મુંબઈ ફૂટઓવર બ્રિજ દુર્ઘટના: મૃત્યુઆંક 6 થયો, મધ્ય રેલવે અને BMCના અધિકારીઓ સામે FIR

આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે એક મોટો અકસ્માત સર્જાયો. સીએસટી સ્ટેશન પર એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતા 6 લોકોના મોત થયા. જ્યારે 33 લોકો ઘાયલ થયા છે.

મુંબઈ ફૂટઓવર બ્રિજ દુર્ઘટના: મૃત્યુઆંક 6 થયો, મધ્ય રેલવે અને BMCના અધિકારીઓ સામે FIR

મુંબઈ: આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે એક મોટો અકસ્માત સર્જાયો. સીએસટી સ્ટેશન પર એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતા 6 લોકોના મોત થયા. જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં. ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારે તેની ઉચ્ચ સ્તરની તપાસની માગણી કરી છે. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304એ (બેદરકારીથી મોત) હેઠળ મધ્ય રેલવે અને બીએમસીના સંબંધિત અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ પુલ ભીડભાડવાળા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનને આઝાદ મેદાન પોલીસ સ્ટેશન સાથે જોડાતો હતો. 

— ANI (@ANI) March 15, 2019

આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ જાણીને ખુબ પીડા થઈ છે. મેં બીએમસી કમિશનર અને મુંબઈ  પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે. તેમને રેલ મંત્રાલય સાથે તાલમેળ કરીને ઝડપથી બચાવકાર્ય કરવાના નિર્દેશ પણ આપ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે આ અકસ્માતની ઉચ્ચસ્તરની તપાસના આદેશ અપાયા છે. પુલનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાયું હતું અને તેમાં તે ફિટ ગણાયો હતો. આમ છતાં જો અકસ્માત સર્જાયો તો તેના ઓડિટ ઉપર પણ ગંભીર સવાલો ઊભા કરે છે. તપાસ કરાશે અને કડક કાર્યવાહી થશે. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ અકસ્માતમાં મૃતકોના પરિજનોને પાંચ પાંચ લાખની સહાય અપાશે અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક મદદ કરાશે. ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપલબ્ધ કરાવશે. આ બાજુ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી વિનોદ તાવડેએ કહ્યું કે પુલનો એક ભાગ પડ્યો છે. રેલવે અને બીએમસી મળીને તેના મેઈન્ટેનન્સની તપાસ કરશે. પુલ ખરાબ સ્થિતિમાં નહતો. પુલમાં ફક્ત થોડા સમારકામની જરૂર હતી. આ માટે કામ ચાલી રહ્યું હતું. પરંતુ કામ પૂરું થાય ત્યાં સુધી પુલ બંધ કેમ ન કરાયો તે અંગે પણ તપાસ કરાશે. 

— ANI (@ANI) March 14, 2019

પીએમ મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું
આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતા પીએમ મોદીએ ઘટના બાદ ટ્વિટ કરીને લખ્યું કે મુંબઈમાં થયેલા બ્રિજ અકસ્માતના કારણે લોકોના મોતના અહેવાલથી હું ખુબ દુ:ખી છું. મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે અને આ ઘટનામાં ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. મહારાષ્ટ્ર સરકાર અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોને દરેક શક્ય મદદ કરી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news