વડોદરા મહાનગર પાલિકા બની આદર્શ, સોલર પેનલ્સ લગાવીને વર્ષે 1.08 કરોડ રૂપિયાની બચત કરી

આજકાલ ગુજરાતમાં લાઇટબીલ ન ભરી શકનાર ઘણી નગરપાલિકાઓ ચર્ચામાં છે. આવી નગરપાલિકાના વિજ કનેક્શન પણ કાપી લેવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. 

વડોદરા મહાનગર પાલિકા બની આદર્શ, સોલર પેનલ્સ લગાવીને વર્ષે 1.08 કરોડ રૂપિયાની બચત કરી

વડોદરાઃ વડોદરા મહાનગર પાલિકાએ ફરી એકવાર ચર્ચામાં છે. જો કે આ વખતે કારણ સકારાત્મક છે. મનપાએ સોલર પેનલ્સનો ઉપયોગ કરીને વીજ બિલમાં લાખો રૂપિયાની બચત કરી છે. વડોદરા મનપા રાજ્યની એ નગરપાલિકાઓ માટે આદર્શ બની છે, જે વીજ બિલ ચૂકવવાની સ્થિતિમાં ન હોવાથી નાદાર જાહેર થઈ રહી છે.

વીજળી વિના કોઈને ચાલે તેમ નથી. સામાન્ય વ્યક્તિનું વીજ બિલ સામાન્ય હોય છે, જ્યારે તંત્રનાં વિજ બિલ કરોડો રૂપિયામાં આવતા હોય છે...લોકોનાં કરવેરાની એક મોટી રકમ તંત્ર વિજ બિલની ચૂકવણી પાછળ ખર્ચતું હોય છે...જો કે વડોદરા મહાનગર પાલિકાએ વિજ બિલનો ખર્ચ ઓછો કરવાનો તોડ કાઢ્યો છે. પોતાની ઈમારતો પર સોલર પેનલ્સ લગાવીને મનપા વર્ષે વીજ બિલમાં એક કરોડ 8 લાખ રૂપિયાની બચત કરી રહી છે...

સોલર પેનલ્સથી વીજળી ઉત્પન્ન કરીને વડોદરા મનપા વીજળીનાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બની રહી છે. કોર્પોરેશને પોતાની 10 વોર્ડ કચેરી અને 20 અર્બન હેલ્થ સેન્ટર પર સોલર પેનલ લગાવી છે. ત્યાં સુધી કે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર પણ સોલર રૂફ ટોપ યોજના હેઠળ સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે, જે દેશમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ છે.

સોલર પેનલ્સ લગાવીને વડોદરા મનપાની દર વર્ષની વીજબિલની બચત પર નજર કરીએ તો,10 વોર્ડ કચેરીઓમાં 120 KVની સોલાર પેનલ લગાવી 10 લાખ 71 હજાર રૂપિયા, 20 અર્બન હેલ્થ સેન્ટરમાં 100 KVની સોલાર પેનલ લગાવી 8 લાખ 92 હજાર રૂપિયા, ફૂડ એન્ડ ડ્રગ્સ લેબમાં 15 KVની સોલાર પેનલ લગાવી 1.33 લાખ રૂપિયા અને અકોટા દાંડિયા બજાર બ્રિજ પર 982 KVની સોલાર પેનલ લગાવી 88 લાખ રૂપિયાની વાર્ષિક બચત કરી હોવાનો મનપાનો દાવો છે. 
વડોદરા મહાનગર પાલિકાની તમામ કચેરીઓનું વાર્ષિક વીજ બિલ 103 કરોડ રૂપિયા જેટલું આવે છે...એટલે કે દર મહિને મનપા સાડા આઠ કરોડ રૂપિયા વિજ બિલ તરીકે ચૂકવે છે. જેની સામે એક વર્ષમાં વિજ બિલની એક કરોડ 8 લાખ રૂપિયાની બચત સામાન્ય છે. જો કે મનપાના સત્તાધીશો સોલાર પેનલ્સ લગાવવાનું અભિયાન આગળ ધપાવી રહ્યા છે. આગામી સમયમાં કોર્પોરેશનની અન્ય કચેરીઓ, પાણીની ટાંકીઓ તેમજ STP પ્લાન્ટ પર સોલાર પેનલ લગાવવાનું મનપાનું આયોજન છે. સમગ્ર શહેરની સ્ટ્રીટ લાઈટો પર પણ એલઈડી લાઈટ્સ લગાવાઈ છે, જેનાથી વીજ બિલમાં બચત થાય છે.

છેલ્લા દોઢ મહિનામાં રાજ્યની 16 નગરપાલિકાઓએ દેવાળું ફૂંકતા તેમનાં વીજ કનેક્શન કપાયા છે. આ સ્થિતિ પાછળ જે તે પાલિકાનાં સત્તાધીશોની વહીવટી અણઆવડત જવાબદાર છે. જો આ પાલિકાઓ પણ સોલર પેનલ્સનો ઉપયોગ કરે તો વીજળીનાં મોરચે આત્મનિર્ભર બની શકે છે. જેનો સીધો લાભ જનતાને મળે તેમ છે...જો કે આ માટે વડોદરા મનપા જેવા આયોજનની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news