આતંકનો અંત ક્યારે? હુમલામાં પાકિસ્તાનના આતંકી સંગઠન TRFનો હાથ, સેનાનું મેગા ઓપરેશન
અનંતનાગ હુમલાની પાકિસ્તાને કિંમત ચૂકવવી પડશે. ભારતીય સેનાએ કરેલી બાલાકોટ એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકને કદાચ પાકિસ્તાનની સેના અને આતંકીઓ ભૂલી ગયા છે.
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદે ફરી માથું ઉંચક્યું છે. અનંતનાગમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના બે અને પોલીસના એક અધિકારી શહીદ થયા. હુમલો કરનાર આતંકીઓને ઠાર કરવા સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. પાકિસ્તાનના ઈશારે આતંક મચાવતા આ આતંકીઓનો ખાત્મો હવે દૂર નથી. ત્યારે સેનાના આ ઓપરેશનને જોતાં પાકિસ્તાન પણ ફફડી રહ્યું છે.
હાથમાંથી સરકતા પીઓકેને બચાવવા પાકિસ્તાન મરણિયા પ્રયાસો કરી રહ્યું છે. એક તરફ પાકિસ્તાનની સના પીઓકેની જનતા પર અત્યાચાર કરી રહી છે, બીજી તરફ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં તેના પાલતુ આતંકી સંગઠનોને સક્રિય કર્યા છે.
બુધવારે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના બે અને પોલીસના એક અધિકારી શહીદ થઈ ગયા. કોકરનાગ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ છૂપાયેલા હોવાની બાતમી મળતા સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી. બંને તરફથી ફાયરિંગ ગયું, જેમાં સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, કંપની કમાન્ડર મેજર આશીષ ઘોંચક અને જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહીદ થયા..
આ દરમિયાન કાશ્મીરના રાજૌરીમાં પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં સેનાના રાઈફલમેન રવિ કુમાર શહીદ થયા. હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયલા ધ રેઝિસ્ટન્સ ફ્રંટ એટલે કે ટીઆરએફે લીધી છે.
શહીદોના પરિવારમાં માતમ છવાઈ ગયો. 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીતસિંહના વતન હરિયાણાના પંચકુલામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અગાઉ આતંકીઓનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે તેમને સેના મેડલથી પણ સમ્માનિત કરાયા હતા. તેમના પરિવારમાં તેમના પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પિતા પણ સેનામાં હતા.
આતંકીઓના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ 6 કલાક સુધી મોત સામે લડતાં રહ્યા. જો કે તબીબો તેમને બચાવી ન શક્યા. તેમના પિતા પણ પોલીસ અધિકારી હતા. 29 દિવસ પહેલાં જ તેમનાં ઘરે પુત્રનો જન્મ થયો હતો.
દેશના જાંબાઝ સપૂતોની શહાદતથી દેશભરમાં પાકિસ્તાન સામે રોષ ફેલાઈ ગયો. જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાયા. પાકિસ્તાનના ઝંડા અને શાસકોના પૂતળાની હોળી કરાઈ, સૂત્રોચ્ચાર કરાયા. હુમલો કરનાર આતંકીઓના ખાત્માની માગ કરાઈ.
આતંકી હુમલા બાદ સેનાએ આતંકીઓને શોધવા અને તેમનો ખાત્મો કરવા સર્ચ ઓપેરશન ચલાવ્યું. ગાઢ જંગલોમાં છૂપાઈને બેઠેલા આતંકીઓની સેનાએ ઘેરાબંધી પણ કરી. સેનાએ આતંકીઓને ઠાર કરવા ભીષણ ફાયરિંગ કર્યું...ગમે ત્યારે આતંકીઓનો ખાત્મો થઈ શકે છે.
અનંતનાગમાં સેનાના ઓપરેશનથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનને ભારત તરફથી મોટી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો ઓકેમાં ચાલતા આતંકવાદી કેમ્પોમાં આતંકીઓ પીછેહઠ કરી રહ્યા છે. પાકિસ્તાનની સેનાએ LOC પાસે પોતાના કેમ્પ પાસે જ કેટલાક ટેરર કેમ્પને શિફ્ટ કર્યા હોવાના પણ અહેવાલ છે. આમ કરીને પાકિસ્તાની સેના આતંકવાદીઓને ભારતીય સેનાના પ્રહારથી બચાવવા માગે છે.
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયમાં વધેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIનો હાથ છે. ISI જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને ભારતના સુરક્ષા દળો પર હુમલા કરવા ઉકસાવી રહી છે. જો આતંકીઓ હુમલા ન કરે તો તેમને ફંડિંગ રોકી દેવાની ધમકી અપાય છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાતા આતંકીઓની કમર તૂટતાં ISIની મેલી મુરાદ પૂરી નથી થઈ રહી, જેને જોતાં હવે ISI આતંકીઓને હુમલા માટે ભડકાવી રહી છે. હુમલા માટે સ્થાનિક આતંકીઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
જો કે ISI પીઓકેની સ્થિતિને ભૂલી ગયું છે, જ્યાંના લોકો હવે પાકિસ્તાનના નર્ક જેવા શાસનમાંથી મુક્ત થવા માગે છે. અહીંના લોકોમાં ભારત સાથે ભળી જવાની માગ પ્રબળ બની રહી છે. હવે કોઈ પણ સમયે પીઓકેનો દરજ્જો બદલાઈ શકે છે.
આ સ્થિતિને રોકવા પાકિસ્તાનની સેના અને જાસૂસી એજન્સી ISI પીઓકેના લોકો પર જુલમ વધારી રહ્યા છે. પાકિસ્તાનના શાસકો સેનાની કઠપૂતળી હોવાથી કંઈ કરી શકે તેમ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે