IELTS માં એજન્ટો આ રીતે વગાડે છે લોકોની 'બેન્ડ', Visa-વિદેશી વિમાનની વાર્તા કરીને વેતરવાની ચાલ વિશે જાણો

હાલમાં જ IELTS ની પરીક્ષામાં પાસ કરાવીને ખોટી રીતે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છે. અમેરિકા અને કેનેડા બોર્ડર પરથી મહેસાણાના ચાર યુવકોની પૂછપરછ થતાં આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે આ આખુંય કૌભાંડ કેવી રીતે આચરવામાં આવતું હોય છે. ઝી 24 કલાકની ટીમે છણાવટ કરતા સામે આવી છે આવા ગુનેગારીની મોડસ ઓપરેન્ડી. ત્યારે જાણીએ કે આ પ્રકારના કૌભાંડ કઈ રીતે આચરવામાં આવતા હોય છે? 

  • વિદેશ જવાની લાલચમાં તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી
  • વિદેશમાં નોકરીનો મોહ તમને બનાવી શકે છે કંગાળ
  • અમેરિકા અને કેનેડા મોકલવાનું કહીને એજન્ટો લૂંટી લેશે રૂપિયા
  • જાણો કઈ રીતે થાય છે IELTS અને VISA ના નામે કૌભાંડ
  • બધા માટે લાલબત્તી સમાન છે મહેસાણાના યુવકોનો કિસ્સો

Trending Photos

IELTS માં એજન્ટો આ રીતે વગાડે છે લોકોની 'બેન્ડ', Visa-વિદેશી વિમાનની વાર્તા કરીને વેતરવાની ચાલ વિશે જાણો

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ IELTS એટલે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરીક્ષણ સિસ્ટમ છે. LTS અંગ્રેજી ભાષાની એક ટેસ્ટ છે. જે લોકો કે વિદ્યાર્થીઓ વિદેશ જવા માગતા હોય તેમને આ પરીક્ષા આપવી જરૂરી છે. વિદેશમાં અભ્યાસ માટે કે ત્યાં સ્થાયી થવા માટે તમને અંગ્રેજી ભાષા સારી રીતે આવડે છેકે નહીં તેની તપાસ કરવા માટે જ IELTS ની પરીક્ષા આપવી ફરજિયાત છે. આ ટેસ્ટમાં ઉમેદવારની અંગ્રેજી વાંચવાની, બોલવાની, સાંભળવાની અને લખવાની સ્કિલ તપાસવામાં આવે છે. ત્યારે એ જાણવું જરૂરી છેકે, આખરે વિદેશ જવા માંગતા લોકોનો સીધી રીતે પરીક્ષા આપીને પાસ થવામાં કેટલો ખર્ચ થાય છે? અને ખોટી રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ખોટા સર્ટી ઉભા કરીને પાસ થવા પાછળ કેટલાં રૂપિયા વેડફાય છે અને આ આખુંય કૌભાંડ કઈ રીતે આચરવામાં આવે છે. આ તમામ સવાલોના જવાબ તમને અહીં મળી જશે.

5 લાખ થી 25 લાખ રૂપિયા લઈને ખોટી રીતે વિદેશ મોકલવા થાય છે પ્રયાસઃ
સ્કોલર ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટના પાર્ટનર શિવા મહેંદીરતા જણાવે છેકે, વિદેશ જવા માંગતા લોકોને ખોટી રીતે પરીક્ષામાં પાસ કરાવવા માટે માર્કેટમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી અપાય છે. અને એરપોર્ટ પર કાવાદાવા કરીને સેટિંગ કરીને લોકોને વિદેશ મોકલાવામાં આવે છે. બોગસ એજન્સીઓ અને એજન્ટો આ કૌભાંડ આચરે અને વિદ્યાર્થીઓ પાસે લાખો રૂપિયા પડાવી લે છે. સીધી રીતે IELTS ની પરીક્ષા આપવી હોય તો તેની સત્તાવાર ફી માત્ર 15,300 રૂપિયા જ થાય છે. અને પરીક્ષાની તૈયારીઓ માટે સારા કોચિંગ ક્લાકમાં કોચિંગની ફી પણ 10 થી 30 હજાર રૂપિયાની થાય છે. આનાથી વધારે કોઈ ખર્ચ થતો નથી. પણ અમુક બોગસ એજન્સીઓ અને એજન્ટો વિદેશ જવા માંગતા લોકો પાસેથી 5 લાખથી લઈને 25 લાખ રૂપિયા જેવી મોટી રકમ પણ પડાવી લે છે. 

ખોટી રીતે વિદેશ પહોંચે એને જેલભેગા થવું પડે છેઃ
વિદેશ જવાની તૈયારી કરતો વિદ્યાર્થી યશ પટેલ જણાવે છેકે, નિયમોનો ભંગ કરીને જે લોકો ખોટી રીતે વિદેશ પહોંચે છે એને જેલભેગા થવું પડે છે. કારણકે, જ્યારે પણ ત્યાં વેરિફિકેશન થાય કે કોઈપણ પ્રકારનું ચેકિંગ થાય તો વર્ષો પછી પણ તેમને પકડીને જેલભેગા કરવામાં આવે છે. સીધી લીટીએ મહેનત કરીને જ આગળ વધી શકાય છે. વર્ષ 2014માં ગુજરાતમાંથી 500 યુવકો ખોટી રીતે વિદેશ પહોંચ્યા હતાં. વર્ષ 2019માં વેરિફિકેશન થતાં સામે આવ્યું કે આ લોકો ખોટી રીતે અહીં આવ્યાં છે. તેમની સામે ગુનો નોંધીને તેમને તુરંત જ ભારત પરત ડિપોર્ટ કરવામાં આવ્યાં હતાં.

બોગસ એજન્ટો આપે છે 100 ટકા પાસ કરાવવાની ગેરંટીઃ
વિદેશી બાબતોના નિષ્ણાત દિગંત સોમપુરા જણાવે છેકે, હાલમાં લોકોમાં વિદેશ જઈને રૂપિયા કમાઈ લેવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે બોગસ અને લેભાગુ એજન્ટો આવા લોકોનો લાભ લઈને તેમની પાસે લાખો રૂપિયા પડાવી લે છે. ખોટી રીતે તેમને વિદેશ મોકલી તો દેવાય છે પણ જો તે પકડાઈ જાય તો એજન્ટો છૂટી પડે છે. બોગસ એજન્ટો ઈન્ટરનેટ પરથી જ ત્યાંની જોબ અને એજ્યુકેશન સંસ્થાઓની માહિતી શોધીને વિદ્યાર્થીઓને આપતા હોય છે. ઘણી જગ્યાઓએ કોમ્પયુટર પર કલાકારી કરીને બોગસ સર્ટી બનાવવામાં આવે છે. રીક્ષાઓ પાછળ એવી જાહેરાતો આપવામાં આવે છેકે, અહીં એડમિશન લો તો 100 ટકા IELTSની પરીક્ષામાં 6 થી 7 બેન્ડ લઈ આપીશું. હવે તમે જ વિચારો કે આ રીતે કોઈ પરીક્ષા પહેલાં જ કેવી રીતે દાવો કરી શકે. જેમણે મહેનત નથી કરવી એ લોકો આવા બોગસ તત્વોની ચૂંગાલમાં ફસાય છે અને પછી રોવાનો વારો આવે છે.

કયા-ક્યા દેશમાં જવા માટે જરૂરી છે IELTSની પરીક્ષાઃ
સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, યૂકે, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભણવા જવા માટે ઈચ્છતા વિદ્યાર્થીને આ પરીક્ષા આપવી પડે છે. આ ઉપરાંત જે લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કાયમી માટે સ્થાયી થવા માગતા હોય તેવા લોકોને પણ પરીક્ષા આપવી જરૂરી છે.

IELTS પરીક્ષા શું છે?
વિદેશ જવા માટે IELTS પરીક્ષા આપવી જરૂરી 
IELTSની પરીક્ષા આપવા માટે ઉમેદવારની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જરૂરી છે
IELTS એક ઈગ્લિંશ લેંગ્વેજ પરીક્ષા છે 
IELTS એટલે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરીક્ષણ સિસ્ટમ 
વ્યક્તિની અંગ્રેજી ભાષા જાણવાની સૌથી પ્રમાણભૂત પરીક્ષા 
પરીક્ષામાં 1થી લઈ 9 સુધીનો સ્કોર આપવામાં આવે છે 
યૂએસ, યૂકે,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા જવા પરીક્ષા જરૂરી 
ઈગ્લિંશ બોલવાની,વાંચવાની, લખવાની અને સાંભળવા સ્કિલ ચકાસાઈ છે 
વિદેશ જતાં વિદ્યાર્થીએ પરીક્ષા આપવી ફરજિયાત 

કુલ કેટલાં પ્રકારના વિઝા હોય છેઃ
1) ઈમિગ્રેશન વિઝા- જેમાં તમારા કોઈ સંબંધી જેની સાથે તમારો લોહીનો સંબંધ હોય તે તમને પોતાના ત્યાં રહેવા માટે ઈન્વાઈટ કરતા હોય બોલાવતા હોય તો તમે આવા વીઝા માટે અરજી કરી શકો છો.
2) PR VISA- વિદેશમાં હંમેશા માટે સ્થાયી થવા માટે એટલેકે, પરમેનેન્ટ રેસીડેન્ટ માટે અરજી કરવી. 
3) સ્ટુડન્ટ વિઝા- અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝાનો બેઝ લઈને વિદેશ જતા હોય છે. અને પછી ત્યાં વર્ક પરમિટ મેળવીને પૈસા પણ કમાઈ લેતા હોય છે.
4) ટૂરિસ્ટ વિઝા- વિદેશમાં ફરવા જવા માંગતા લોકોએ જે-તે દેશ પાસેથી ટૂરિસ્ટ વિઝા લેવો આવશ્યક છે. જોકે, ટૂરિસ્ટ વિઝા ખુબ સરળતાથી મળી જાય છે.

IELTS પરીક્ષાની પેટર્ન:
IELTSની પરીક્ષામાં ચાર સેક્શન હોય છે. જેમાં વાંચવું, બોલવું, સાંભળવું અને લખવાની સ્કિલ જોવામાં આવે છે. કોઈપણ ઉમેદવારની માર્કિંગ આ ચાર સેક્શનના આધારે કરવામાં આવે છે. જે બાદ ઓવરઓલ IELTSનો સ્કોર તૈયાર કરાય છે.  

મહેસાણાના યુવકો કઈ રીતે પહોંચી ગયા અમેરિકા?
અંગ્રેજી આવડતુ ન હોવા છતાં IELTS ની પરીક્ષામાં 8 બેન્ડ લાવી પાસ થઈને અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ચાર પટેલ યુવકો પકડાયા છે. ચારેય વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકા બોર્ડર પાર કરીને જઈ રહ્યા હતા. અધવચ્ચે નદીમાં તેમની બોટ પકડતા અમેરિકન પોલીસે તેમને પકડ્યા હતા, અને પૂછપરછમાં ખુલાસો થયો કે તેમને અંગ્રેજી આવડતુ ન હોવા છતાં IELTS ની પરીક્ષામાં 8 બેન્ડ લાવ્યા હતા. ત્યારે હવે અમેરિકાથી શરૂ થયેલી તપાસ મહેસાણા, અમદાવાદ બાદ હવે નવસારીમાં પહોંચી છે. મહેસાણા પોલીસની તપાસમાં સામે આવ્યુ કે, આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી IELTS ની પરીક્ષા આપવા મોકલ્યા હતા. અને ત્યાર બાદ જ આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news