આ સ્થળે નથી ગયા તો ભવ નકામો! ગુજરાતના આ ગામડામાં કૃદરતના ખોળે બનાવાઈ પ્રાકૃતિક લાયબ્રેરી
નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીના કિનારે વસેલુ દેવધા ગામ કેરી અને ચિકુની વાડીઓથી ઘેરાયેલ પ્રદેશ છે. અહીં ચાર પેઢીઓથી શિક્ષણ સાથે જોડાયેલા વશી પરિવારના સ્વ. મોહન વશીએ બાળકો અને યુવાનોમાં પુસ્તક પ્રેમ જગાવવાની ઈચ્છા હતી.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: વેકેશન એટલે ધીંગામસ્તીનો સમય, શાળાનુ વેકેશન પડતા જ શરૂ થાય પીકનીકનું પ્લાનિંગ, બાળકો એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્કમાં જવાની જીદ કરતા હોય છે, પરંતુ નવસારીના દેવધા ગામે પ્રકૃતિ વચ્ચે નિર્માણ પામેલ મોહન વાંચન કુટીર બાળકો, યુવાનો માટે વેકેશન દરમિયાન પુસ્તકો સાથે પ્રકૃતિને માણવાનો નવો વિકલ્પ બન્યો છે. અહીં કેરી અને ચીકુના ઝાડ નીચે ઠંડા પવનો વચ્ચે બેસી બાળકો અને યુવાનો પુસ્તક વાંચનમાં કલાકો બેસી રહે છે.
નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીના કિનારે વસેલુ દેવધા ગામ કેરી અને ચિકુની વાડીઓથી ઘેરાયેલ પ્રદેશ છે. અહીં ચાર પેઢીઓથી શિક્ષણ સાથે જોડાયેલા વશી પરિવારના સ્વ. મોહન વશીએ બાળકો અને યુવાનોમાં પુસ્તક પ્રેમ જગાવવાની ઈચ્છા હતી અને જેને ધ્યાને રાખીને જ તેમના પૌત્ર ડૉ. જય વશી દ્વારા પરબ પ્રોજેક્ટ શરૂ કર્યો. પરંતુ બાળકો યુવાનો સહિત સૌ જીવનમાં પુસ્તકનું મહત્વ સમજે એ હેતુથી તેમણે લાયબ્રેરીઓ સ્થાપવા સાથે હરતી ફરતી લાયબ્રેરી પણ શરૂ કરી હતી.
જોકે વેકેશનમાં વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્કના ક્રેઝ સામે પ્રકૃતિના ખોળે બેસીને પુસ્તકોનું વાંચન થઈ શકે અને વાંચન આળસ નહીં પણ જિજ્ઞાસા સાથે ઉત્સાહ કેળવે એવા ઉમદા વિચાર સાથે ડૉ. જય વશીએ પોતાની આંબા અને ચીકુ વાડીમાં મોહન વાંચન કુટીર શરૂ કર્યુ છે. પ્રારંભિક તબક્કે 2 હજાર પુસ્તકોથી શરૂ કરેલ આ પ્રાકૃતિક લાયબ્રેરી આસપાસના 20 ગામોના વિદ્યાર્થીઓ, યુવાનો માટે વેકેશનમાં સમય વિતાવવાનુ ઉત્તમ સ્થળ બની રહ્યું છે.
મોબાઈલ સ્ટોરમાં ડિસ્પ્લે કરેલા મોબાઈલ ફોનની જેમ જ અહીં પુસ્તકના ફીચર સાથે પુસ્તક ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. જેથી પુસ્તક વિશેની માહિતી મેળવી પોતાના પસંદગીના પુસ્તકને વાંચક વાંચી શકે. જેનાથી પ્રેરાઈ વિદ્યાર્થીઓ રોજ પુસ્તક એડવેન્ચર માણી રહ્યા છે. મોહન વાંચન કુટીરમાં પુસ્તકો વાંચવાની મજા આવે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં શહેરોની આધુનિક સુવિધાથી સજ્જ લાયબ્રેરીથી હટકે આ પ્રાકૃતિક લાયબ્રેરીમાં જમીન ઉપર વૃક્ષની છાયા નીચે શણના કોથળા પાથરીને પુસ્તક વાંચન, ખાટલા, ગાયના છાણની લીપણ વાળી બેઠક સાથે જ કુદરતી ઠંડા પવનો, પક્ષીઓના મધુર કલરવ વચ્ચે બાળકો, યુવાનો તેમજ અન્યો પોતાના ગમતા પુસ્તકને મનભરીને વાંચી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સોશ્યલ મિડીયાના જમાનામાં મોહન કુટીર વાયરલ થતા 7 દિવસમાં જ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સહિત અન્ય શહેરો તેમજ નવસારીના ગામડાઓમાંથી 1200 થી વધુ લોકોએ પ્રકૃતિના ખોળે બેસી વાંચન કર્યુ છે. આ પુસ્તકાલય ઉનાળો અને શિયાળો બે ઋતુમાં ચાલુ રખાશે, જ્યારે ચોમાસમાં બંધ રહેશે. ત્યારે સ્વ. મોહન દાદાનું સપનું પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા ડૉ. જય વશી લોકોને મોબાઈલ કરતા પુસ્તકને પ્રેમ કરવા અપીલ કરે છે.
ડિજીટલ યુગમાં લોકો, ખાસ કરીને બાળકો પુસ્તકોથી દૂર થતા હોય, ત્યારે મોબાઈલના વળગણને કાઢવા નવસારીના નાના અમથા દેવધા ગામમાં શરૂ થયેલ મોહન વાંચન કુટીર બાળકો અને યુવાનોમાં લોકપ્રિય થઇ રહ્યુ છે. ત્યારે આ પ્રાકૃતિક પુસ્તકાલય ભારતમાં પૌરાણિક કાળમાં પ્રકૃતિના ખોળે ચાલતા ગુરૂકુળની યાદ અપાવી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે