CM રૂપાણીની 30 વર્ષ જુની પરંપરાગત પ્રથા તૂટી, નહિ ઉજવે ઉત્તરાયણ

CM રૂપાણીની 30 વર્ષ જુની પરંપરાગત પ્રથા તૂટી, નહિ ઉજવે ઉત્તરાયણ
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી મિત્રો સાથે નહિ ઉજવે મકરસંક્રાંતિ પર્વ
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીની 30 કરતા વધુ વર્ષ જુની પરંપરાગત પ્રથા તૂટી
  • અભય ભારદ્વાજના નિધનના કારણે આ વર્ષે સીએમનું ડર્ટી ડઝન ગૃપ ઉત્તરાયણનો પર્વ એક સાથ નહિ મનાવે

રક્ષિત પંડ્યા/રાજકોટ :મકરસંક્રાંતિનો પર્વ આવે એટલે સૌ કોઇ લોકો પોતાના મિત્રો અને પરિવાર સાથે એક જ ધાબા પર એકઠા થઇ મનાવતા હોય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ રીતે વર્ષોથી પોતાના કોલેજકાળ સમયથી તરમના 12 મિત્રોના ડર્ટી ડઝન નામથી જાણીતા ગૃપ સાથે મળી આ પર્વની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે તેમના અંગત મિત્ર અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના નિધનના કારણે ડર્ટી ડઝન ગૃપ સાથે મળી ઉત્તરાયણ (uttarayan) ના પર્વની ઉજવણી નહિ કરે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી બાદમાં સાંજના સમયે રાજકોટ આવી તેમના ડર્ટી ડઝન ગૃપ સાથે મળી ઉત્તરાયણ પર્વ માનવતા હોય છે. છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી કોલેજકાળના તમામ મિત્રો સાથે મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. પાછલા વર્ષે તેઓ રાજકોટ આવ્યા હતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના ઘરે બધા મિત્રો સાથે મળી આ પર્વની ઉજવણી કરી હતી. એટલું જ નહિ, પાછલા વર્ષે અભય ભારદ્વાજની દીકરીના લગ્ન નજીક હોવાથી સાંજીની પરંપરા કરી સંગીત સંધ્યામાં ગીતો ગાઇ પારિવારિક માહોલમાં ખૂબ આનંદ ઉત્સાહથી પર્વ મનાવ્યો હતો. જોકે આ સમયે ના તો અભય ભારદ્વાજ ને ખબર હતી કે, ના તો મુખ્યમંત્રીને ખબર હતી કે આ ઉત્તરાયણ પર્વ તેમની છેલ્લી યાદી બની રહેશે. 

અભય ભારદ્વાજને કોરોના થયા બાદ વધુ સારવાર અર્થે ચેન્નઇ ખસેડવામાં આવ્યા હતા. આ સમયે પણ ડોકટરની સલાહ મુજબ તેમના અંગત મિત્રોના અવાજ સંભળાવવા તબીબોએ સલાહ આપી હતી. જેમાં મુખ્યમંત્રીએ ઓડિયો સંદેશો મોકલી ‘જલ્દીથી સાજો થઇ પરત આવ, આપણે ઉત્તરાયણમાં સાથે પતંગ ઉડાવવાની છે...’ વાક્યનો સંદેશો મોકલ્યો હતો. પરંતુ કમનસીબે અભયભાઈના નિધનથી આ વર્ષે મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવી શક્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news