જો તમે ધંધો ચાલુ કરવા માંગો છો તો આ સુવર્ણ તક છે, કાલે CM પોતે કરશે ખાસ સમિટનું ઉદ્ધાટન
Trending Photos
ગાંધીનગર : સ્ટાર્ટઅપ ઈન્સ્પાયરિંગ ડિસરપ્ટિવ ઈનોવેશન્સ” વિષય પર આગામી તા ૯મી જાન્યુઆરીએ iCreate, અમદાવાદ ખાતે પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિટનું ઉદ્દધાટન કરશે આ ઉપરાંત કેન્દ્રીય વેપાર તથા ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલ અને ગુજરાતના ઉદ્યોગ અને ખાણ મંત્રાલયના રાજ્યકક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે.
ભારતીય તેમજ વિદેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એક મંચ પર આવશે અને યુનિકોર્ન તેમજ અગ્રણી વૈશ્વિક રોકાણકારો આ સમિટમાં ભાગ લેશે આ ઉપરાંત સ્ટાર્ટઅપ રાષ્ટ્ર ઈઝરાયેલ આ ઈવેન્ટમાં ભાગીદાર બનશે. ડઝન જેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ સ્થાપકો, અગ્રણી રોકાણકારો તથા ૧૨૦૦ કરતાં વધુ સ્ટાર્ટઅપ તથા ૫૦૦ ઔદ્યોગિક અગ્રણી VGSS માં સહભાગી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેવા સમયે ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ સમિટ અંતર્ગત આગામી તા.૯મી જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ સમિટ યોજાશે. આ સમિટથી ભારતની સમગ્ર સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને એક મંચ પર લાવવામાં આવશે અને તેનાથી આ ક્ષેત્રને બળ મળશે.
આ ઈવેન્ટ દરમિયાન યુનિકોર્ન કોન્કલેવ યોજાશે જેમાં અગ્રણી યુનિકોર્ન સ્થાપકો તથા ગુજરાતના 1000 કરતાં વધુ સ્ટાર્ટઅપ ભાગ લેશે. સમિટમાં 150 કરતાં વધુ સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેટર, ઔદ્યોગિક અગ્રણીઓ તેમજ લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર(MSME)ના આગેવાનો પણ હાજરી આપશે. એક દિવસની આ સમિટમાં સંશોધકો, ઉદ્યોગ સાહસિકો, ઈન્ક્યુબેટર અને વેન્ચર કેપિટાલિસ્ટ એક મંચ ઉપર આવશે અને ગુજરાતના સ્ટાર્ટઅપ તથા ઈન્ક્યુબેશન કેન્દ્રોને તેમનાં વિશિષ્ટ સંશોધનો રજૂ કરવા તક પૂરી પાડશે.
ઉદ્દઘાટન સત્રમાં ઈઝરાયેલના રાજદૂત નાઓ ગિલન અને જ્હોન ચેમ્બર્સ, સિસ્કોના ચેરમેન એમીરિટસ સંબોધન કરશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલ યુનિકોર્ન કોન્કલેવને સંબોધન કરશે. આ સત્રમાં અભિનેતા અને એન્જલ ઈન્વેસ્ટર વિવેક ઓબેરોય મોડરેટર રહેશે. સ્ટાર્ટઅપ સમિટના મુખ્ય કોઓર્ડિનેટર અને જીએસપીસીના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ કુમારે માહિતી આપી કે, યુનિકોર્ન કોન્કલેવમાં સામેલ અગ્રણી વક્તાઓમાં કુનાલ શાહ (સ્થાપક, CRED), ભાવિશ અગ્રવાલ (સ્થાપક, ઓલા કેબ્સ), સંદીપ અગ્રવાલ (સ્થાપક અને સીઈઓ, Droom), રેતિશ અગ્રવાલ (સ્થાપક અને સીઈઓ, ઓયો રૂમ્સ), પ્રશાંત પિટ્ટી (સ્થાપક અને સીઈ, ઈઝ માય ટ્રિપ), સિદ્ધાર્થ શાહ (સ્થાપક અને સીઈ, ફાર્મ ઈઝી), શાશ્વત નાકરાણી (સહ-સ્થાપક, ભારત પે) તથા નિર્મિત પરીખ (સ્થાપક અને સીઈઓ, APNA) હાજર રહેશે.
ઈવેન્જલાઇઝ’21: ઈલેક્ટ્રિફાય યૉર ફ્યુચર પિચ વિષય પરના સત્રના મુખ્ય વક્તાઓમાં તરુણ મહેતા (સહ-સ્થાપક અને સીઈઓ, અથેર એનર્જી), સ્ટીફન લુઇ (સીઈઓ, એક્સાઈડ લેકલેન્સ એનર્જી પ્રા. લિ.), કાર્તિકેય હરિયાની (સ્થાપક, ટેકસો એનર્જી એન્ડ ઈવી ચાર્જઝોન), સુ સુલજા ફિરોડિયા મોટવાણી (વાઈસ ચેરમેન, કાઈનેટિક એન્જિનિયરિંગ લિ. અને સ્થાપક અને સીઈઓ, કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિ.) નો સમાવેશ થાય છે.
ફ્યુઅલિંગ ગ્રોથ એન્ડ વેલ્થ જનરેશન થ્રુ સ્ટાર્ટઅપ્સ વિષય પરના ત્રીજા સત્રના વક્તાઓમાં વિવેક ઓબેરોય, હેમાંગ જાની (સચિવ, કેપેસિટી બિલ્ડિંગ કમિશન), સિદ્ધાર્થ પાઈ (રોકાણકાર અને ટેકનોલોજિસ્ટ, 3વન4 કેપિટલ) તથા સંજય મહેતા (સ્થાપક 100X.VC) વગેરેનો સમાવેશ થાય છે. રોલ ઑફ સ્ટાર્ટઅપ ઈન નેક્સ્ટ જનરેશન ટેક સોલ્યુશન વિષય પરના છેલ્લા સત્રમાં જ્હોન ચેમ્બર્સ (ચેરમેન એમીરિટસ, સિસ્કો), કે જે સિંહ (સીટીઓ, તેજસ નેટવર્ક્સ), અંકિત રતન (સ્થાપક, SignZy) તથા અપરમેય રાધાકૃષ્ણન (સીઈઓ, બોમ્બીનેટ ટેકનોલોજી, કૂ એપ) વગેરે ભાગ લેશે.
સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટેની ગુજરાતની અગ્રણી સંસ્થાઓ- iCreate, iHub, અને GUSEC સંયુક્તપણે આ ઈવેન્ટનું આયોજન કરી રહી છે. તેમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા, DPIIT તથા ASSOCHAM, GCCI, CII, તથા TiE અમદાવાદ જેવી સંસ્થાઓ સહયોગ કરી રહી છે. આ પહેલ સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપને ઘણું પ્રોત્સાહન મળશે અને આગળ જતાં તે અન્ય રાજ્યો માટે માર્ગદર્શક લક્ષ્યાંક સ્થાપિત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે