નવી સરકાર આવી ઢગલો ભરતીઓ લાવી: જો સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ જરૂર વાંચો
Trending Photos
ગાંધીનગર : ગુજરાત સરકારમાં આમુલ પરિવર્તન બાદ તમામ વિભાગો જાણે અચાનક જ સક્રિય બની ગયા છે. ગુજરાત સરકારના તમામ વિભાગો યુદ્ધનાં ધોરણે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મંત્રીઓ એક પછી એક બેઠકો કરીને જે પણ સમસ્યા હોય માંગણીઓ હોય તેનો ઝડપથી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લાંબા સમયથી પડતર માંગણીઓ પણ ધડાધડ ઉકેલવામાં આવી રહી છે. આ અંતર્ગત લાંબા સમયથી કોર્ટ વિવાદ અને અન્ય કેટલાક વિવાદોના કારણે લટકેલી પંચાયત વિભાગની ભરતીની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે.
પંચાયત મંત્રી બ્રિજેશ મિર્ઝાએ DDO સાથે આ અંગે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તત્કાલ પંચાયત હસ્તકની ખાલી પડેલી 15 હજાર જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી દીધી હતી. ટુંક જ સમયમાં આ ભરતીઓ અંગેની જાહેરાત કરવામાં આવશે તે પણ જણાવ્યું હતું. આ 15 હજાર જગ્યાઓમાં તાલુકા વિકાસ અધિકારી, તલાટી મંત્રી સહિતની તમામ સંવર્ગની 15 હજારથી વધારેની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ નહી પરંતુ કમ્બાઇન (સંયુક્ત) રીતે ભરતી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આગામી 6થી 8 મહિનામાં મોટી ભરતી આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર કાર્યવાહી નવેસરથી જ થશે. તેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હોય તેમને પણ ફી પરત કરવામાં આવશે.
જો કે આ જાહેરાત બાદ સાંજે GPSC દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી. GPSC દ્વારા કુલ 215 જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની 15 જગ્યા, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮ જગ્યાઓ, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, જગ્યા, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮ જગ્યા, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧ એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યા, મામલતદારની કુલ ૧૨, જગ્યા, તાલુકા વિકાસ અધિકારીની ૧૦ જગ્યા, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦ જગ્યા, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧ જગ્યાઓ, સરકારી શ્રમ અધિકારીની ૦૨ જગ્યાઓ, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ, કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે. સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી ૨૦૨૨ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં ૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.
તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨ ની ૦૬; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧ ની ૧૩; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨ ની ૦૬; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨ ની ૦૧; પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -૨ (ખાસ ભરતી)ની ૦૩; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -૨ ની ૦૧ તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની ૦૨ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે