Corona Update: 24 કલાકમાં 4200થી વધુ લોકોના મોત, નવા કેસમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ અપડેટ
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. દેશભરમાંથી જે મોતના આંકડા આવી રહ્યા છે તે ખરેખર ડરામણા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3.48 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં 4200થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
એક દિવસમાં 3.48 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3,48,421 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,33,40,938 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,93,82,642 દર્દીઓ રિકવર થયા છે. જેમાંથી 3,55,338 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં રિકવર થયા છે. જો કે હજુ પણ દેશમાં 37,04,099 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 4205 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,54,197 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,52,35,991 લોકોને રસી આપવામાં આવી છે.
ગઈ કાલે 19 લાખથી વધુ ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાં 19,83,804 જેટલા કોરોનાના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ કરાયેલા ટેસ્ટનો આંકડો 30,75,83,991 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા
ગુજરાતની વાત કરીએ તો ગઈ કાલે રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ એક દિવસમાં કોરોનાના 10990 દર્દીઓ નોંધાયા જ્યારે 118 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. નવા કેસની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધેલી જોવા મળી. એક દિવસમાં 15198 દર્દીઓએ કોરોનાને માત આપી.
India reports 3,48,421 new #COVID19 cases, 3,55,338 discharges and 4205 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 2,33,40,938
Total discharges: 1,93,82,642
Death toll: 2,54,197
Active cases: 37,04,099
Total vaccination: 17,52,35,991 pic.twitter.com/fMKoTwf0kk
— ANI (@ANI) May 12, 2021
કેન્દ્ર સરકારે નક્કી કર્યા રસીના કોટા
આ બાજુ કેન્દ્રે સુપ્રીમ કોર્ટ સમક્ષ રસી વિતરણ માટે એક ફોર્મ્યૂલા રજુ કર્યો છે જે મુજબ રાજ્ય સરકારોને 18થી 44 વર્ષની આયુવાળા વર્ગની વસ્તી માટે મેમાં રસીના લગભગ 2 કરોડ ડોઝ આપવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું કે આ મહિને રસીના 8.5 કરોડ ડોઝ તૈયાર થવાની આશા છે.
રાજ્યો માટે નક્કી કર્યો કોટા
કેન્દ્રએ કહ્યું કે તેણે રાજ્યોને 8.5 કરોડ ડોઝનો સપ્લાય કરવા માટે કોટા નક્કી કરી લીધો છે. રાજ્યોને આ કોટા મુજબ રસી નિર્માતાઓ પાસેથી પોતે જ ડોઝ ખરીદવા પડશે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ ઉપલબ્ધ 2 કરોડ ડોઝ રાજ્યોમાં 18 થી 44 વર્ષના લોકોની સંખ્યાના આધારે મોકલવામાં આવશે. જેથી કરીને બધાને સમાન રીતે ડોઝ મળી શકે. કારણ કે કેટલાક રાજ્યોએ ફરિયાદ કરી છે કે તેમને ઓછા પ્રમાણમાં રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે.
કોટા કરતા વધુ ખરીદી નહી
કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું છે કે રાજ્ય રસી નિર્માતાઓ પાસેથી રસી ખરીદી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે રસી નિર્માતાઓ સાથે ચર્ચા કરીને પ્રત્યેક રાજ્યની 18-44 વર્ષની વસ્તીના આધારે કોટા નિર્ધારીત કર્યો છે. હવે રાજ્યો ફક્ત કોટા પ્રમાણે જ નિર્ધારિત માત્રામાં રસી ખરીદી શકશે. જેથી કરીને રાજ્યો વચ્ચે રસીની ઉપલબ્ધતામાં કોઈ અસમાનતા ન થાય.
રસી નિર્માતાઓ માટે પણ બનાવ્યા નિયમ
કેન્દ્ર સરકારે દેશના રસી નિર્માતાઓ માટે પણ નિયમ બનાવ્યા છે. જે હેઠળ કંપનીઓને રસીના સ્ટોકની 50 ટકા આપૂર્તિ કેન્દ્ર સરકારને કરવાની છે. જ્યારે બાકીની રસીને કંપનીઓ ખાનગી ખરીદારો કે રાજ્ય સરકારોને વેચી શકે છે. અત્રે જણાવવાનું કે દેશમા 18થી 44 વર્ષની વચ્ચેના લગભગ 60 કરોડ લોકો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે