મહેસાણા જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ વાવણી ના કર્યા શ્રી ગણેશ, ગત વર્ષની સરખામણીમાં વાવેતર ઘટ્યું
કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે સમયાંતરે વિવિધ વિસ્તારોમાં લોકડાઉન અને કરફ્યૂની સ્થિતિ લાગૂ કરાઈ હતી. આ પ્રકારની સ્થિતિના કારણે તમામ ધંધા-રોજગારને માઠી અસર પડી છે. ત્યારે કૃષિ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી રહ્યો.
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે સમયાંતરે વિવિધ વિસ્તારોમાં લોકડાઉન અને કરફ્યૂની સ્થિતિ લાગૂ કરાઈ હતી. આ પ્રકારની સ્થિતિના કારણે તમામ ધંધા-રોજગારને માઠી અસર પડી છે. ત્યારે કૃષિ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી રહ્યો. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો અનાજનું ઉત્પાદન હોય કે બાગાયત ખેતી દરેક વ્યવસાયને માઠી અસર પડી છે. હવે ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો વાવણીના કામમાં જોતરાઈ ગયાં છે. રાજ્યના મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પણ વાવણીની શરૂઆત કરી છે.
મહેસાણા જિલ્લામાં ચોમાસા સિઝનની વાવણી ના ખેડૂતો દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ખેડૂતોને આ વર્ષે સારા વરસાદથી સારા પાક અને વળતરની આશા છે. પરંતુ આ વખતે ગત વર્ષ કરતાં ઓછું વાવેતર હાલમાં નોંધાયું છે. ગત વર્ષે આ સમય દરમિયાન 15,000 હેકટરમાં વાવેતર થયું હતું. જ્યારે આ વર્ષે હાલમાં 9000 હેકટર જેટલું વાવેતર નોંધાયું છે.
દર વર્ષે મહેસાણા જિલ્લામાં ચોમાસુ વાવેતર 2,90,000 હેકટરમાં થાય છે. આગામી દિવસમાં હજુ જેમ ચોમાસુ સક્રિય થશે ત્યારે વધુ વાવેતર જિલ્લામાં થશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ખાસ કરીને ચોમાસા માં દિવેલા પાકનું વાવેતર સૌથી વધુ થતું હોય ઓગસ્ટ મહિના સુધી ખેડૂતો દિવેલાનું વાવેતર કરે છે. ચોમાસુ વાવેતર ની વાત કરવામાં આવે તો હાલમાં ખાસ કરીને મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર મહેસાણા જિલ્લામાં નોંધાયું છે. અને આગામી સમયમાં આ વાવેતરમાં વધારો થવાની વાત જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશ જોશી એ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે