પાર્ટી ગમે તે હોય.. આ નેતાઓની જીત તો પાક્કી જ! સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળ્યો દબદબો
રાજનીતિમાં કેટલાક એવા નેતા જોવા મળતા હોય છે જે પોતાના દમ પર ચૂંટણી જીતતા હોય છે. આવા નેતાઓને કોઈ પાર્ટીની જરૂર પડતી નથી. તે ગમે તે પાર્ટીમાં હોય કે અપક્ષમાં હોય તેમની જીત પાક્કી હોય છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ નેતાઓનો દબદબો યથાવત રહ્યો છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો 18 ફેબ્રુઆરી, મંગળવારે જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. પરંતુ કેટલીક જગ્યાએ નવા સમીકરણો પણ જોવા મળ્યાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના દમ પર જીતવાની ક્ષમતા ધરાવનાર નેતાઓનું વર્ચસ્વ પણ જોવા મળ્યું છે. દેવભૂમિ દ્વારકા નગરપાલિકાની વાત હોય કે રાણાવાવ, કુતિયાણાની વાત હોય... અહીં પોતાના દમ પર સતત ચૂંટણી જીતતા નેતાઓનું પ્રભુત્વ જોવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા નપામાં વિપક્ષના સૂપડા સાફ
દેવભૂમિ દ્વારકા નગરપાલિકા ચૂંટણીની જવાબદારી ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સંભાળવામાં આવી હતી. પબુભા માણેકે પહેલા જ કહ્યું હતું કે અહીં ભારતીય જનતા પાર્ટી મહા જીત મેળવવાની છે. દ્વારકા નગરપાલિકાના 7 વોર્ડમાં 28 બેઠકો હતી. આ તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. વિપક્ષના ખાતામાં એકપણ બેઠક આવી નથી. એટલે કે અહીં પોતાના દમ પર સતત ચૂંટણી જીતતા નેતાનું પ્રભુત્વ જોવા મળ્યું છે.
1990થી ધારાસભ્ય છે પબુભા માણેક
દ્વારકા-કલ્યાણપુર વિધાનસભાના ધારાસભ્ય પબુભા માણેક ભાજપ સાથે જોડાયેલા છે. પબુણા માણેકનો આ વિધાનસભામાં સતત દબદબો જોવા મળે છે. તેઓ 1990થી ધારાસભ્ય છે. પબુણા માણેક પહેલા આઈએનડી, કોંગ્રેસ અને પછી ભાજપમાં સામેલ થયા હતા. તેમણે પાર્ટી બદલી પરંતુ પોતાની જીત હંમેશા યથાવત રહી છે. પબુભા માણેક 1990માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને હંમેશા જીતતા રહ્યાં છે. તેઓ અપક્ષમાં હોય તો પણ જીત મેળવે છે. એટલે કે તેમનું માત્ર નામ હી કાફી છે.
કાંધલ જાડેજાનો જોવા મળ્યો જાદૂ
આવા એક અન્ય નેતાનો જાદૂ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યો છે. આ નેતા છે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા. કાંધલ જાડેજા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડ્યા હતા અને સતત ત્રીજીવાર વિધાનસભા પહોંચ્યા હતા. આ પહેલા 2017માં કાંધલ જાડેજાએ એનસીપીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી હતી. વર્ષ 2012માં કાંધલ જાડેજા પ્રથમવાર ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં કાંધલ જાડેજાના નામ પર લોકો મત આપે છે. તે પોતાના દમ પર ચૂંટણી જીતે છે.
કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા કરી કબજે
કાંધલ જાડેજાએ આ વખતે રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ કબજો કર્યો છે. એટલે કે કાંધલ જાડેજાનો જાદૂ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. આ બંને નપામાં સપાની જીત ભલે થઈ હોય પરંતુ આ જીત માત્રને માત્ર કાંધલ જાડેજાના નામ પર મળી છે. કાંધલ જાડેજા એવા નેતા છે તેમને કોઈ પાર્ટીની જરૂર નથી. તે પોતાના દમ પર ચૂંટણી જીતવામાં અને અન્યને જીતાડવાની ક્ષમતા ધરાવે છે.
કુતિયાણા નગરપાલિકાનું પરિણામ
કુતિયાણા નગરપાલિકામાં 6 વોર્ડની કુલ 24 બેઠકો હતી. જેમાંથી સમાજવાદી પાર્ટીને 14 તો ભાજપને 10 બેઠકો મળી છે. જ્યારે રાણાવવ નગરપાલિકામાં કુલ 28 બેઠકો હતી. જેમાં સમાજવાદી પાર્ટીને 20 અને ભાજપને 8 બેઠકો મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે