જામનગર હાઇવે પર ટ્રકને અટકાવીને ચેકિંગ કરતા અંદરથી મળ્યો લાખો રૂપિયાનો દારૂ
Trending Photos
રાજુ રૂપારેલિયા/રાજકોટ : ખંભાળીયા જામનગર હાઈવે પર ગત્ મોડી રાત્રીના સમયે એલ.સી.બી. પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન પસાર થતા એક વાહનને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેમાંથી રૂપિયા 16.73 લાખની કિંમતની 460 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે કુલ રૂપિયા 28.73 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત ટેન્કર ચાલક તથા પાયલોટીંગ કરનાર બાઈક ચાલક નાસી છૂટવામાં સફળ થયા હતા.
સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા- જામનગર હાઈવે પરથી આશરે પાંચેક કિલોમીટર દૂર આર.ટી.ઓ. ચોકડી પાસે ગત રાત્રીના ચોક્કસ બાતમીના આધારે હાઈવે પરના મુંદ્રા ફર્નિચર પાસેથી પસાર થઈ રહેલા જી. જે. 12 ઝેડ 4944 નંબરના એક ટેન્કરને અટકાવામાં આવ્યું હતું. જામનગર તરફથી ખંભાળિયા બાજુ આવી રહેલા અને હાઈ બોન્ડ સિમેન્ટના ટેન્કરને પોલીસ સ્ટાફે થોભવા માટે કહેતા ઉપરોક્ત ટેન્કર ચાલક વાહન ઉભુ રાખવાને બદલે જામનગર ભાગ તરફ નાસી ગયો હતો. પરંતુ આગળ જલિયાણ પેટ્રોલ પંપ પાસે વોચમાં રહેલા સ્ટાફે આ ટેન્કરને રોકી કીધું હતું.
આ દરમિયાન ઉપરોક્ત ટેન્કરનો ચાલક અંધારામાં નાસી છૂટવામાં સફળ થયો હતો. જ્યારે આ સ્થળેથી ઉપરોક્ત કરને ક્લીનર અને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના બેડવા તાલુકાના ભેરુડી ગામનો રહીશ દિનેશ ભાગીરથરામ બિશનોઈ (ઉ. વ. 24) નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. આથી પોલીસે આ ટેન્કરનું ચેકિંગ કરતા કુલ રૂ. 16,72,800/- ની કિંમતની 5520 બોટલ વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત રૂપિયા બાર લાખની કિંમતના ટેન્કર મળી કુલ રૂપિયા 28,72,800/- નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા ટેન્કરના ક્લીનર દિનેશ બીશનોઈની અટકાયત કરી, કોરોના અંગેનું સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી.
મહત્ત્વની બાબત તો એ છે કે ઉપરોક્ત ટેન્કરને પાયલોટિંગ કરવા માટે આગળની તરફથી જી. જે. 37 ઈ. 6888 નંબરનો એક મોટરસાયકલ ચાલક આગળ જઈ રહ્યો હતો. પરંતુ પોલીસ કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત બાઈક ચાલક પણ નાશી છૂટવામાં સફળ થયો હતો. આ દારૂ કોણે મોકલ્યો કોને આપવાનો હતો તે અંગે ફરાર બાઈક ચાલક ઝડપાય બાદ વધુ ખબર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે