સુરતીઓ માટે ગૌરવની ક્ષણ! કરાટે નેશનલ ચેમ્પિયનશીપમાં આ બન્ને યુવાનો કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

આણંદ ખાતે રમાયેલી ઓલ ગુજરાત કરાટે કો ફાઉન્ડેશનમાં સુરતના બે યુવાનો ઝળકયા હતા. આ ટુર્નામેન્ટમાં જે યુવાનો મેડલ મેળવે તેને આગામી ગોવા ખાતે રમાનારી નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં સ્થાન મળે તેવું હતું.

સુરતીઓ માટે ગૌરવની ક્ષણ! કરાટે નેશનલ ચેમ્પિયનશીપમાં આ બન્ને યુવાનો કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

ચેતન પટેલ/સુરત: ગુજરાત અને ખાસ સુરત માટે હર્ષની વાત છે. આવનાર કરાટે નેશનલ ચેમ્પિયનશીપમાં સુરતના બે યુવાનો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આણંદ ખાતે રમાયેલી ઓલ ગુજરાત કરાટે કો ફાઉન્ડેશન ચેમ્પિયન શિપમાં સુરતના એક યુવાને સિલ્વર અને એક યુવાને ગોલ્ડ જીતી નેશનલમાં સ્થાન મેળવ્યું હતું. આગામી નેશનલ કરાટે ચેમ્પિયન શિપ ગોવા ખાતે રમાશે. જેમાં સુરતના બંને યુવાનો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

સુરત શહેરમાંથી અનેક રમતવીરો ઉભરીને આવ્યા છે. ખાસ કરીને સુરત ખાણી પીણી માટે પ્રખ્યાત છે. તેમ રમતવીરો માટે પણ પ્રખ્યાત છે. તેવામાં સુરતની શાનમાં વધારો સામે આવ્યો છે. આણંદ ખાતે રમાયેલી ઓલ ગુજરાત કરાટે કો ફાઉન્ડેશનમાં સુરતના બે યુવાનો ઝળકયા હતા. આ ટુર્નામેન્ટમાં જે યુવાનો મેડલ મેળવે તેને આગામી ગોવા ખાતે રમાનારી નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં સ્થાન મળે તેવું હતું. જેમાં સુરતના બને યુવાનોમાંથી એકે સિલ્વર અને એકે ગોલ્ડ મેળવ્યો હતો. જેથી બંને સુરતના યુવાનો નેશનલ માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જે સુરત માટે ગર્વની વાત છે.

No description available.

સિલ્વર મેડલ લાવનાર કાર્તિક કેતન વાણિયા સામાન્ય પરિવારમાંથી આવે છે. છેલ્લા 5 વર્ષથી કરાટેની પ્રેક્ટિસ સુરતમાં જ કરે છે. જો કે આ એક ચેલેન્જ તેના માટે હતી કારણ કે હાલ કાર્તિક ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને અભ્યાસની સાથે સાથે પ્રેક્ટિસ ખૂબ ચેલેન્જની વાત છે. સવારે શાળા ખાતે અભ્યાસ કરવા જાય. બપોર બાદ શાળા પરથી આવી સીધો જ કરાટે પ્રેક્ટિસમાં જાય છે. ત્યાંથી આવી અને શરીરને ફિટ રાખવા જિમમાં જાય છે. કરાટે પ્રેક્ટિસ કાર્તિક માટે અતિ જટિલ બની રહી હતી. તેમ છતાં તે હિંમત હાર્યા વગર અભ્યાસ અને પ્રેક્ટિસ બંને શરૂ રાખ્યા અને પોતાના પિતા કેતન ભાઈ વાણિયાનું સ્વપ્ન સાકાર કર્યું. કાર્તિક ઇન્ડિયન નેવીમાં જોઈન્ટ થવાના સપના સાથે કરાટેની ચેમ્પિયન શિપમાં જોડાય છે. અને તેમને 1800 જેટલા વિદ્યાર્થીઓમાંથી સિલ્વર મેડલ મેળવી પ્રસિદ્ધિ હાંસલ કરતા પરિવાર અને આહીર સમાજમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

કેતન ભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોતાના સંતાનમાં સ્પોર્ટસ પ્રત્યે ઉત્સાહ જોઈ તેમણે કાર્તિકને કરાટે કલાસીસમાં પ્રેક્ટિસ કરવા માટે પૂરું પ્રોત્સાહન આપ્યું હતું અને પોતાનો પુત્ર નેશનલમાં સિલેક્ટ થતા તેમનું સપનું સાકાર થયું હતું. આગામી સમયમાં 26 અને 27 ઓગસ્ટના રોજ ગોવા ખાતે રમાનારી નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતે તેવી આશા વ્યક્ત કરી હતી. 

No description available.

ગોલ્ડ મેડલ મેળવનાર તુષાર બોરખતરિયા છેલ્લા 8 વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરે છે. તેમણે આણંદ ખાતે રમાયેલી કરાટે ચેમ્પિયનશીપમાં અનેકોને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. યુવાને ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ગોવા ખાતે રમાનાર નેશનલ ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેળવવાની આશા વ્યક્ત કરી હતી. 

તુષાર પણ ધોરણ 12 પાસ કરી કોલેજનો અભ્યાસ કરી રહ્યો છે. તુષાર આગામી સમયમાં ઓલમ્પિકમાં ઇન્ડિયાનું કરાટેમાં પ્રતિનિધિત્વ કરે તેવુ તેનું સપનું છે. આમ બને યુવાનો સુરતનું નામ રોશન કર્યું છે અને આગામી સમયમાં 26 અને 27 ઓગસ્ટમાં ગોવા ખાતે રમાનારી નેશનલ કરાટે ચેમ્પિયન શિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તમામને આશા છે કે નેશનલમાં પણ ગોલ્ડ મેળવી સુરતનું નામ રોશન કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news