ગુજરાતના આ ગામડાને મળ્યું મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકેનું સન્માન, દરેક ઘર-સંસ્થાઓમાં ચમકશે LED
ડાંગ અને તાપી જિલ્લાની સરહદે રૂપગઢ અને સોનગઢના ઐતિહાસિક કિલ્લાઓની વચ્ચે આવેલું ખુબસુરત કોશિમદા ગામ, સાત ફળિયાઓમાં વહેંચાયેલું છે. ગામના ચારસો થી વધુ ઘરોને આ યોજના અંતર્ગત ૮૪૭ જેટલી LED ટ્યુબ લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે.
Trending Photos
હિતાર્થ પટેલ/ડાંગ: કેન્દ્ર સરકારની સંસ્થા બ્યુરો ઓફ એનર્જી એફિસીઅન્સી અને રાજ્ય સરકારની ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે, રાજ્યમાં ઊર્જા કાર્યક્ષમતાને લગતા વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે, અને પ્રજાને તેના લાભો પણ મળી રહ્યો છે. આ કાર્યક્રમની શૃંખલામાં તાજેતરમાં જ ગુજરાતના ચાર ગામોને મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે અપનાવવામાં આવ્યા છે. જેમાનું એક ગામ એટલે ડાંગ જિલ્લાનું કોશિમદા ગામ.
ડાંગ અને તાપી જિલ્લાની સરહદે રૂપગઢ અને સોનગઢના ઐતિહાસિક કિલ્લાઓની વચ્ચે આવેલું ખુબસુરત કોશિમદા ગામ, સાત ફળિયાઓમાં વહેંચાયેલું છે. ગામના ચારસો થી વધુ ઘરોને આ યોજના અંતર્ગત ૮૪૭ જેટલી LED ટ્યુબ લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે. રહેણાંકના મકાનો ઉપરાંત પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્ર, અને પ્રાથમિક શાળા જેવી સરકારી જાહેર સંસ્થાઓમાં પણ LED ટ્યુબ લાઈટનું વિતરણ કરી, તેનો વપરાશ શરૂ કરાયો છે. તેમ જણાવતા ગામના સરપંચ શ્રી રાજેશભાઈ ગામીતે, LED ટ્યુબ લાઈટના વપરાશથી દર વર્ષે હજારો યુનિટ વીજળીની બચત સાથે, કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
ઊર્જા કાર્યક્ષમ LED ટ્યુબ લાઈટથી સારા, સ્વચ્છ પ્રકાશ સાથે વીજ બિલમાં રાહત, અને વીજળીના ઓછા વપરાશના કારણે પર્યાવરણનું પણ સંરક્ષણ થશે, તેમ જણાવતા પંચાયતના સભ્ય અરુણાબેન પવારે કોશિમદા ગામના નિશાળ ફળિયા, દેવળ ફળિયા, ઝાડી ફળિયા, માદળીયા ફળિયા, કોટવાળીયા ફળિયા, પાયર ફળિયા સહિતના ફળિયાઓમાં પ્રત્યેક ઘરે બે બે LED ટ્યુબ લાઈટ આપવામાં આવી છે તેમ કહ્યું હતું. મના લાભાર્થી યુવાનો સર્વશ્રી દિનેશ ગામીત, પ્રિંકલ ગામીત અને યાકુબ કોટવાળીયા એ ગામને મળેલી આ ભેટ બદલ ખુશી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષ દરમિયાન રાજ્ય સરકારની ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા દ્વારા ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં કુલ ૨૧ હજારથી વધારે LED ટ્યુબ લાઈટ તથા ૨૪ હજારથી વધારે સ્ટાર રેટેડ પંખાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ મળવા સાથે શાળાઓના વીજ બિલમાં પણ ઘટાડો થશે.
કેન્દ્ર સરકારની બ્યુરો ઓફ એનર્જી એફિસીઅન્સી રાષ્ટ્રીય સ્તરે ઊર્જા કાર્યક્ષમ વસ્તુઓના વેચાણ તથા ફેલાવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્નશીલ છે. આ પ્રવૃત્તિઓને ગુજરાતમાં વેગ આપવા માટે ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા (GEDA)ની નિયુક્તિ કરવામાં આવી છે. જેમના દ્વારા ડાંગ જિલ્લાના કોશિમદા ગામને મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદ કરીને, ગૌરવ પ્રદાન કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે