બનાસકાંઠામાં PM એ કહ્યું, કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાકાથી બનાસકાંઠાના ખેડૂતોના નસીબ બદલાયા

PM Modi in gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયાની સૌથી મોટી બનાસડેરીના સણાદર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાને યાદ કર્યાં, સાથે જ અહીંની માતા-બહેનોને નમન કર્યા હતા
 

બનાસકાંઠામાં PM એ કહ્યું, કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાકાથી બનાસકાંઠાના ખેડૂતોના નસીબ બદલાયા

ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયાની સૌથી મોટી બનાસડેરીના સણાદર પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના છે. જેમાં બે લાખ કરતા વધુ પશુપાલક બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારે તેઓ બનાસકાંઠા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીએ શંકર ચૌધરી સાથે બનાસ ડેરીના નવા પ્રકલ્પોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ સ્ટેજ પર તેમનુ પશુપાલક મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ વેળાએ એક પશુપાલક મહિલાએ લાડીલા વડાપ્રધાનના ઓવારણા લીધા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ત્યારે પીએમ મોદીએ બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું બટન દબાવીને લોકાર્પણ કર્યું. 

કાશીના સાંસદ તરીકે હું બનાસ ડેરીનો ઋણી છું
પ્રધાનમંત્રીએ સંબોધનમાં કહ્યુ કે, મા અંબાની આ પાવન ધરતીને મારા નમન છે. જીવનમાં પહેલીવાર અવસર આવ્યો કે, એક લક્ષ્યાંક લાખો માતા-બહેનો મને આર્શીવાદ આપી રહી છે. તમે ઓવારણા લઈ રહ્યા હતા ત્યારે હું મારા મનના ભાવને રોકી શ્કયો ન હતો. તમારા આર્શીવાદ મારા માટે અનમોલ શક્તિનું કેન્દ્ર છે. બનાસની માતા-બહેનોને મારા નમન. ગત કેટલાક કલાકમાં હું ડેરીની તમામ નવી જગ્યાઓએ ગયો. અહી જે કામ થયુ તેનાથી હુ પ્રભાવિત છું. ભારતમાં ગામની અર્થવ્યવસ્થા અને માતાબહેનોના સશક્તિકરણને કેવી રીતે બળ આપી શકાય, કોઓપરેટિવ મુવમેન્ટ કેવી રીતે આત્મભારત અભિયાનને તાકાત આપી શકાય તે અહી અનુભવી શકાય છે. કાશીના મારા વિસ્તારમાં આવીને પણ બનાસ ડેરીએ ત્યાંના લોકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો. હવે તેને મૂર્તરૂપ અપાયુ, તેથી કાશીના સાંસદ તરીકે હું તમારો ઋણી છું.  

બનાસ ડેરીએ કચરમાંથી કંચન કર્યું 
તેમણે કહ્યુ કે, લોકલને ગ્લોબલ બનાવવાની દિશામાં સારો પ્રયાસ છે. ઓછા વરસાદવાળા જિલ્લાની તાકાત, કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાકાથી ખેડૂતની સ્થિતિ કેવી રીતે બદલી શકાય છે તે આજે અહી જોવા મળ્યું. આજે બટાકા કમાણીનું મોટુ ક્ષેત્ર છે. મેં હંમેશા સ્વીટ રિવોલ્યુશનની વાત કરી છે. તેને પણ બનાસ ડેરીએ ગંભીરતાથી અપનાવ્યુ છે. અહીંના મગફળી અને સરસવને લઈને પણ ડેરીએ શાનદાર યોજના બનાવી છે. આજે બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું, આવા અનેક પ્લાન્ટ બનાસ ડેરી દેશભરમાં લગાવશે. કચરામાઁથી કંચનના અભિયાનને સાકાર કરશે. ગોબર ગેસથી અનેક લશ્ર્યાંક મળી રહ્યા છે. સ્વચ્છતા થશે, ગોબરથી બાયો સીએનજી અને વીજળી બની રહી છે, તેમજ પશુપાલકોને આવક થાય છે, સાથે જ જૈવિક ખાધ પણ મળી રહ્યુ છે. આ પ્રકારના પ્રયાસ બનાસ ડેરીના માધ્યમથી દેશમાં પહોંચશે તો ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત થશે. ગામ મજબૂત થશે. ગુજરાત સફળતાની જે ઉંચાઈએ છે, તે દરેક ગુજરાતીને ગર્વ અનુભવાય છે. 

વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ માટે મોટી તાકાત છે 
ગુજરાતના શિક્ષણ સ્તર વિશે તેમણે કહ્યુ કે, આગામી પેઢી માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર મોટી તાકાત બની રહ્યુ છે. આપણી સરકારી પ્રાથમિક શાળા માટે મોટી ટેકનોલોજીનો ઉપયોગ દૂનિયા માટે અજાયબી છે. ગઈકાલે મેં તેનુ નિરીક્ષણ કર્યું. ત્યાં મેં વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે વાત કરી. આ કેન્દ્ર ગુજરાતની 54 હજારથી વધુ શાળા, 4.5 લાખથી વધુ શિક્ષકો અને કરોડો વિદ્યાર્થીઓની તાકાતનું કેન્દ્ર બન્યુ છે. આ કેન્દ્ર શિક્ષણ ક્ષેત્રે મોટુ પરિવર્તન લાવી શકે છે. 

પીએમ મોદીએ ગલબાકાકાને યાદ કર્યાં 
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાને યાદ કર્યા હતા. તેમણે કહ્યુ કે, સૌથી પહેલા બનાસની ધરતી પર આવુ તો મારુ માથુ ગલબાકાકા માટે નમે છે. 60 વર્ષ પહેલા ખેડૂતના દીકરા ગલબાકાકાએ જે સપનુ જોયુ તે વિરાટ વટવૃક્ષ બની ગયું. બનાસકાંઠાના ઘરેઘરે નવી આર્થિક શક્તિ પેદા કરી. તેથી તેમને આદરપૂર્વક નમન. બીજા નમન મારી બનાસની માતા-બહેનોને, જેઓ ઘરમાં સંતાનને સાચવે તેમ પશુને સાચવે છે. માતાબહેનોની તપસ્યાને કારણે બનાસ ડેરી ફૂલીફાલી છે. જે રીતે ડેરીનો વિકાસ થયો છે, તેમાં જે બનતુ હશે તે કરીશ. બનાસ ડેરી દેશભરમાં ફેલાઈ ગઈ છે. કરોડો ખેડૂતોની આવક દૂધથી ચાલતી હોય ત્યારે દેશમા સાડા આઠ લાખ કરોડનું દૂધ ઉત્પાદન દેશભરમાં થાય છે. ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતને મળે છે. વિપરીત પરિસ્થિતિમાં પશુપાલન કરીને પરિવારનું પેટ ભરી શકાય છે. ડેરીએ નાના ખેડૂતોની મોટી ચિંતા કરી છે. ખેડૂતોની ચિંતા લઈને મેં દિલ્હીમાં કામ કર્યું. આજે હું ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા મોકલી આપી શકુ છું. દિલ્હીથી રૂપિયા નીકળે તો જેના ધરે પહોંચવા જોઈએ ત્યાં પહોંચે છે. 

બનાસનું ટુરિઝમ પણ વિકસ્યું 
તેમણે કહ્યુ કે, બનાસકાંઠા એકવાર જે સમજી લે, પછી ક્યારેય તેને છોડે નહિ. હવે નર્મદા પણ અહી પહોંચી ગઈ છે. જો અહી તળાવો બનાવશો તો તમે પાણીની સમસ્યામાંથી બહાર આવી શકશો. સાથી તરીકે હું તમારા પડખે ઉભો છું. હવે નડાબેટ ટુરિઝમનું કેન્દ્ર બન્યુ છે. સરહદ પર ટુરિઝમનું ઉદાહરણ ગુજરાતે પૂરુ પાડ્યુ છે. નડાબેટ પર સીમાદર્શન શરૂ થતા બનાસ અને પાટણ જિલ્લાના છેવાડાના ગામ ધમધમતા થઈ જશે. રોજીરોટીના અવસર પેદા થશે. 

સીઆર પાટીલે સંબોધનમાં કહ્યુ કે, આ બહેનો રાજકુમારી જેવી છે. બનાસકાંઠાની બહેનો કોઈ પાણી માંગે તો દૂધ આપે તેવી છે. અહી પાણીની અછતને કારણે ખેતી અને ધંધો ઓછો હતો. પણ તમે શ્વેતક્રાંતિ કરીને જે તાકાત ઉભી કરી છે તેના માટે અભિનંદન. સાથે જ બનાસ ડેરીએ જો આ સુંદર આયોજન કર્યુ ન હોત અને પશુપાલકોના દૂધને યોગ્ય રીતે વેચાણની વ્યવસ્થા ન કરી હોત તો આ શક્ય ન હોત. આ પ્લાન્ટમાં બટાકા નાંખશો તો સોનુ નહિ નીકળે, પણ ચિપ્સ બનશે અને ચિપ્સ વેચીને તમે સોનુ ખરીદી શકશો. 

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યુ હતું કે, પીએમ મોદીએ આવીને બનાસકાઁઠા જિલ્લાનુ માન વધાર્યુ છે. તમે જ્યારે આવ્યા છો ત્યારે અહીના લોકોને નવુ વિઝન આપ્યુ છે. નવા વિચારો આપ્યા છે, જેથી અહીંનો વિકાસ થયો છે. તમે વિઝન આપ્યુ હતુ કે, પાણી બનાસની સમસ્યા છે. સીધેસીધી વાત તેમણે કહી હતી, ત્યારે આજે બનાસવાસીઓને આ વાત સાચી લાગે છે. ખેતીમાં તેમણે નવુ વિઝન આપ્યું, જેથી ઉત્પાદન વધ્યુ. સાથે જ મધુમાખી પાલનના તેમના વિચારથી પણ અહીંના લોકો સુખી થયા છે. 

No description available.

બનાસકાંઠામાં જતા પહેલા પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને તેમણે માતા હિરાબાને ફોન કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબા સાથે ટેલિફોનિક વાત કરી હતી. માતાના ખબર-અંતર પૂછી પ્રધાનમંત્રી મોદીએ પરિવારજનો સાથે પણ વાત કરી હતી. માતાની તબિયતની જાણકારી PM એ મેળવી. બનાસકાંઠાની મુલાકાત પહેલા પીએમએ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કેહું ફરીથી બનાસ ડેરી જઈ રહ્યો છું. છેલ્લે મે 2016માં ડેરીની મુલાકાત લીધી હતી. તો2013માં પણ હું બનાસ ડેરી ગયો હતો. સાથે જ તેમણે ટ્વીટ કર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બનાસ ડેરીએ સ્થાનિકોનું સશક્તિકરણ કર્યું છે. ખાસ કરીને ખેડૂતો અને સ્ત્રીઓના સશક્તિકરણમાં બનાસ ડેરીનો મોટા હાથ છે. બનાસ ડેરીમાં કાંઈક નવું કરવાનો ઉત્સાહ છે. આ સાથે જ બનાસકાંઠાના લોકોની મહેનત અને ઉત્સાહના પીએમએ વખાણ કર્યા છે. PM મોદીએ 2013 અને 2016ના કાર્યક્રમમના ફોટો શેર કર્યા છે.

બનાસકાંઠામાં પીએમ મોદીનું શિડ્યુલ 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે અને બનાસકાંઠાને ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી 600 કરોડના ખર્ચ બનેલા બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત બનાસ રેડિયોનું પણ ઉદ્ઘાટન કરશે. તથા પીએમ મોદી પોતાનો સંદેશ પણ રેકોર્ડ કરાવશે. તથા પ્રધાનમંત્રી મોદી રેડિયો સ્ટેશનના બિલ્ડિંગમાં જ આત્મનિર્ભર મહિલા પશુપાલકો સાથે સંવાદ કરશે અને બનાસ ડેરીથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી 15થી 20 મિનિટ જેટલો સમય આ સંવાદમાં વિતાવશે. ત્યારબાદ પીએમ મોદી બનાસ ડેરીના નવા પ્લાન્ટને ખુલ્લો મુકશે અને પ્લાન્ટના અલગ-અલગ પ્રકલ્પોની મુલાકાત લેશે તથા બટાટા પ્રોસેસીંગ યુનિટનું પણ લોકાર્પણ કરશે તેમજ પીએમ મોદી વર્ચ્યુઅલી 4 ગોબર ગેસ પ્લાન્ટનું પણ ભૂમિ પૂજન કરશે. ત્યારબાદ સભા સ્થળે 3 લાખથી વધુ મહિલા પશુપાલકોને  સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

— Narendra Modi (@narendramodi) April 19, 2022

પ્રધાનમંત્રીના આગમનને લઈને દિયોદરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 3500 પોલીસ જવાનોને દિયોદરમાં ખડેપગે છે. દિયોદર શહેર તથા સણાદરનો બનાસ ડેરી પ્લાન્ટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. 1 એડી આઈજી, 1 આઈજી, 2 ડીઆઈજી, 9 એસપી, 16 ડીવાયએસપી, 54 પીઆઇ, 178 પીએસઆઇ સહિત અનેક પોલીસ અધિકારીઓ તૈનાત કરાયા છે. 9 બૉમ્બ સ્કોર્ડની ટીમ, 5 ડોગ સ્નેપર સહિત અનેક સુરક્ષા એજન્સીઓ દિયોદરમાં ખડેપગે છે.  

બનાસકાંઠા બાદ આજે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. જામનગરમાં WHO ના પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરિશિયસના પીએમ અને WHOના મહાનિર્દેશક ઉપસ્થિત રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news