કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન, જણાવ્યો કોરોનાને પહોંચી વળવાનો પ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાના સહકારથી રાજ્યભરમાં 97 ટકા નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 95 ટકા નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં સફળતા મળી છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 22 મહિનાથી કોરોના સામેની લડતમાં અડીખમ હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના જુસ્સાને 'બુસ્ટ અપ' કર્યા હતા. રાજ્યભરમાં આજથી શરૂ કરાયેલ "કોરોના પ્રિકોશન ડોઝ" રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમા સોલા સિવિલ હોસ્પિટલમાં આ રસીકરણના પ્રારંભ પ્રસંગે આરોગ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સફાઈકર્મી ,નર્સિંગ સ્ટાફ, તબીબો અને વયસ્ક નાગરિકોને કોરોના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.
કોરોનાકાળ દરમ્યાન કોરોના અને ફ્રન્ટલાઈન વોરિયર્સ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓની કરવામાં આવેલી સેવા- સુશ્રુષા, સારવાર અને ફરજોને પણ મંત્રીએ બિરદાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાના સહકારથી રાજ્યભરમાં 97 ટકા નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 95 ટકા નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં સફળતા મળી છે. તાજેતરમાં 15 થી 18 ના તરૂણો માટે શરૂ કરાયેલ કોરોના રસીકરણ કાર્યક્રમમાં પણ 19 લાખ જેટલા કિશોરોએ કોરોના રસીકરણ કરાવીને સુરક્ષાકવચ પ્રાપ્ત કર્યું છે, તેમ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું. રાજ્ય સરકાર પાસે રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું.
કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે ત્યારે અગાઉ રસીકરણ કરાવ્યું હોય તેવા નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષા મળી છે. ત્રીજી લહેરમાં કોરોનાવાયરસ અને ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓ કે જેણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓમાં વાયરસના અતિ ગંભીર પ્રકારના લક્ષણો ઓછા જોવા મળ્યા છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભે તેમણે એમ પણ કહ્યું કે, હાલ કોરોના ગ્રસ્ત દર્દીઓમાં હોસ્પિટલાઇઝેશન અને ગંભીર પ્રકારની કોરોના સારવારની જરૂરિયાત ઓછી જણાઇ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અગાઉથી જ એક લાખ જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્રીજી લહેરમાં ઓક્સીજનની જરૂરિયાત વર્તાય તે માટે પણ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં, P.H.C, C.H.C, સહિતની અન્ય સરકારી હોસ્પિટલમાં PSA પ્લાન્ટ, સિલિન્ડર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરાઇ છે. હાલ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેસન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. આ દર્દીઓ માટે પણ આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓ દ્વારા ટેલિમેડીસીનના સેવા કાર્યરત કરવામાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા "પ્રિકોશન ડોઝ" અતિ મહત્વનું હોવાનું જણાવી રાજ્યના મહત્તમ વયસ્કો, હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને આ પ્રિકોશન ડોઝ લેવા માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો. કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યના નાગરિકોને કોરોના સંલગ્ન સરકારી દિશાનિર્દેશોનો ચુસ્તપણે પાલન કરવા ઋષિકેશ પટેલે અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે