ગુજરાતના આ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા 5400 કરોડની યોજના! સીઆર પાટીલે આપ્યા ખુશખબર

નવસારી જિલ્લાને ભવિષ્યમાં પાણીની સમસ્યા ન પડે, એ હેતુથી કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય દ્વારા 5400 કરોડ રૂપિયાની યોજના બનાવી હોવાની માહિતી આજે નવસારીના કાંઠા વિસ્તારમાં ઐતિહાસિક રાષ્ટ્રીય શાળા કરાડીના શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે આપી હતી.

ગુજરાતના આ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા 5400 કરોડની યોજના! સીઆર પાટીલે આપ્યા ખુશખબર

ધવલ પરીખ/નવસારી: આગામી સમયમાં પાણી માટે યુદ્ધ થશે, ત્યારે પાણીનો સંગ્રહ કરવાની આપણી ફરજ છે. નવસારી જિલ્લાને ભવિષ્યમાં પાણીની સમસ્યા ન પડે, એ હેતુથી કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય દ્વારા 5400 કરોડ રૂપિયાની યોજના બનાવી હોવાની માહિતી આજે નવસારીના કાંઠા વિસ્તારમાં ઐતિહાસિક રાષ્ટ્રીય શાળા કરાડીના શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે આપી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતની આઝાદીની ચળવળમાં અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં અંધાધુંધ ગોળીબાર કરી હજારો લોકોને જીવતા ભૂંજી દીધા હતા. આ ઘટના બાદ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજી વસ્તુઓનો બહિષ્કાર કરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવા આહવાન કર્યું હતું. ત્યારે ગાંધીજીની પ્રેરણાથી નવસારીના કાંઠા વિસ્તારના કરાડી ગામમાં પણ વર્ષ 1921 માં એક ઘરમાં રાષ્ટ્રીય શાળાની શરૂઆત થઈ હતી. ત્યારથી કરાડીની શાળા આઝાદીના આંદોલનોમાં યોગદાન આપતી આવી હતી. 

શાળાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ સરદાર વલ્લભભાઈ પટેલે આજીવન શાળાના પ્રમુખ પદે રહેવાનું સ્વીકાર્યું હતું. સમય વિતતા શાળાને આધુનિકતાની જરૂરિયાતને ધ્યાનમાં લઇ વિકસિત કરવાનો અને નવસારીના કાંઠા વિસ્તારના બાળકો પણ શહેરની અંગ્રેજી માધ્યમની શાળાની જેમ, કરાડીની રાષ્ટ્રીય શાળામાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એવા ઉદ્દેશ સાથે 2006 માં સુવિધા યુક્ત શાળા શરૂ થઈ હતી. 2021 માં શાળાના 100 વર્ષ પૂર્ણ થયા હતા. જોકે શાળાનો શતાબ્દી મહોત્સવ આજે ભવ્યતા સાથે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની પ્રવૃત્તિઓ વિશે જાણી શાળા સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મોહન પટેલે શાળા સાથેના પોતાના સંસ્મરણો વાગોડિયા હતા. 

કરડીની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે કહ્યુ કે, 6 ટર્મમાં 5 મુખ્યમંત્રી કેશુ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલને જોયા, જેમાં ભુપેન્દ્ર પટેલ ભોળા છે. એમણે જે માંગ્યુ એ આપ્યુ છે. 1998 થી ટાઈડલ ડેમની માંગ હતી, એ પણ પૂર્ણ કરી, પરંતુ જ્યાં માંગ્યો હતો, ત્યાં નહીં આપતા અમારા કાંઠાની જમીન ખારી થવાની સંભાવના છે. તો મે જે જગ્યાએ ડેમ માંગ્યો હતો, ત્યાં ડેમ જેવું નાનું સ્ટ્રકચર પણ ઉભુ કરવામાં આવે તો દરિયાની ખારાશને અટકાવી શકાશે. જ્યારે કાંઠામાં પાણીની સમસ્યા મુદ્દે સરકાર યોજનાઓ આપી રહી હોવાની આર. સી. પટેલની વાત ઉપર કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે પાણીની સમસ્યા હલ કરવા તેમના જળ શક્તિ મંત્રાલય દ્વારા વલસાડ અને નવસારી જિલ્લાની પાણી સમસ્યાના ઉકેલવા માટે 5400 કરોડની યોજના બનાવી છે અને તેનો DPR પણ તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિઓને બોલાવી પ્રેઝન્ટેશન આપવામાં આવશે. કારણ યોજનામાં 50 ટકા રકમ રાજ્ય સરકારે જ આપવી પડશે. જેના થકી નવસારી જિલ્લાની પાણી સમસ્યાનું નિરાકરણ આવશે.

જલાલપોર તાલુકાની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં અનેક મહાનુભાવોએ શાળાને લાખોનું દાન આપી શાળાની કામગીરીને બીરદાવી હતી. પરંતુ આ કાર્યક્રમ નવસારી જિલ્લા માટે પાણી યોજનાની જાહેરાતથી ફાયદા રૂપ સાબિત થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news