ભાંગીને હતાશ થયેલા HIV પોઝિટિવ કપલે નવા જીવનની પોઝિટિવ શરૂઆત કરી, સુરતનો કિસ્સો
Trending Photos
- એચઆઇવી પોઝિટિવ લોકોના લગ્ન કરાવવા માટે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ વિથ એચ.આઇ.વી. એઇડ્ઝ સંસ્થા કટિબદ્ધ છે.
- દેશભરના 262 જેટલા HIV પોઝિટિવ યુગલોના લગ્ન કરાવાયા છે. હાલ પણ કોરોના કાળમાં વર્ચ્યુઅલ પસંદગી મેળો રાખવામાં આવે છે
ચેતન પટેલ/સુરત :ઉત્તરાખંડની આંચલ અને ગુજરાતના મુકેશ (બંનેના નામ બદલ્યા છે) ની ભગવાને બનાવેલી પોઝિટિવ જોડી બની છે. બંને HIV પોઝિટિવ છે અને જ્યારે આ અંગે બંન્નેને ખબર પડી હતી ત્યારે બંન્નેના જીવનમાં નકારાત્મકતા આવી ગઈ હતી. પરંતુ ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ એચ.આઇ.વી.એઇડ્ઝ સંસ્થાના HIV પોઝિટિવ માટે ચાલતા મેરેજ બ્યુરોના કારણે બંન્નેના હાલ જ લગ્ન થયા અને જીવન જીવવા માટે નવો રસ્તો મળ્યો છે.
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે, ‘રબને બનાદી જોડી' પરંતુ ક્યારેય સાંભળ્યું છે' રબને બનાદી પોઝિટિવ જોડી'..!!!! સાંભળીને વિચારમાં મૂકાઈ ગયા હશો. પરંતુ તમને જણાવી દઈએ કે એચઆઇવી પોઝિટિવ લોકોના લગ્ન કરાવવા માટે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ વિથ એચ.આઇ.વી. એઇડ્ઝ સંસ્થા કટિબદ્ધ છે. દેશભરના HIV પોઝિટિવ લોકોના જીવનમાં એક નવો ઉજાસ આવી શકે એ માટે આ મેરેજ બ્યૂરો ચલાવવામાં આવે છે. તેમાં દેશભરના 262 જેટલા HIV પોઝિટિવ યુગલોના લગ્ન કરાવાયા છે. હાલ પણ કોરોના કાળમાં વર્ચ્યુઅલ પસંદગી મેળો રાખવામાં આવે છે. જ્યારે સુરતના મુકેશને ખબર પડી કે તે HIV પોઝિટિવ છે ત્યારે તેના અનેક સપનાઓ જાણે અંધકારમાં ચાલ્યા ગયા. બી.કોમ કરી બેંકમાં નોકરી કરી રહેલા મુકેશને ભવિષ્યને લઇ ચિંતા હતી. આ અંગે મુકેશે જણાવ્યું હતું કે, પિતાને પણ HIV હતો અને તેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. એક મહિના પહેલા જ આંચલ સાથે લગ્ન થયા છે અને તેના આવ્યા બાદ તેમના ખુશાલ જીવનની એક નવી શરૂઆત થઈ છે.
આંચલે કહ્યું કે, હું ઉત્તરાખંડમાં દહેરાદૂનથી છું અને હું એચ.આઈ.વી પોઝિટીવ છું. મને વર્ષ 2007માં એચઆઈવી પોઝિટિવ હોવાની જાણ થઈ. બિમાર પિતાને છેલ્લા સ્ટેજમાં ડોક્ટરે કહ્યું કે, તેમને એઈડ્સ છે. ત્યારબાદ પરિવારનો ટેસ્ટ કરાવતા ખબર પડી કે એચઆઇવી પોઝિટિવ છું. તે સમયે હું માત્ર 10 વર્ષની હતી. નાની હતી ત્યારે એટલી સમજ ન હતી. પરંતુ જેમ જેમ મોટી તેમ તેમ તેની ગંભીરતા સમજ પડી. ડર લાગતો હતો કે જીવિત રહીશ કે નહીં. આજ વિચાર મગજમાં ચાલતા હોવાથી પરિવાર અને મિત્રોથી પણ દૂર થઈ ગઈ. એ સમયગાળા દરમિયાન નોકરી શરૂ કરી અને મારા જેવા જ એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવી અને એચઆઇવી વિશે સમગ્ર વાતોની જાણકારી લીધી. આજે હું મારા જેવા અનેક લોકોને સમજાવું છું. વર્ષ 2020માં મારા લગ્ન થયા છે. પતિ ગુજરાતી છે. લગ્નના થયા ત્યાં સુધી હું વિચારતી હતી કે શું હું પણ લગ્ન કરીશ?? શું મારી પણ એક સામાન્ય જીંદગી હશે?? એ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ ઉપર મેં જાણ્યું કે એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓના પણ લગ્ન કરવામાં આવે છે અને મેં સંસ્થાનો સંપર્ક કર્યો. આજે લગ્ન કરીને ખૂબ ખુશ છું.
જીએસએમપી પલ્સના પ્રેસિડેન્ટ રસિકભાઈ ભુવાએ જણાવ્યું કે, મારા પોતાની સાથે થયેલા લગ્ન બાબતના બનાવને કારણે સંસ્થાની મિટિંગમાં વાતચીત કરીને નક્કી કર્યું કે મારા જેવા અનેક લોકોને લગ્ન કરવા માટે પ્લેટફોર્મ મળે. જેથી વર્ષ 2006માં પસંદગી મેળાનું આયોજન કર્યું. અત્યાર સુધી 12 પસંગીમેળા કર્યા છે. અત્યારસુધી 1700 થી 1800 યુવક યુવતીઓએ ભાગ લીધો છે. જેમાંથી 262 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. કોરોનાને કારણે આ વર્ષે વર્ચ્યુઅલ પસંગી મેળાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના બધા જિલ્લા તેમજ પાંચથી છ રાજ્યોના લોકો પણ ભાગ લેશે. અંદાજિત 300 થી 400 લોકો આ પસંદગી મેળામાં ભાગ લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે