ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલ સાથે તસવીરમાં દેખાતા આ શખ્સો કોણ છે?
ઝી 24 કલાકને એક ફોટો મળ્યો છે, જેમાં છબીલ પટેલની સાથે ફોટામાં અન્ય ત્રણ વ્યક્તિ બેઠા છે. છબીલ પટેલની ડાબી બાજુએ બેસેલો બ્લ્યૂ શર્ટ પહેરેલો દાઢીવાળો શખ્સ સુરજીત ભાઉ હોવાની માહિતી મળી છે, પરંતુ અન્ય બે શખ્સો કોણ છે અને આ ફોટો કયા સ્થળનો છે તેની માહિતી મળી નથી, પોલીસે માત્ર કાવતરાખોરોના નામ જાહેર કર્યા છે, પરંતુ અનેક વણઉકેલ્યા સવાલોનો જવાબ આપી શકી નથી
Trending Photos
ઉદય રંજન/અમદાવાદઃ ભાજપના વરિષ્ઠ નેતા અને કચ્છના રાજકારણમાં મોટું નામ ધરાવતા જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવાય બાદ ગુરુવારે સીઆઈડી ક્રાઈમ દ્વારા એક પત્રકાર પરિષદમાં હત્યાના કાવતરાખોરોના નામ જાહેર કરાયા હતા. જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું કચ્છ ભાજપના જ એક અન્ય નેતા છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીની કથિત પ્રેમીકા મનીષા ગોસ્વામીએ ઘડી હોવાનું જાહેર કરાયું છે. જોકે, ભાનુશાળીની હત્યામાં એક અન્ય નામ સુરજીત ભાઉનું પણ બહાર આવ્યું છે, પરંતુ આ સુરજીત ભાઉ કોણ છે અને ક્યાં રહે છે તેના અંગે પોલીસ મગનું નામ મરી પાડી નથી રહી.
ગુરુવારે પોલીસે ભાનુશાળીની હત્યાના કાવતરાખોરો, હત્યા કેવી રીતે થઈ અને હત્યારાના નામ જાહેર કર્યા હતા. ઝી 24 કલાકના હાથમાં એક તસવીર આવી છે. જેમાં છબીલ પટેલની સાથે ફોટામાં અન્ય ત્રણ વ્યક્તિ બેઠા છે. છબીલ પટેલની ડાબી બાજુએ બેસેલો બ્લ્યૂ શર્ટ પહેરેલો દાઢીવાળો શખ્સ સુરજીત ભાઉ હોવાની માહિતી મળી છે, પરંતુ અન્ય બે શખ્સો કોણ છે અને આ ફોટો કયા સ્થળનો છે તેની માહિતી મળી નથી.
ઉલ્લેખનીયછે કે, જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, આ બંને આરોપીઓ શાર્પશૂટર શશીકાંત કાંમ્બલે અને અશરફ શેખને આશરો આપ્યો હતો. તો શું છબીલ પટેલની આ તસવીરમાં બેસેલા અન્ય બે શખ્સો રાહુલ પટેલ અને નીતિન પટેલ છે કે પછી શાર્પશૂટર શસીકાંત કાંમ્બ્લે અને અશરફ શેખ છે?
પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું પુણેમાં ઘડવામાં આવ્યું હતું અને હત્યા કરવા આવેલા બંને શાર્પ શુટર પુણેથી આવ્યા હતા. પુણેથી આવ્યા બાદ ભાનુશાળીની હત્યા પહેલાં ચાર-પાંચ દિવસ સુધી કચ્છમાં રોકાયા હતા. રેકી કરી હતી અને આ રેકી કરવામાં મનીષા ગોસ્વામી અને છબીલ પટેલના માણસોએ મદદ કરી હતી. પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી ઉત્તર પ્રદેશ અને પુણેમાં શાર્પ શૂટરને શોધવા અભિયાન ચલાવી રહી છે,પરંતુ હજુ કશું હાથ લાગ્યું નથી.
પોલીસની પત્રકાર પરિષદ બાદ પણ વણઉકલ્યા રહેલા સવાલો
- ભાનુશાળીની હત્યા કરનારા શાર્પ શુટરો ક્યારે પકડાશે?
- મુખ્ય કાવતરાખોર છબીલ પટેલ અને મનીષા ભાનુશાલી પોલીસની ગિરફ્તમાં ક્યારે આવશે?
- આટલા દિવસ પછી પણ પોલીસ શા માટે હત્યાનું સાચું કારણ જાણી શકી નથી?
- પોલીસે જેમને મુખ્યચહેરા જાહેર કર્યા છે એવા છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને શાર્પશૂટરો ક્યાં છે?
- હત્યારાઓ ભાનુશાળીનો એક મોબાઈલ લઈને ભાગી ગયા હતા તો એ મોબાઈલ ક્યાં છે? તેનું કોઈ લોકેશન મળ્યું છે કે નહીં?
- શું ભાનુશાળીના હત્યારાઓ પકડાશે કે પછી પોલીસ અંધારામાં જ ફીફા ખાંડતી રહેશે?
- શું છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી કોઈ રાજકીય શરણમાં છે?
પોલીસ અત્યારે આ બધા જ સવાલોનો એક જ જવાબ આપી રહી છે કે, તપાસ હજુ ચાલુ છે એટલે અમે વધુ વિગતો આપી શકીએ એમ નથી. આમ, હત્યાના 24 દિવસ બાદ પણ વણઉકેલ્યા રહેલા ઉપરના સવાલો જોતાં પોલીસના હાથમાં એક પણ મહત્વની કડી લાગી ન હોવાનું જણાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે