થરાદ બેઠક પર ‘કમળ’નો નહિ, પણ ‘ગુલાબ’નો જાદુ છવાયો, ભાજપની મોટી હાર
Trending Photos
અમદાવાદ :બાયડ બાદ ભાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે. છેલ્લા 20 વર્ષથી આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે 20 વર્ષ બાદ કોંગ્રેસે ભાજપનો ગઢ જીત્યો છે. જે ભાજપ માટે પેટાચૂંટણીની સૌથી મોટી હાર કહી શકાય.
શરૂઆતના પરિણામોમાં આ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં ભાજપ 205 મતોથી આગળ હતું. આઠ રાઉન્ડ સુધી ભાજપના જીવરાજ પટેલ સતત આગળ ચાલી રહ્યા હતા. આઠમા રાઉન્ડના અંતે ભાજપની લીડ કપાઈ હતી. 12માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 20 વોટથી આગળ ચાલી રહ્યા હતા. તો 16માં રાઉન્ડ બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 5493 મતોથી આગળ પહોંચી ગયા હતા.
થરાદની જનતાની જીત - ગુલાબસિંહ
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જીત થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો. પોતાની જીત બાદ ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ જીત થરાદની જનતાની જીત છે. થરાદમાં અનેક સમસ્યાઓ હતી, જેના કારણે જનતાએ ભાજપને હાર આપી છે. હું થરાદના વિવિધ પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવીશ.
થરાદના ધારાસભ્ય પરબત ભાઇ પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી રસાકસીભરી બની હતી. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જીવરામ ભાઇ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત વચ્ચે સીધો જંગ હતો. આ જંગમાં કોંગ્રેસના નેતા માવજીભાઇ પટેલની ભુમિકા મુખ્ય રહી હતી. કોંગ્રેસ પ્રત્યેની તેમની નારાજગી જગ જાહેર હતી. જોકે તેમણે કોંગ્રેસ સામે બ્યુગલ ફૂંક્યુ ન હતું. પણ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી તેમણે કોંગ્રેસને સીધી ચેલેન્જ ફેંકી હતી. આમ, એક સમયે કોંગ્રેસ માટે આસાન ગણાતી આ બેઠક હવે કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની હતી. પણ થરાદની જનતાએ કોંગ્રેસને સાથ આપ્યો હતો.
1967માં થરાદ બેઠકનું વિઘટન વાવ બેઠકમાં થયું હતું. જે અનુસુચિત જાતિ માટે અનામત હતી. વર્ષ 2008-09માં થયેલા ડિમીલેશન બાદ થરાદ બેઠક ફરી વાર અસ્તિત્વમાં આવી હતી. જેની પ્રથમ ચૂંટણી વર્ષ 2012માં યોજાઈ હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે