ગરમીના અસહ્ય મારથી ગુજરાતનું ગ્રીનેસ્ટ સિટી ગાંધીનગર પણ ન બચ્યું, પારો 45 ડિગ્રીએ પહોંચ્યો
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :નૌતપામાં સૂર્ય આકરો બની રહ્યો છે, ત્યારે સૂર્યપ્રકોપથી આજે પણ નહિ બચી શકાય. ઉત્તર ભારત સહિત ગુજરાતમાં આજે પણ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં અનેક શહેરોનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધુ ગરમ ગુજરાતનું પાટનગર ગાંધીનગર બન્યું છે. એશિયાનું ગ્રીન સિટી કહેવાતા ગાંધીનગરમાં ગરમીનો પારો 45ને પાર કરી ગયો છે. જો ગ્રીન સિટીની આવી હાલત હોય તો ગુજરાતના અન્ય શહેરોની હાલત કેવી હોય તે સમજી શકાય છે.
ક્યાં કેટલી ગરમી
- અમદાવાદ 44.5 ડિગ્રી
- સુરેન્દ્રનગર 45.3 ડિગ્રી
- ગાંધીનગર 45 ડિગ્રી
- ડીસા 43.4 ડિગ્રી
- વડોદરા 41.5 ડિગ્રી
- સુરત 34.2 ડિગ્રી
- રાજકોટ 44.5 ડિગ્રી
- ભૂજ 41.4 ડિગ્રી
ગરમીથી ગુજરાતમાં બેના મોત
રાજ્યમાં અસહ્ય ગરમી વરસી રહી છે. જેને પગલે અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. પહેલા તો લોકો બપોરે 12થી 4 વાગ્યા સુધી તાપમાં નીકળવાનું ટાળતા હતા, પણ હવે તો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી લોકો બહાર જવાનું ટાળે છે, આ દરમિયાન રસ્તાઓ પણ સૂમસાન જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં બે લોકોના મોતના સમાચાર મળ્યા છે. ગરમીથી અરવલ્લીના મેઘરજમાં 35 વર્ષના યુવકનું અને વડગામના છાપીમાં પણ એક યુવકનું મોત થયું હોવાનું કહેવાય છે. ગુજરાતમાં હજી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે તેવુ હવામાન ખાતાનું કહેવું છે.
અમદાવાદ કરતા ગાંધીનગર વધુ તપ્યું
ગાંધીનગરનું સ્થાન એશિયાના ગ્રીનેસ્ટ સિટીમાં આવે છે. તેમ છતાં ગુજરાતનું આ પાટનગર તપી રહ્યું છે. ગાંધીનગરનો પારો અમદાવાદ કરતા પણ વધી ગયો છે. રવિવારે ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી રહ્યું હતું, તો સામે અમદાવાદનું તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત બે દિવસ પહેલા સૌથી વધુ તાપમાન ધરાવતા સુરેન્દ્રનગરમાં રવિવારે ગરમીનો પારો 45.3 ડિગ્રી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોટાભાગના રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનના ચુરૂમાં તો ગરમીએ 50 ડીગ્રીનો આંકડો વટાવી દીધો છે, એટલે કે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ રાહત મળવાની સંભાવના નથી. હવામાન ખાતાએ જણાવ્યું કે, લોકોએ જરૂર ન હોય તો બપોરના સમયે ઘરની બહાર નિકળવું નહીં. દેશના અનેક શહેરોમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
આગામી બે દિવસ હજુ ગરમી રહેશે
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, હીટ વેવના કારણે દેશના મોટાભાગના મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેશે. સમુદ્ર કિનારાના વિસ્તારોમાં 37 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે. જ્યારે હીલ સ્ટેશનોમાં પણ પારો 30 ડિગ્રીથી ઉપરનો જ રહેશે. અત્યારે જે પ્રકારે 'લૂ' જોવા મળી રહી છે, બાળકો અને વૃદ્ધોએ ખાસ સાચવવાની સલાહ હવામાન વિભાગે આપી છે. લોકોએ પાણી વધુ પીવું અને ગરમીમાં જો બહાર નિકળવાનું થાય તો સમગ્ર શરીરને ઢાંકીને નિકળવું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે