કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, સુરતમાં 3 લોકોની ધરપકડ, મીઠાઈના બોક્સથી પકડાયા
સુરતના લિંબાયત વિસ્તારમાંથી હત્યાકાંડમાં જેમની સંડોવણી મનાઈ રહી છે તેવા 3 લોકોની ધરપકડ કરી છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: હિન્દુ સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ હિન્દુ મહાસભાના સભ્ય કમલેશ તિવારીની 18 ઓક્ટોબર શુક્રવારના રોજ લખનઉમાં ધોળા દિવસે ધાતકી હત્યા થઈ જતા ચકચાર મચી છે. તેમનું ગળું કાપીને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચ અને ATSએ કુલ 3 લોકોની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને અમદાવાદ લવાયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી રશીદ, મોહસિન અને ફૈઝલની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યાકાંડનું સુરત કનેક્શન અત્યંત ચોંકાવનારું સાબિત થઈ રહ્યું છે. હિન્દુવાદી નેતા કમલેશ તિવારીના હત્યારાઓએ સુરતમાંથી મીઠાઈ ખરીદી હતી. આ હત્યારાઓએ મીઠાઈના બોક્સમાં ચાકૂ અને તમંચો છૂપાવ્યા હતાં. પોલીસે આ મામલે શુક્રવારે મોડી રાતે સુરતમાંથી 7 શંકાસ્પદોની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરાઈ. જેમાંથી 3 લોકોની ધરપકડ થઈ છે. સુરતની ધરતી નમકીન એન્ડ સ્વીટ્સ દુકાનના મીઠાઈના બોક્સ પરથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી. આ મીઠાઈનું બોક્સ હત્યાના સ્થળેથી મળી આવ્યું હતું. એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું ગઈ કાલથી ઓપરેશન ચાલી રહ્યું હતું. આ બાજુ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં પણ પોલીસે મુફ્તી નઈમ કાસમી, મૌલાના અનવારૂલ હક નામના આરોપીઓની ધરપકડ કરી છે.
સીસીટીવી ફૂટેજથી મળી રહી છે મહત્વની કડીઓ
પોલીસે તેમની હત્યામાં સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે અને સાથે જ તપાસમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું છે. કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે કમલેશની હત્યા બાદ પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યાં છે તેમાં જે બે સંદિગ્ધ યુવકો જોવા મળે છે તેમના હાથમાં મિઠાઈ અને થેલો જોવા મળી રહ્યો છે. આ મીઠાઈના થેલાથી પોલીસને મહત્વની કડીઓ મળી છે. આ થેલામાં જે મીઠાઈનો ડબ્બો હતો તે સૂરતની જાણીતી બ્રાન્ડ ધરતી નમકીન એન્ડ સ્વીટ્સનો હતો. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ મીઠાઈના ડબ્બામાં હથિયારો છૂપાવીને લાવવામાં આવ્યાં હતાં.
વધુ માહિતી માટે જુઓ VIDEO
આ મામલે યુપી પોલીસે પણ બિજનોરથી મૌલાના અનવારુલ હકની ધરપકડ કરી છે. આ મૌલાના અનવારુલ હકે વર્ષ 2016માં કમલેશ તિવારીનું માથું વાઢવા બદલ 51 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. અન્ય એક મૌલાનાની પણ ધરપકડ થઈ છે. કમલેશના પત્ની કિરણની ફરિયાદ પર શુક્રવારે પોલીસે આ મૌલાના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. યુપી પોલીસ ગુજરાત એટીએસના સંપર્કમાં પણ છે. યુપી પોલીસના જણાવ્યાં મુજબ આ હત્યાકાંડમાં જલદી મોટા ખુલાસા થઈ શકે છે.
ભગવા ડ્રેસમાં આવ્યા હતા હત્યારા
કમલેશ તિવારી હત્યાકાંડમાં પોલીસને મહત્વની કડી મળી છે. ઘટનાને અંજામ આપનારા શંકાસ્પદ હત્યારા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે મુજબ બંને હત્યારાએ ભગવા રંગનો ઝભ્ભો અને પેન્ટ પહેરી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓને શોધવા મથી રહી છે અને ટૂંક સમયમાં જ મોટો ખુલાસો કરવાનો પોલીસે દાવો કર્યો છે.
કમલેશની હત્યામાં ISISનો હાથ
પોલીસની તપાસમાં કમલેશ તિવારીની હત્યામાં આતંકવાદી સંગઠન ISISનો હાથ હોવાનું બહાર આવ્યું છે. એવું કહેવાય છે કે, હત્યારાઓએ 16 ઓક્ટોબરના રોજ ગુજરાતના સુરતમાંથી મિઠાઈ ખરીદી હતી અને એ મિઠાઈના ખોખામાં જ તેઓ હથિયાર છુપાવીને લઈને આવ્યા હતા. ISISએ કમલેશની હત્યા કરવાની ધમકી પણ આપી હતી.
જુઓ LIVE TV
ધોળે દિવસે કમલેશ તિવારીની ધાતકી હત્યાથી ચકચાર મચી
હિન્દુ સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ હિન્દુ મહાસભાના સભ્ય કમલેશ તિવારીની 18 ઓક્ટોબર શુક્રવારના રોજ લખનઉમાં ધોળા દિવસે ધાતકી હત્યા થઈ જતા ચકચાર મચી છે. તેમનું ગળું કાપીને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં તેમનું મોત નિપજ્યું હતું. ખુર્શીદ બાગ સ્થિત કાર્યાલયમાં હત્યારાઓ ભગવા કપડાં ધારણ કરીને કમલેશ તિવારીને મળવાના બહાને આવ્યાં હતાં. ત્યાં તેમની સાથે બેસીને ચા પીધી. ત્યારબાદ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયાં. આ ઘટના લખનઉના નાકા વિસ્તારની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે