ભાજપનો દેશભરમાં ઉદય કરનાર પીઢ નેતા સાથે ગાંધીનગરમાં PM મોદીની બેઠક, જાણો કોણ છે એ નેતા
ભારતીય જનતા પાર્ટી આજે દેશ જ નહીં બલ્કે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. કારણકે, તેની પાસે સૌથી વધારે સભ્યોનું સંખ્યાબળ છે. એવી પાર્ટીના સર્વોચ્ચ નેતા એટલેકે, પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં એ નેતાને મળ્યા જેમણે દેશની રાજનીતિમાં ભાજપનું મૂળ નાખ્યું.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ સમયે પીએમ મોદીએ ભાજપના પૂર્વ સાંસદ એ કે પટેલ મીટિંગ કરતાં પટેલ ફરી ચર્ચામાં આવી ગયા છે. પટેલ એ વ્યક્તિ છે જેમને દેશમાં ભાજપનો ઉદય કરાવ્યો હતો. મોદીના ગૃહ જિલ્લામાંથી ભાજપને દેશભરમાં સૌથી પહેલી સફળતા મળી હતી. મોદી આજે ગુજરાતમાં છે અને ગત રાતે રાજભવનમાં ઘણા લોકો સાથે મુલાકાતો કરી ચૂક્યા છે. ભાજપના ભૂતકાળ અને ગુજરાતમાં ભાજપના ઉદયની વાત કરીએ તો ઈન્દિરા ગાંધીની હત્યા પછી વર્ષ 1984માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર દેશમાં કોંગ્રેસની લહેર ચાલી રહી હતી. આ ચૂંટણીમાં ભાજપ ભૂંડી રીતે હારી હતી. એટલી ખરાબ રીતે કે સમગ્ર દેશમાં માત્ર 2 બેઠકો મળી. તત્કાલીન ભાજપ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી સુધીના નેતા હારી ગયા.
ભાજપ પાર્ટીમાંથી 1984માં આંધ્ર પ્રદેશમાંથી સી.જે. રેડ્ડી અને ગુજરાતમાં મહેસાણા ખાતેથી ડો. એ.કે. પટેલ ચૂંટણી જીત્યા હતા. ૧૯૮૪માં ડો.એ.કે.પટેલે ભાજપનું ખાતું ખોલાવ્યા બાદ મહેસાણા સીટ એ ભાજપનો ગઢ રહ્યો હતો અને સતત પાંચ ટર્મ સુધી એટલે કે ૧૯૯૮ સુધી ભાજપનો અહીં દબદબો અકબંધ રહ્યો હતો. આજે પણ મહેસાણા સીટ એ ભાજપનો ગઢ ગણાય છે અને શારદાબેન આ સીટ પરથી સાંસદ છે. મહેસાણાથી ભાજપની જે વિકાસયાત્રા ચાલુ થઈ તે આજે સંપૂર્ણ બહુમતી સુધી આવી ગઈ છે. મૂળ મહેસાણાના કડી તાલુકાના વડું ગામના એ કે પટેલનો મહેસાણા ભાજપમાં 1998 સુધી સતત દબદબો રહ્યો હતો. તેઓ વિજાપુરની ટીબી હોસ્પિટલમાં ડોક્ટર હતા. તે સમયે ગામડાઓમાં કરેલી સેવાઓને ધ્યાને લઈને ભાજપે એમને ટિકિટ આપી હતી.
ભાજપમાંથી એ સૌથી પહેલાં સાંસદ હોવાને કારણે ભાજપની અટલ બિહારી સરકારે એમને જશ આપી કેન્દ્રીય મંત્રી પણ બનાવ્યા હતા. 1985થી લઈને 2001 સુધી એકે પટેલનો ભાજપમાં પડતો બોલ ઝિલાતો હતો. જેઓનું સંગઠનમાં પણ વર્ચસ્વ હતું. ગુજરાત ભાજપમાં એક સમયના કદાવર નેતા ગણાતા એકે પટેલ હાલમાં અમદાવાદમાં સ્થાયી થયા છે અને દીકરા સાથે રહે છે. પીએમ મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગત રાતે રાજભવનમાં ભાજપના આ જૂના જોગીને યાદ કરીને મુલાકાત કરી હતી. કોરોના સમયે પણ મોદી એ એ કે પટેલને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતા. આમ પીએમ મોદી ભલે પીએમ બની ગયા પણ ભાજપના પાયાના કાર્યકરોને આજે પણ ભૂલ્યા નથી. પીએમ મોદીએ આ મુલાકાતનો ફોટોગ્રાફ ટવીટ કરતાં આજે દેશભરમાં એકે પટેલના નામની ચર્ચા છે. ભાજપના આ નેતાનો મહેસાણા જિલ્લાના સહકારી અગ્રણી આત્મારામભાઈ પટેલ સામે પરાજય બાદ વળતા પાણી શરૂ થયા હતા.
મહેસાણાના સાંસદ બન્યા-
૧૯૮૪ એ.કે.પટેલ ભારતીય જનતા પાર્ટી
૧૯૮૯ એ.કે.પટેલ ભારતીય જનતા પાર્ટી
૧૯૯૧ એ.કે.પટેલ ભારતીય જનતા પાર્ટી
૧૯૯૬ એ.કે.પટેલ ભારતીય જનતા પાર્ટી
૧૯૯૮ એ.કે.પટેલ ભારતીય જનતા પાર્ટી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે