Gujarat Police બનશે વધુ સ્માર્ટ અને શાર્પ, Body Worn Camera ઉપયોગ ગુજરાત પ્રથમ રાજ્ય
‘બોડી વોર્ન કેમેરા’ની ઉપયોગિતા વર્ણવતા મંત્રીએ કહ્યું કે, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, VVIP સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકશે.
Trending Photos
અમદાવાદ: ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ અમદાવાદમાં ગુજરાત પોલીસને 10 હજાર “Body Worn Camera” લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું કે,’ભારત (India) માં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત (Gujarat) પ્રથમ રાજ્ય છે.’ આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ (Smart) અને શાર્પ (Sharp) બનશે એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ (Police) ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે.
‘બોડી વોર્ન કેમેરા’ની ઉપયોગિતા વર્ણવતા મંત્રીએ કહ્યું કે, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, VVIP સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજી (Technology) નો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે.
પોલીસસેવાના વિસ્તરણ અને આધુનિકીકરણમાં ગુજરાત (Gujarat) સમગ્ર દેશમાં અગ્રેસર છે, અને રાજ્યમાં આ અંગે નક્કર પગલા ભરવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, વર્ષ 2017 થી 2020 સુધીમાં ગુજરાત સરકારે લોકરક્ષકથી માંડીને પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના સંવર્ગમાં 30,419 યુવાનોની ભરતી કરી છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં કાયદો અને વ્યવસ્થા માટે રુ. 7,960 કરોડની ફાળવણી કરી છે.
પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ રાજ્યમાં શાંતિ અને સલામતી માટે કરવામાં આવેલા કાનૂન-સુધારાની વિગતો આપતા કહ્યું કે, બહેન અને દીકરીઓની સલામતી માટે રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં સુધારો કરી ગુનેગારોને નશ્યત કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે , ગુજરાતમાં જમીન પચાવી પાડતા અસામાજિક તત્વો પર સંકજો કસવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ગુંડાઓ સામે વધુ કડક હાથે કામગીરી કરવા માટે ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવીટી(પ્રિવેન્શન),2020 માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી અર્થે મૂક્યો છે.
રાજ્યમાં પ્રજાની શાંતિ અને સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંની રુપરેખા આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 7 હજારથી વધુ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગના આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ એવા ઈ-ગુજકોપનો પણ આ અવસરે ગૃહરાજ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોલીસતંત્રનો આ ડિજિટાઈઝેશન પ્રકલ્પ રાષ્ટ્રીય સ્તરે સરાહના પામ્યો છે. તેમણે આ અવસરે પોલીસ આધુનિકીકરણમાં ‘પોકેટ કોપ’ પ્રકલ્પનું પણ અગત્યનું સ્થાન હોવાનું જણાવ્યું હતું. રાજ્યના પોલીસતંત્રને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને વ્યાપક બનાવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે