રાજકોટના સટ્ટાકિંગ રાકેશ રાજદેવ ઉર્ફે RRની આ છે કરમકુંડળી: નેતાઓ સુધી રેલો પહોંચશે

ગુજરાતમાં ડીજીપી બદલાતાં જ સૌથી મોટી તવાઈ સટોડિયાઓ પર આવી છે. રાકેશ રાજદેવની સટ્ટા કિંગ તરીકેની ઓળખ છે. અત્યાર સુધી યેનકેન પ્રકારે કાયદાના સકંજામાંથી બચવામાં સફળ રહેલા રાકેશ સામે અંતે પોલીસે કડક પગલાં શરૂ કર્યા છે.

રાજકોટના સટ્ટાકિંગ રાકેશ રાજદેવ ઉર્ફે RRની આ છે કરમકુંડળી: નેતાઓ સુધી રેલો પહોંચશે

ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા સટ્ટાકિંગ રાકેશ રાજદેવ પર પોલીસે ગાળિયો કસ્યો છે. વર્ષોથી રાજકીય અને પોલીસની શેહ હેઠળ પોતાનું નેટવર્ક ચલાવતા આરઆર પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે. વર્ષોથી વિદેશ બેઠા બેઠા ચાલતા આ નેટવર્કમાં 1400 કરોડ રૂપિયાના હવાલા પડ્યાની આશંકાને પગલે આ પ્રકરણમાં બીજી એજન્સીઓ જોડાય તો નવાઈ નહીં. 

ગુજરાતમાં ડીજીપી બદલાતાં જ સૌથી મોટી તવાઈ સટોડિયાઓ પર આવી છે. રાકેશ રાજદેવની સટ્ટા કિંગ તરીકેની ઓળખ છે. અત્યાર સુધી યેનકેન પ્રકારે કાયદાના સકંજામાંથી બચવામાં સફળ રહેલા રાકેશ સામે અંતે પોલીસે કડક પગલાં શરૂ કર્યા છે. ક્રિકેટ અને શેરબજાર, એમસીએક્સના ગેરકાયદે સટ્ટામાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટું માથું ગણાતા કુખ્યાત રાકેશ રાજદેવનું નામ ખોલાવાની પોલીસે ઘણા વર્ષ પછી હિંમત દેખાડી છે. અત્યારસુધી નેતાઓની આડમાં પોલીસ કાર્યવાહીથી બચીને રહેતા આ સટ્ટાકિંગના પ્રકરણમાં રેલો સૌરાષ્ટ્રના નેતાઓ સુધી પણ પહોંચે તો નવાઈ નહીં.

રાકેશ રાજદેવનો ઈતિહાસ
ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી આરઆર ઉર્ફે રાકેશ રાજદેવ સટ્ટો રમાડે છે. પોલીસની આંખતળે રમાતો આ સટ્ટો ગેરકાયદે હોવાની સાથે પોલીસના ગજવાં ભરવાનું મોટુ સાધન છે. કાળી કમાણીના દરિયામાં પોલીસે પણ એને મોટો બનાવ્યો છે. આજે આરઆર, ટોમી અને જીતુ થરાદ એ ગુજરાતના સૌથી મોટા સટોડિયા કહેવાય છે. રાજકોટનો રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. સામે ગુજરાત પોલીસના ચોપડે ક્રિકેટ સટ્ટા બેટીંગના એક નહીં અઢળક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. રાકેશ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં  3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ થઈ ચુકી છે. 

રાકેશ રાજદેવે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી અમદાવાદના શૈવલ પરીખ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. પણ બાદમાં, આ મામલે કોર્ટમાં સમાધાન થઈ ગયું હોવાની માહિતી સામે આવી હતી. પોતે સજ્જન વ્યક્તિ છે તેવો ઢંઢેરો પીટતો રાકેશ રાજદેવ અખબારમાં જાહેરખબર આપીને પોતાની છબી ચોખ્ખી કરવાના પ્રયત્નો કરી ચુક્યો છે. એના સૌરાષ્ટ્રના અનેક નેતાઓ સાથે સંબંધો છે.

મુખ્ય એકાઉન્ટોની તપાસ ચાલુ
આકાશ ઓઝાના ઈન્ડસઈન્ડ બેંક એકાઉન્ટમાં તારીખ 5 એપ્રિલ 2022થી 16 જુલાઈ 2022 સુધી 170 કરોડથી વધુ રૂપિયાના અલગ અલગ વ્યવહારો કરવામાં આવ્યા છે. આકાશના એકાઉન્ટમાં કેટલીક રકમ તો એકથી, બીજાથી, ત્રીજા અને ત્યારબાદ જમા થઈ છે. ક્રિકેટ સટ્ટા બેટીંગમાં થયેલી હાર-જીતની રકમની લેવડદેવડ માટે આકાશના બેંક ખાતાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું.

પંજાબ નેશનલ બેંક (PNB) માં રહેલા નોવા એન્ટરપ્રાઈઝ, એચ.ડી.એફ.સી. બેંકમાં શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ અને આઈ.ડી.એફ.સી. બેંકમાં સુખસાગર હોલીડેઝના નામના ત્રણ મુખ્ય બેન્ક એકાઉન્ટમાંથી લગભગ પચાસેક કરોડ રૂપિયા જેટલા ટ્રાન્જેકશન અન્ય 7 એકાઉન્ટમાં કરવામાં આવ્યા, અન્ય 7 એકાઉન્ટમાં એમ. એ. ટ્રેડર્સ, અક્ષત મલ્ટી ટ્રેડર્સ, સાગર એન્ટરપ્રાઈઝ, એલેક્ષ મલ્ટી ટ્રેડીંગ, આર્યન એન્ટરપ્રાઈઝ, અમિત ટ્રેડર્સ અને મે. વિનાયક ઈલેકટ્રોનિકસનો સમાવેશ થાય છે. આ તમામ એકાઉન્ટ કોના? અને કેવી રીતે ખોલવામાં આવ્યા? તેની પોલીસ તપાસ ચલાવી રહી છે. 

ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news