છીંક ખાવા બાબતે LRD જવાનને પાંચ લોકોએ માર માર્યો, પોલીસે કરી આરોપીઓની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર LRD યુવરાજ ઝાલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડતા તેઓને નાકના ભાગે ફ્રેક્ચર હોવાનુ સામે આવ્યું. જે અંગે નરોડા પોલીસે LRD જવાનની ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં પોલીસ જવાનને છીંક ખાવી ભારે પડી છે. સરકારી કામ માટે ગયેલા LRD જવાનને છીંક ખાવા જેવી બાબતે પાંચેક શખ્સોએ માર માર્યો. પોલીસકર્મીને મારતા પોલીસ જવાનને નાકના ભાગે ફ્રેક્ચર થયું. જે અંગે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તાત્કલિક આરોપીઓની ધરપકડ કરી હતી.
બનાવ અંગે હકીકત એવી છે કે અમદાવાદનાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા યુવરાજસિંહ ઝાલા શનિવારે બપોરના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માટે ફાળવેલ નવી જમીન બાબતના કામકાજ અંગે મામલતદાર કચેરી ગયા હતા. જ્યાં કચેરીની બહાર નીકળતા જ LRD જવાન યુવરાજ ઝાલાને છીંક આવતા નજીકમાં ઉભેલા બે ઈસમોમાંથી એક ઈસમે તેની પાસે આવીને કહ્યું હતું કે હું, સારા કામથી નીકળ્યો છું તે છીંક કેમ ખાધી? તેમ કરીને તેને બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યા. જોકે, પોલીસ જવાને પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને અહીં સરકારી કામકાજ અર્થે આવ્યો હોવાનું કહેવા છતાં પણ આ આરોપીઓએ તું કેવી રીતે સરકારી કામકાજ કરે છે. તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
બાદમાં બીજા ત્રણ લોકોને બોલાવીને પાંચ જણા ભેગા થઈને પોલીસ જવાનને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન LRD જવાનને મોઢાના ભાગે મુક્કા મારતા તેઓને નાક અને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. એટલું જ નહીં આસપાસના લોકોએ બુમાંબૂમ કરતા પાંચ આરોપીઓએ પોલીસ જવાને મારવાનું બંધ કર્યું હતું. બાદમાં સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ Corona: ખુશીના સમાચાર, કોરોના સામે જંગ જીતી રહ્યું છે ગુજરાત, 18 જિલ્લામાં એકપણ કેસ નહીં
પ્રાપ્ત માહિતી અનુસાર LRD યુવરાજ ઝાલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડતા તેઓને નાકના ભાગે ફ્રેક્ચર હોવાનુ સામે આવ્યું. જે અંગે નરોડા પોલીસે LRD જવાનની ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પાંચેય આરોપીઓ વિરુધ સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી અને ગેરકાયદેસર મંડળી રચવા અંગેની ફરિયાદ નોંધી છે. હાલ નરોડા પોલીસે પાંચેય આરોપી જગદીશ ભરવાડ, ભરત ભરવાડ, વિપુલ ભરવાડ, સંજય ભરવાડ અને રવિ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે