આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત, સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદી મીડિયા સાથે કરશે વાત
સંસદના બજેટ સત્રની આજથી શરૂઆત થવા જઈ રહી છે. આજે તમામ નવા ચૂંટાઈ આવેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: સંસદના બજેટ સત્રની આજથી શરૂઆત થવા જઈ રહી છે. આજે તમામ નવા ચૂંટાઈ આવેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. પ્રોટેમ સ્પીકર સાંસદોને શપથ લેવડાવશે. અત્રે જણાવવાનું કે 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાશે. સંસદના આ સત્રમાં કેન્દ્રીય બજેટ રજુ કરવામાં આવશે અને ટ્રીપલ તલાક જેવા અન્ય મહત્વપૂર્ણ બિલ સરકારના મુખ્ય એજન્ડા રહેશે. આ અગાઉ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી લોકસભાના પહેલા સત્રની પૂર્વસંધ્યા પર સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે 19 જૂનના રોજ તમામ પક્ષોના પ્રમુખોને 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના મુદ્દે તથા અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે આમંત્રિત કર્યા છે.
લોકસભામાં આ વખતે અનેક નવા ચહેરા હોવાની વાતને રેખાંકિત કરતા પીએમ મોદીએ કહ્યું કે નીચલા ગૃહના પહેલું સત્ર નવા ઉત્સાહ અને વિચાર સાથે શરૂ થવું જોઈએ. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે સરકાર સામે બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, દુષ્કાળ અને પ્રેસની આઝાદી જેવા મુદ્દાઓ ઉઠાવ્યાં. વિપક્ષી દળે જમ્મુ અને કાશ્મીરમાં જલદી વિધાનસભા ચૂંટણી કરાવવાની પણ માગણી કરી.
ભાજપે પણ રવિવારે સંસદીય દળની બેઠક યોજી. તેના માધ્યમથી વડાપ્રધાને તમામ ભારતીયોને આશ્વાસન આપ્યું કે તેમની સરકાર એવા બિલને પ્રાથમિકતા આપશે જે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની ભાવનાને મજબુત કરે.
જુઓ LIVE TV
લોકસભાના પ્રથમ સત્રના એક દિવસ અગાઉ એનડીએની બેઠક પણ અહીં થઈ. 26 જુલાઈના રોજ સમાપ્ત થનારા સત્રમાં 30 બેઠકો યોજનાશે. પહેલા બે દિવસ લોકસભાના તમામ સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. કાર્યવાહક લોકસભા અધ્યક્ષ વીરેન્દ્રકુમાર શપથ લેવડાવશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 19 જૂનના રોજ થશે અને બીજા દિવસે બંને સદનોના સંયુક્ત સત્રની બેઠકમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે. બજેટ પાંચમી જુલાઈએ રજુ થશે.
(ઈનપુટ-ભાષામાંથી પણ)
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે