પશુપાલન વિભાગના મંત્રીનો ખુલાસો, ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એકપણ કેસ નથી

પશુપાલન વિભાગના મંત્રીનો ખુલાસો, ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એકપણ કેસ નથી
  • બર્ડ ફ્લૂના ખતરાને પગલે પશુપાલન વિભાગ દોડતું થયું
  • નળ સરોવર અને ઝૂમાંથી પક્ષીઓના સેમ્પલ લેવાયા
  • પક્ષીઓના સેમ્પલ રિપોર્ટ માટે ભોપાલ મોકલાયા 

ઝી મીડિયા/બ્યૂરો :દેશના છ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત ફેલાઈ છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ રાજ્યમાં આ માટે જરૂરી પગલા લેવાયા છે. બર્ડ ફલૂ ને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા અને કોર્પોરેશન આરોગ્ય અધિકારીઓને પત્ર લખાયો છે. શંકાસ્પદ બર્ડ ફ્લૂ (Bird Flu) ના સર્વેલન્સ અને અટકાયતી પગલાં લેવા સૂચન કરાયા છે. તો સાથે જ પોલટ્રી ફાર્મમાં કામ કરતા મજૂરોને શરદી ગળું પકડાવવા જેવા શંકાસ્પદ કેસ દેખાય તો ઘનિષ્ઠ સર્વેક્ષણ બનાવવાની સૂચના અપાઈ છે. 

આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઈ કે, પોલટ્રી ફાર્મમાં મરઘાના મૃત્યુ અંગે સર્વેક્ષણ કરવું. તો સાથે જ ફોરેસ્ટ વિભાગ સાથે પણ સંકલન રાખવા કહેવાયું છે. જો કેસ પોઝિટિવ આવે તો તેના સંદર્ભે પણ પોલેટ્રી ફાર્મને માર્ગદર્શન અપાયું છે. તો કોઈ કેસ પોઝિટિવ આવે તો શું પગલાં ભરવા તે પણ જાણ કરાઈ છે. જિલ્લાઓમાં ટેમિફલુ, પ્રોટેકટિવ કીટ અને માસ્કનો જથ્થો પૂરતો રાખવા સૂચના અપાઈ છે. 

બર્ડ ફ્લૂની દહેશતને પગલે ગુજરાતમાં એલર્ટ આપી દેવાયું છે. બર્ડ ફ્લૂના ખતરાને પગલે પશુપાલન વિભાગ દોડતું થયું છે. હજુ સુધી ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. નળ સરોવર અને ઝૂમાંથી પક્ષીઓના સેમ્પલ લેવાયા છે. પક્ષીઓના સેમ્પલ રિપોર્ટ માટે ભોપાલ મોકલાયા છે. બર્ડ ફ્લૂ અંગે પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આ માહિતી આપતા જણાવ્યું કે, સરકારની સૂચના મુજબ તમામને એલર્ટ કરી દેવાયા છે. ગુજરાતમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ કેસ નથી દેખાયો. પરંતુ બર્ડ ફ્લૂ અંગેની તમામ તકેદારી લેવાઈ છે. દવા અને વેક્સીનેશન માટે તૈયારી કરાઈ છે. 2 દિવસમાં 55 પક્ષીઓના મૃત હાલતમાં મળ્યા છે. જોકે, પ્રાથમિક તપાસમાં પોઈઝનથી તમામનું મૃત્યુ થયાનું અનુમાન છે. 

આ પણ વાંચો : એક રૂમ રસોડાનું ઘર ખરીદવા અઠવાડિયાથી રોજ હજારો લોકો લાઈન લગાવીને ઉભા રહે છે

બર્ડ ફ્લૂના ખતરાને પગલે અમદાવાદનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. અમદાવાદ જિલ્લામાંથી 250 સેમ્પલ લેવાયા છે. સેમ્પલ લેવા ઉપરાંત સર્વે પણ કરવામાં આવ્યો છે આ વિશે પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો. સુકેતુ ઉપાધ્યાયે જણાવ્યું કે, ભોપાલ મોકલાયેલા રિપોર્ટના આવતા ત્રણથી ચાર દિવસ થશે. જો તેમાંથી કોઇ પક્ષી પોઝિટિવ આવશે તો તેની સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે સારવાર કરવામાં આવશે. જે પક્ષીમાં બર્ડ ફ્લુ રિપોર્ટ થાય તો એક કિલોમીટરનો વિસ્તાર આઇસોલેશનમાં મૂકવામાં આવે છે અને 10 કિલોમીટરનો વિસ્તાર સર્વેલન્સમાં રાખવામાં આવે છે. બર્ડ ફ્લૂ માણસમાં ન ફેલાય તે માટે તેને 70 ડિગ્રી તાપમાને રાંધીને સ્વચ્છ રાખી ખાવું જોઈએ. જો પોલ્ટ્રી ફાર્મમાં કોઇ પક્ષી પોઝિટિવ આવે તો તમામ પક્ષીઓનો નાશ કરવાનો રહે છે. જો પક્ષી પોઝિટિવ હોય તો ભોપાલથી રિપોર્ટ આવે છે, અને જો કોઈ પક્ષીમાં કોઇ લક્ષણ ન હોય તો તેનો રીપોર્ટ આવતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news