નાગરિકતા સંશોધન બિલ-2019: શું છે નિયમ? સરકાર કયા ફેરફાર કરવા જઈ રહી છે?...જાણો...
આ બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, "હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે."
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા(સંશોધન) બિલ-2019 (Citizenship Amendment Bill-2019) રજુ કર્યું હતું. વિરોધ પક્ષો દ્વારા તેને મુળભૂત રીતે ગેરબંધારણિય જણાવ્યું અને ભારતીય બંધારણના અનુચ્છેદ-14નું ઉલ્લંઘન જણાવતા આ બિલ(Bill) બાબતે સખત વાંધો ઉઠાવ્યો હતો. નિચલા ગૃહમાં આ બિલની તરફેણમાં 293, જ્યારે વિરોધમાં 82 મત પડ્યા હતા. જાણો આ બિલમાં વિવાદિત શું છે, અગાઉ શું હતું અને હવે કયા ફેરફાર થવા જઈ રહ્યા છે, અગાઉ નાગરિક્તા બિલમાં કેટલી વખત સંશોધન થઈ ચુક્યું છે?
આ બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, "હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે."
નાગરિક્તા(સંશોધન) બિલ-2019માં શું જોગવાઈઓ છે?
1. મોદી સરકાર તરફથી જે નવું બિલ રજુ કરાયું છે તેને નાગરિકતા (સંશોધન) બિલ-2019 (Citizenship Amendment Bill-2019) નામ અપાયું છે. આ બિલ પસાર થઈ ગયા પછી સિટિઝન એક્ટ, 1955માં સુધારો થશે.
2. મોદી સરકારના આ બિલ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી આવનારા 6 લાખ લઘુમતિ (હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) શરણાર્થીઓને ભારતની નાગરિક્તા આપવામાં આવશે.
3. તેની સાથે જ આ તમામ શરણાર્થીઓને ભારતમાં ગેરકાયદે નાગરિક તરીકે ગણાશે નહીં. વર્તમાન કાયદા અંતર્ગત ભારતમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરી ગયેલા લોકોને તેમના દેશ પરત મોકલવાની કે પછી તેમને અટકમાં લેવાની જોગવાઈ છે.
4. આ તમામ શરણાર્થીઓને બારતમાં હવે નાગરિકતા મેળવવા માટે ઓછામાં ઓછા 6 વર્ષ રહેવું પડશે. અગાઉ આ સમયમર્યાદા 11 વર્ષ હતી.
5. અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમના 'ઈનર લાઈન પરમિટ એરિયા'ને આ બિલમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ બિલ નોર્થ ઈસ્ટના છઠ્ઠા અનુચ્છેદનો પણ બચાવ કરે છે.
6. નવા કાયદા અનુસાર, અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ-પાકિસ્તાનથી આવેલો કોઈ પણ હિન્દુ, જૈન, શિખ, બૌદ્ધ, ખ્રિસ્તિ નાગરિક કે જે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારતમાં આવ્યો હોય તેને ગેરકાયદે નાગરિક માનવામાં આવશે નહીં.
7. આ બિલ અનુસાર, જે કોઈ નાગરિક OCI હોલ્ડર છે, તેણે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો તેને એક વખત તેનો પક્ષ મુકવાની તક આપવામાં આવશે.
આ બિલનો વિરોધ શા માટે?
1 આ બિલનો વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે અને ભારતના બંધારણનું ઉલ્લંઘન જણાવી રહ્યા છે. વિરોધ પક્ષનું કહેવું છે કે, સરકાર જે બિલ લાવી રહી છે, તેનાથી દેશમાં ધર્મના આધારે ભાગલા પડશે, જે સમાનતાના અધિકાર વિરુદ્ધ છે.
2. વિરોધ પક્ષોનું કહેવું છે કે, આ બિલ મુસલમાનોની વિરુદ્ધ છે અને ભારતીય બંધારણના અનુચ્છેદ-14 (સમાનતાના અધિકાર)નું ઉલ્લંઘન છે. એક ધર્મનિરપેક્ષ દેશ કોઈની સાથે ધર્મના આધારે ભેદભાવ કેવી રીતે કરી શકે?
3. પૂર્વોત્તરના રાજ્યોમાં આ બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તરના લોકોનું માનવું છે કે, બાંગ્લાદેશથી આવેલા મોટાભાગના હિન્દુ આવીને અસમ, અરૂણાચલ, મણિપુર જેવા રાજ્યોમાં વસે છે. આવી સ્થિતિમાં આ બિલ પૂર્વત્તરનાં રાજ્યો માટે ઉચિત નહીં રહે. પૂર્વોત્તરમાં અનેક વિદ્યાર્થી સંગઠન, રાજકીય પક્ષો પણ આ બિલના વિરોધમાં છે.
4. એક આરોપ એવો પણ છે કે વર્તમાન સરકાર હિન્દુ મતદારોને પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કરવા માટે પ્રવાસી હિન્દુઓને ભારતની નાગરિક્તા આપીને તેમને અહીં વસાવવા માગે છે.
5. એક આરોપ એવો પણ છે કે, સરકાર આ બિલના બહાને એનઆરસી લિસ્ટમાંથી બહાર થઈ ગયેલા ગેરકાયદે હિન્દુઓને ફરીથી ભારતીય નાગરિક્તા મેળવવામાં મદદ કરવા માગે છે.
ભારતીય નાગરિક્તા અધિનિયમ, 1955 શું છે?
નાગરિક્તા અધિનિયમ, 1955 ભારતીય નાગરિકતા સાથે જોડાયેલો એક વિસ્તૃત કાયદો છે. જેમાં એ વાતની જોગવાઈઓ છે કે કોઈ વ્યક્તિને ભારતીય નાગરિક્તા કેવી રીતે આપી શકાય છે અને ભારતીય નાગરિક હોવા માટે જરૂરી શરતો કઈ-કઈ છે.
ભારતીય નાગરિક્તા અધિનિયમમાં કેટલી વખત થયું છે સંશોધન?
ભારતીય નાગરિકતા અધિનિયમમાં અત્યાર સુધી 5 વખત સંશોધન થયું છે.
- 1986, 1992, 2003, 2005 અને 2015
નાગરિક્તા સંશોધન બિલઃ ખોટું સાબિત કરી આપો, બિલ પાછું ખેંચી લઈશ- અમિત શાહ
ભારતીય નાગરિકતા કેવી રીતે સમાપ્ત થઈ શકે?
- જો કોઈ સ્વેચ્છાએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કરે.
- જો કોઈ બીજા દેશની નાગરિકતાનો સ્વિકાર કરે.
- જો સરકાર કોઈ વ્યક્તિની નાગરિકતા છિનવી લે.
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-ગાંધીનગરમાં અકસ્માતમાં 729 લોકોનાં મોત... જુઓ અહેવાલ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે