વિશ્વકપ ફાઈનલમાં ભારતની હારથી નિરાશ એક પ્રશંસકે કરી લીધી આત્મહત્યા, બંગાળની ઘટના
ક્રિકેટ વિશ્વકપમાં ભારતની હારથી એક 23 વર્ષીય પ્રશંસક એટલો દુખી થયો કે તેણે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો. તે કટ્ટર ક્રિકેટનો પ્રશંસક હતો. રાહુલ ક્રિકેટ વિશ્વકપ ફાઈનલમાં ભારતની હાર સહન કરી શક્યો નહીં.
Trending Photos
બાંકુડાઃ ક્રિકેટ વિશ્વકપમાં ભારતની હારથી નિરાશ એક યુવક દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે. યુવકની ઉંમર માત્ર 23 વર્ષ હતી. યુવકની ઓળખ રાહુલ લોહારના રૂપમાં થઈ છે અને તે કટ્ટર ક્રિકેટ પ્રશંસક હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર રાહુલ ક્રિકેટ વિશ્વકપમાં ભારતની હાર સ્વીકારી શક્યો નહીં અને તેણે ડિપ્રેશનમાં આવી ઘરમાં આપઘાત કરી લીધો. તેના પરિવારનો દાવો છે કે રાહુલે ભારતની હારને કારણે આત્મહત્યા કરી છે.
ઓસ્ટ્રેલિયા સામે થયો પરાજય
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને વનડે વિશ્વકપ 2023ના વિશ્વકપમાં 6 વિકેટથી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ રમતના ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે સદી ફટકારતા 137 રન બનાવ્યા હતા. આ કારણે કાંગારૂ ટીમ છઠ્ઠીવાર આઈસીસી ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.
અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં ભારતીય ટીમે 10 ઓવરમાં 80 રન બનાવી લીધા હતા, પરંતુ રોહિત શર્મા આઉટ થયા બાદ ભારતીય બેટરો દબાવમાં આવી ગયા હતા. ભારતીય ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને ટીમ 240 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત માટે રોહિતે 47, વિરાટ કોહલીએ 54 અને કેએલ રાહુલે 66 રન ફટકાર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ત્રણ, કમિન્સ અને હેઝલવુડે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે બેટિંગમાં લાબુશેને અડધી સદી અને ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે