ધરમ કરતા ધાડ પડી! રસ્તા પર નિર્જન પડેલાની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનું મોત

એક નિર્જન રસ્તા પર બેભાનની જેમ પડી રહેલા યુવાનને ઉઠાડી તેની મદદ કરવા પ્રયત્ન કરતા એક દંપતી પર આ યુવાને હુમલો કરતા પતિને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટીભર્યું મોત નીપજ્યું!

ધરમ કરતા ધાડ પડી! રસ્તા પર નિર્જન પડેલાની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનું મોત

ઝી બ્યુરો/પંચમહાલ: ધરમ કરતા પડી ધાડ આ ઉક્તિને યથાર્થ ઠેરવતો કિસ્સો પંચમહાલના હાલોલ તાલુકામાં બન્યો છે, જ્યાં મદદ કરવા જતા મોત મળી ગયું. એક નિર્જન રસ્તા પર બેભાનની જેમ પડી રહેલા યુવાનને ઉઠાડી તેની મદદ કરવા પ્રયત્ન કરતા એક દંપતી પર આ યુવાને હુમલો કરતા પતિને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટીભર્યું મોત નીપજ્યું!

હાલોલના કંજરી ગામે રહેતા લાલભાઇ નાનજીભાઈ નાયક ઉંમર વર્ષ 35 પોતાની પત્ની મંજુલા સાથે ગત 29 જાન્યુઆરીના રોજ બળતણના લાકડા કાપવા ખેતરમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક યુવાન અર્ધબેભાન અવસ્થામાં પડી રહ્યો હતો. લાકડા કાપવા જતા લાલભાઈ અને તેમના પત્નીને યુવાનની મદદ કરવાની ઈચ્છા થતા લાલાભાઇ એ યુવકને ઉઠાડી નામ અને સરનામું પૂછ્યું. અર્ધબેભાન અને માનસિક અસ્થિર લાગતા યુવકનું કોઈ નજીકમાં ઓળખીતું ન હોય વિડિઓ બનાવી મદદ કરવાનો વિચાર કર્યો. 

લાલભાઈ એ અર્ધ મૂર્છિત યુવકનો વિડિઓ બનાવવા ઘણી પૂછપરછ કરી પરંતુ યુવક કઈ બોલવાની જગ્યાએ ઉલ્ટાનો ગુસ્સે ભરાયો. જેથી લાલભાઈ એ પોતાની પત્ની મંજુલાબેન સાથે ત્યાંથી નીકળી જવું મુનાસીબ લાગ્યું. લાલભાઈ જેવા પોતાની પત્ની સાથે થોડા દૂર ચાલતા થયા કે અચાનક પાછળથી માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા પડ્યા. લાલભાઈ અને મંજુલાબેન પોતે કઈ સમજે તે પહેલાં જ ઉપરાછાપરી પથ્થરના ઘાથી લાલભાઈનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયુ.

સૌથી મહત્વની વાત તો એ હતી કે લાલભાઈ પર હીંચકારો હુમલો કરનાર અન્ય કોઇ નહિ પરંતુ જે અજાણ્યા યુવકની મદદ કરવા માટે લાલભાઈ એ પોતાની પત્ની સાથે પ્રયત્ન કર્યો હતો એ અજાણ્યો યુવક જ હતો. હત્યારા યુવકે મંજુલાબેનની સામે જ પતિ લાલભાઈની પથ્થરોના ઘા મારી ઘાતકી અને કરપીણ હત્યા કરી નાખી હતી. ઘટના સ્થળે લોહીલુહાણ હાલતમાં લાલભાઈની લાશ પડી હતી. પોતાના પતિને બચાવવા ઝઝુમી રહેલા મંજુલાબેને આસપાસના સ્થાનિકોને બુમાબુમ કરી ભેગા કરી 108ને કોલ કર્યો. પરંતુ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. લાલાભાઇ નાયકે પોતાની પત્ની સામે જ જીવ ગુમાવ્યો. 

લાલભાઈ નાયકને 108માં હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે હાલોલ રૂરલ પોલીસને પણ જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એક તરફ પોલીસ દ્વારા લાશ પી.એમ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ લાલાભાઇ નાયકની ઘાતકી હત્યા કરનાર અજાણ્યો યુવાન કોણ હતો, તેને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક લાલાભાઈની પત્ની મંજુલાબેનની ફરિયાદના આધારે જરૂરી પુરાવા અને સ્થળ પર મૃતક લાલાભાઈ એ ઉતારેલ અજાણ્યા ઇસમના વિડિઓના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

જો કે વિડિઓના આધારે ઓળખ થતા પોલીસના ધ્યાને આવ્યું કે આરોપી યુવકનું નામ કલ્પેશ દશરથ ચૌહાણ છે. જે મૂળ હાલોલ તાલુકાના હડબિયા ગામનો રહેવાસી છે. પોલીસે આરોપીને નજીક ના ગામમાંથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news