વાવણી માટે કરવામાં આવે છે. તેને પ્રમાણિત બીજ કહેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે