વડોદરાનો રેન્ચોઃ દોઢ લાખનો પગાર છોડી ઇજનેર યુવાન બાળકોને આપે છે પ્રયોગ આધારિત શિક્ષણ

મુંબઇ આઇઆઇટીમાં ભણી યુવાને બાળકોને બિનપરંપરાગત રીતે શિક્ષણ આપવાનું બીડું ઝડપી વડોદરા પાદરા  નજીક જીધ્યાના સંશોધન નગરી શરૂ કરી છે. 

વડોદરાનો રેન્ચોઃ દોઢ લાખનો પગાર છોડી ઇજનેર યુવાન બાળકોને આપે છે પ્રયોગ આધારિત શિક્ષણ

મિતેષ માળી/પાદરા: જાણીતી હિન્દી મૂવી થ્રી ઇડિટયટ્સના રેન્ચો જેવું કામ વડોદરા નજીક પાદરાના તાજપૂરામાં એક ઇજનેર યુવાન કરી રહ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, મુંબઇથી એન્જીનિયરિંગ કર્યા બાદ માસિક રૂ. દોઢ લાખની નોકરી છોડી આ યુવાન હવે બાળકોને પ્રોયોગિક પદ્ધતિ આધારિત મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યો છે. આ યુવાને તાજપૂરામાં એક એકર જમીનમાં પોતાની ઓપન સ્કૂલ શરૂ કરી છે અને બાળકોને વિવિધ પ્રયોગો કરાવી અભ્યાસ કરાવી રહ્યો છે. હાલમાં તેમની સાથે 30 બાળકો જોડાયા છે. 

આ યુવાનનું મૂળ નામ ડો. બ્રિજેશ પટેલ છે. પાલનપુર ખાતે પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ તેમણે પાટણથી ધોરણ-12 સુધીનો અભ્યાસ કરી મોડાસા સ્થિત સરકારી ઇજનેરી કોલેજમાં ડિગ્રી અને એલ. ડી. એન્જીનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ શાખામાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. એ દરમિયાન ડો. બ્રિજેશ પટેલે વિદ્યાનગર ખાતે અદ્યાપન કાર્ય કરવાની સાથે આઇઆઇટી માટે પણ તૈયારી કરી અને વર્ષ 2010માં પ્રથમ પ્રયત્ને પ્રવેશ પરીક્ષા પાસ કરી મુંબઇ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો. એ દરમિયાન તેમને બિનપરંપરાગત શિક્ષણના મહત્વ વિશે સમજ વધુ ગહેરી બની અને એ દિશામાં કામ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. 

એ દરમિયાન ડો.બ્રિજેશ પટેલને પુત્રરત્ન પ્રામ્શુની પ્રાપ્તિ થઇ અને તેના શિક્ષણ સાથે એક એવા શૈક્ષણિક વાતાવરણના નિર્માણની સંકલ્પના કરી જેમાં બાળક પોતે પ્રયોગ કરી શીખે, ભણે અને જ્ઞાન મેળવે. વૈદિક કાળમાં ગુરુકૂળો જે રીતે ચાલતા હતા, તે પ્રકારે બિનપરંપરાગત શિક્ષણ આપવાનું શરૂ કરવાનું વિચાર્યું. અંતે તેમણે માસિક રૂ. દોઢ લાખના પગારની ખાનગી કંપનીની નોકરી છોડી અને વડોદરા સ્થાયી થવાનું વિચાર્યું. 

વર્ષ 2019માં ડો. પટેલ પરિવાર સાથે વડોદરા આવી વસ્યા અને પાદરા નજીક તાજપૂરા ખાતે એક એકર જમીનમાં જીધ્યાના સંશોધન નગરીનો પ્રારંભ કર્યો. અહીં બાળકોને પ્રાયોગિક કાર્યને આધારે શિક્ષણ આપીને ભણાવવામાં આવે છે. બાળકોને યોગ્ય ટેક્નોલોજી, સંશોધનાત્મક પદ્ધતિથી ખુલ્લા વાતાવરણમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. માત્ર એક બાળકથી શરૂ કરવામાં આવેલા કાર્યમાં અત્યારે ૩૦ બાળકો જોડાયા છે. 

ડો. બ્રિજેશ પટેલ કહે છે, અમારૂ લક્ષ્ય પ્રકૃત્તિની રક્ષા કરવાની સાથે બાળકોને કેળવણી આપવાનું છે. આત્મનિર્ભર કેવી રીતે બની શકાય એ બાળકોને શીખવવામાં આવે છે. આ ત્રણ વર્ષમાં અમે જીધ્યાન સંશોધન નગરીમાં અમે શાકભાજી, ફળો, રાંધણ ગેસ (ગોબરગેસ પ્લાન્ટ મારફત), ગોળ, ઔષધિઓ અને તેજાનામાં સ્વનિર્ભર બન્યા છીએ. અહીં અમારી પાસે ટિન્કર લેબ, ખુલ્લો વર્ગ ખંડ આમ્ર કક્ષ, સૂરતાલ સંગીત શાળા, વાંસની ઝૂંપડીઓ, મસ્તી ઘર, ક્રિયા શાળા અને કર્મ શાળા જેવા પ્રયોગોશીલ એકમો છે. 

આ ઉપરાંત, ગૌશાળા, તરણઘર, કૃષિ સંશોધન શાળા, સાત્વિક પાક શાળા, ઔષધિ કેન્દ્રમાં પણ બાળકોને પ્રયોગિક શિક્ષણ આપવામાં આવે છે. ઋષિ કુટિર, શિષ્ય કુટિર જેવા નિવાસીય વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. બાળકોને આકાશ દર્શન પણ કરાવવામાં આવે છે. હાલમાં જીધ્યાન સંશોધન નગરીમાં 50 પ્રકારના ફળો, 25 પ્રકારના શાકભાજી, 40 પ્રકારની ઔષધિઓના વૃક્ષો-છોડ છે. આ ઉપરાં 70 પ્રકારના પક્ષીઓ, સાત પ્રકારના સર્પો અને મધમાખીઓના નિવાસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news