નોટબંધીના બે વર્ષઃ ભારતના ઈતિહાસમાં કલંક તરીકે ગણાશે '8 નવેમ્બર'- રાહુલ ગાંધી
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીના બે વર્ષ પૂરા થવા પ્રસંગે ગુરૂવારે પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, મોદી સરકારનું આ પગલું જાતે ઊભી કરવામાં આવેલી 'આફત' અને 'આત્મઘાતી પગલું' હતું. તેના દ્વારા વડા પ્રધાનનાં 'સૂટ-બૂટવાળા મિત્રો'
એ પોતાનું કાળું નાણું સફેદ કરવાનું કામ કર્યું હતું.
રાહુલ ગાંધીએ વધુમાં દાવો કર્યો કે, નોટબંધીનું સંપૂર્ણ સત્ય હજુ બહાર આવ્યું નથી અને દેશની પ્રજા સંપૂર્ણ સત્ય જાણ્યા વગર આરામથી બેસશે નહીં.
રાહુલ ગાંધીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'ભારતના ઈતિહાસમાં 8 નવેમ્બરની તારીખ હંમેશાં એક કલંક તરીકે જોવામાં આવશે. બે વર્ષ પહેલા આજના જ દિવસે વડા પ્રધાન મોદીએ દેશ પર નોટબંધી નામનો એક અત્યાચાર ગુજાર્યો હતો. તેમની એક જાહેરાત માત્રથી ભારતનું 86 ટકા ચલણ બિનઉપયોગી બની ગયું હતું અને દેશનું અર્થતંત્ર ધીમું પડી ગયું હતું.'
નોટબંધી એક મોટી આફત
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 'નોટબંધી એક મોટી આફત હતી. ભૂતકાળમાં ભારતે અનેક આફતોનો સામનો કર્યો છે. અનેક વખત આપણા બહારના દુશ્મનોએ દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આપણી આફતોના ઈતિહાસમાં નોટબંધી એક અલગ પ્રકારની આફત છે, જેને જાતે જ લાવવામાં આવી હતી. આ એક આત્મઘાતી પગલું હતું, જેના કારણે કોરોડો જિંદગીઓ બરબાદ થઈ ગઈ હતી અને બારતના હજારો નાનાં કારોબાર બંધ થઈ ગયા હતા.'
કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, નોટબંધીની સૌથી વધુ અસર ગરીબ લોકોને થઈ હતી. લોકોને પોતાની કાળી કમાણીના પૈસા બદલાવા માટે અનેક દિવસો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. 100 કરતાં પણ વધુ લોકોનાં લાઈનમાં ઊભા રહેવા દરમિયાન મોત થયાં હતાં.
નોટબંધીનું એક પણ લક્ષ્ય પૂરું થયું નથી
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, મોદી સરકારે નોટબંધી સમયે જે લક્ષ્યોની વાત કરી હતી તેમાંથી એકપણ લક્ષ્ય પુરું થયું નથી અને તેનાથી વિપરીત દેશના જીડીપીમાં એક ટકાનો ઘટાડો થયો છે.
તેમણે આરોપ લગાવ્યો કે, "વડા પ્રધાનની ઐતિહાસિક ભૂલના બે વર્ષ પૂરા થવા પ્રસંગે નાણામંત્રી સહિત વાતને ગેરમાર્ગે લઈ જનારા સરકારના લોકો પાસે આ એક અઘરું કાર્ય છે કે તેઓ આ અપરાધિક નીતિનો બચાવ કરે."
રાહુલ ગાંધીએ નોટબંધીને એક અપરાધિક આર્થિક કૌભાંડ જણાવતા કહ્યું કે, 'નોટબંધીનું સંપૂર્ણ સત્ય હજુ બહાર આવવાનું બાકી છે. ભારતના લોકો સંપૂર્ણ સત્ય જાણ્યા સુધી આરામથી બેસશે નહીં.'
આ અગાઉ રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'નોટબંધી સમજી-વિચારીને ઘડવામાં આવેલું એક ક્રૂર ષડયંત્ર હતું. આ કૌભાંડ વડા પ્રધાનના સૂટ-બૂટવાળા મિત્રોના કાળા નાણાને સંપૂર્ણપણે સફેદ કરવાની એક છેતરપીંડીવાળી સ્કીમ હતી. આ કાડમાં એક પણ બાબત નિર્દોષ ન હતી. તેનો કોઈ પણ બીજો અર્થ કાઢવો રાષ્ટ્રની સમજનું અપમાન છે.'
ઉલ્લેખનીય છે કે, વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી, જેના અંતર્ગત એ દિવસો દરમિયાન ચલણમાં રહેલી રૂ.500 અને રૂ.1000ની નોટને ચલણમાંથી રદ્દ કરી દેવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે