અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ

Ahmedabad Panjrapole Flyover : ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા અમદાવાદના આઈઆઈએમ ફ્લાયઓવરના કેસનો નિર્ણય આવી ગયો છે અને ફ્લાયઓવર બનાવવાની લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. પરંતુ આ ફ્લાયઓવર ક્યાંથી ક્યાં બનાવાશે અને આ ફ્લાયઓવરનો વિરોધ કરવા પાછળ સામાન્ય જનતાની શું દલીલ હતી તે જાણીએ
 

અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ

Ahmedabad News : અમદાવાદમાં IIM થી પાંજરાપોળ વચ્ચે બનનાર ઓવરબ્રિજનો વિવાદ અંગેની જાહેર હિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે ફ્લાય ઓવર બનવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે આ અંગે કારણ આપીને કહ્યું કે, ‘તંત્રના નીતિ વિષયક નિર્ણય પર પોતાનો નિર્ણય ન થોપી શકે. આ કેસમાં ફ્લાયઓવરના નિર્માણનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનિકલ નિષ્ણાતોના રિપોર્ટના આધારે લીધો છે. તેવા કિસ્સામાં ટેકનિકલ અભિપ્રાયને નજરઅંદાજ કરીને કોર્ટ તેને ગેરકાયદે જાહેર કરી શકે નહીં.’ 

આ તારણ સાથે હાઇકોર્ટે ફ્લાયઓવરના નિર્માણના પગલે વૃક્ષો કપાતા ગ્રીન કવર ઘટશે, બ્રિજ બનાવનારી કંપનીનો રેકોર્ડ ખરાબ છે અને આ વિસ્તારમાં ટ્રાફિક ઘટ્યો સહિતની અરજદારની દલીલો રીતસરની ફગાવી દીધી હતી. જેના પગલે AMCને મોટી રાહત મળી છે. હાઇકોર્ટેની ચીફ જસ્ટિસની ખંડપીઠે ૭૦ પાનાંના ચુકાદામાં અરજદારોની દલીલોની છણાવટ કરી નોંધ્યું છે કે, ‘AMC પ્રજાના બહોળા હિત માટે ફ્લાયઓવર બનાવી રહી છે, ત્યારે બ્રિજના નિર્માણથી વૃક્ષો કપાશે અને ગ્રીન કવર ઘટશે એવી દલીલ અપ્રસ્તુત છે. કેમ કે, AMC નવા 30 લાખ વૃક્ષો વાવવાની છે.

અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે, પાછલા વર્ષોમાં પાંજરાપોળ અને આઇઆઇએમ વચ્ચેના રોડ પર ટ્રાફિકમાં ઘટાડો થયો છે. તો કોર્ટે નોંધ્યુ કે માત્ર એ દલીલના આધારે પ્રજાની સુખાકારી માટે બની રહેલાં બ્રિજના નિર્માણને અટકાવવાનો આદેશ કોર્ટ કરી શકે નહીં. ત્રીજું કે બ્રિજના નિર્માણનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની રણજીત કન્સ્ટ્રક્શન છે, જ્યારે અરજદારોના મોટાભાગના આક્ષેપો રણજીત બિલ્ડકોન વિરૂદ્ધના છે. તેથી અરજદાર ઉક્ત કોઇ પણ દલીલ ટકી શકે એમ ન હોવાથી અરજી ફગાવવામાં આવે છે.

હાઇકોર્ટે ચુકાદાના અંતે નોંધ્યું છે કે, ‘આ જાહેરહિતની અરજીના પગલે બ્રિજના નિર્માણમાં અગાઉથી જ વિલંબ થઈ ગયો છે અને જો હજુ વધુ વિલંબ થશે તો જાહેર નાણાંને નુકસાન થશે અને ખરેખર તો એ જાહેરહિતથી વિપરીત હશે માટે અરજી ફગાવવામાં આવે છે. હાઇકોર્ટેમાં બિસ્માર રસ્તા અને અણઘડ રોડ ડિઝાઇન મુદ્દે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં ટ્રાફિક જંક્શન પર અને આસપાસમાં થતા ટ્રાફિકજામને ઘટાડવા રોડ ડિઝાઇનમાં ફેરફાર જરૂરી હોવાનો કોર્પોરેશનનો સ્વીકાર કર્યો હતો. સરખેજ ગાંધીનગર હાઈવે અને અલગ-અલગ વિસ્તારોના મુખ્ય માર્ગો પર રોડ કટ બંધ કરીને ટ્રાફિકની સમસ્યા સુધારવાનો પ્રયાસ હોવાની રજૂઆત કરી હતી.

હાઈવે પરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટમાં ડિઝાઈનમાં પણ બદલાવ લાવવાની ખાતરી આપી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાતપણે કરાવવામાં આવે તેવી તાકીદ કરી હતી. ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત છે, ત્યારે આ નિયમનું પણ પાલન કરાવવામાં આવે તેવા કોર્ટે નિર્દેશ કર્યો. ગુજરાત પોલીસમાં ટ્રાફિક પોલીસ માટેની અલગ કેડર ઊભી કરવા પણ હાઇકોર્ટે સરકારને કર્યું સૂચન કરી કોન્સ્ટેબલ કક્ષાની ભરતી ઝડપી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news