મહેસાણામાં વ્યાજખોરોથી કંટાળી યુવકે કરી આત્મહત્યા, ચિઠ્ઠીના આધારે તપાસ શરૂ
દિવ્યાંગ વ્યક્તિને તેના ઘરે જઈને ધમકી સહિત જમીન પચાવી લેવા ધમકી આપતા અંતે યુવકે આપઘાત કર્યાની ઘટનાએ મહેસાણા શહેરમાં ભારે ચકચાર જગાવી છે. મૃતકની ચિઠ્ઠી આધારે મહેસાણા તાલુકા પોલીસે 5 વ્યાજખોરો સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો.
Trending Photos
તેજસ દવે/ મહેસાણા: સામાજિક કારણોસર 4 મહિના પૂર્વે વ્યાજે લીધેલા રૂ.50 હજાર સામે 20 ટકા વ્યાજ મહેસાણામાં લેવાતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 20% ચઢાવીને રૂ.14 લાખની ઉઘરાણી કરતાં વ્યાજખોર અને તેના માણસોના ત્રાસથી કંટાળીને રામપુરા કુકસ ગામના વિકલાંગ યુવાને શોભાસણ ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. દિવ્યાંગ વ્યક્તિને તેના ઘરે જઈને ધમકી સહિત જમીન પચાવી લેવા ધમકી આપતા અંતે યુવકે આપઘાત કર્યાની ઘટનાએ મહેસાણા શહેરમાં ભારે ચકચાર જગાવી છે. મૃતકની ચિઠ્ઠી આધારે મહેસાણા તાલુકા પોલીસે 5 વ્યાજખોરો સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો.
મહેસાણા નજીક રામપુરા કુકસ ગામના 35 વર્ષના બંને પગે વિકલાંગ નાગરજી રવાજી ઠાકોરે ચાર મહિના પહેલાં ગામના કિરણ હિંમતસિંહ ચૌધરી પાસેથી સામાજિક કારણોસર રૂ.50 હજાર વ્યાજે લીધા હતા. જે સમયસર ભરી ના શકતાં 20 ટકા લેખે વ્યાજની રકમ રૂ.14 લાખે પહોંચી હતી. જેને પગલે કિરણ ચૌધરી અને તેના માણસો અવાર નવાર નાગરજીના ઘરે જઇ નાણાંની પઠાણી ઉઘરાણી કરી મારવાની ધમકી આપી હતી. નાગરજી ઠાકોરના પરિવારની જમીનને પોતાના નામે કરી આપવા દબાણ કરતા પરિવાર થાકી ગયો હતો અને દિવ્યાંગ યુવક આ સમગ્ર મામલે ડરી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી માનસિક ત્રાસ સહન નહીં થતાં નાગરજી ઠાકોર ઘરેથી નીકળી ગયો હતો અને 7 વાગ્યે શોભાસણ ફાટક પર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો.
મૃતકના ભાઇ સરદારજી ઠાકોરે જણાવ્યું હતું કે વ્યાજખોરના ત્રાસથી આ પરિવાર ભયભીત બન્યો હતો. 50 હજારની મૂડીના વ્યાજ સહિતના ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં આવી ગયેલા આ વિકલાંગ યુવકે ટ્રેન નીચે પડતું મુક્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ તપાસ દરમિયાન નાગરજીનું મોપેડ સ્કુટરની ડેકીમાં મુકેલી અને પોતાના હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેના આધારે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં 5 શખસો સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે.
મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે બનાવ સ્થળેથી મળી આવેલા નાગરજીના સ્કૂટરની ડેકીમાંથી ડાયરીના બે પાના ઉપર ગરબડીયા અક્ષરોમાં લખેલી ચિઠ્ઠી પોલીસને મળી હતી. જેમાં 20 ટકા વ્યાજ વસૂલાતું હોવાની સાથે ફોન પર 10 દિવસથી ધમકીઓ મળતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે ચિઠ્ઠી હસ્તાક્ષર નિષ્ણાતને મોકલી આપવા તજવીજ કરી હતી. જ્યારે કિરણ હિંમતભાઇ ચૌધરી વ્યાજખોર સહિત તેના અન્ય સાથી મિત્રો ને પકડવા તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે