લોકસભા ચૂંટણી: સપાએ 6 ઉમેદવારોના નામની પહેલી યાદી બહાર પાડી, મુલાયમ મૈનપુરીથી લડશે
Trending Photos
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી દીધી છે જેમાં 6 ઉમેદવારોના નામ સામેલ છે. યાદીમાં જણાવ્યાં મુજબ સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ મૈનપુરીથી લોકસભા ચૂંટણી લડશે. હાલ તેઓ આઝમગઢથી સાંસદ છે. 2014માં તેઓ બંને બેઠકો પરથી જીત્યા હતાં. પરંતુ ત્યારબાદ તેમણે મૈનપુરી બેઠક છોડી દીધી હતી. મુલાયમ ઉપરાંત બદાયુથી ધર્મેન્દ્ર યાદવ સપાના ઉમેદવાર હશે. અખિલેશ યાદવના નજીકના ગણાતા ધર્મેન્દ્ર યાદવ 2014ની ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં બદાયુથી જીત્યા હતાં. સપાએ ફરી એકવાર તેમને તે જ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે.
એ જ રીતે ફિરોઝાબાદથી હાલના સાંસદ અક્ષય યાદવને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આ ઉપરાંત બહરાઈચથી શબ્બીર વાલ્મિકી, રોબર્ટગંજથી ભાઈલાલ કોલ અને ઈટાવાથી કમલેશ કઠેરીયાને સપાએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યાં છે.
મહિલા દિવસના અવસરે આવી શકે છે બીજી યાદી
સૂત્રોના જણાવ્યાં મુજબ આજના દિવસે સપાની બીજી યાદી પણ જાહેર થઈ શકે છે. લોકસભા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બપોરે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને ફરી એકવાર કન્નૌજથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે. જ્યારે લખીમપુર ખીરીથી સપાના રાજ્યસભા સાંસદ રવિ વર્માના પુત્રી પૂર્વી વર્માને લોકસભાની ટિકિટ મળી શકે છે. હરદોઈની જે બેઠક અનામત છે ત્યાંથી ઉષા શર્માને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
મુલાયમે ટિકિટ વહેંચણીમાં વિલંબની વાત કરી હતી
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં સપાના સંરક્ષક મુલાયમ સિંહે સપા અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ગઠબંધન કરીને અડધી અડધી બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છીએ તેનાથી તો અડધું ઉત્તર પ્રદેશ પહેલા જ હારી ગયાં. પાર્ટી મુખ્યાલય પર કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે ગઠબંધન કરીને અડધી અડધી બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છીએ. અડધુ યુપી તો પહેલા જ હારી ગયાં. જ્યારે હું સંરક્ષણ મંત્રી હતો ત્યારે સપાએ 42 બેઠકો જીતી હતી.
મુલાયમે પૂછ્યું કે સપા અને બસપામાં આખરે કયા આધારે 37-38 બેઠકોની વહેંચણી થઈ છે. સપાની હેસિયત વધુ છે. જો પાર્ટી એકલા હાથે ચૂંટણી લડત તો વધુ સારું પ્રદર્શન કરત. તેમણે કહ્યું કે 2019માં ભાજપને લીડ મળતી જોઈ શકાય છે. સપા હજુ પાછળ છે. તેમણે કહ્યું કે લોકો ટિકિટ ફાળવવામાં વાર કરી રહ્યાં છે. મને નામ અપાયું છે સંરક્ષક અને કામ શું કરવાનું છે તે લખ્યું નથી. જે લોકો લડવા માંગે છે તે લખીને આપે, હું તરત ટિકિટ આપીશ.
કોંગ્રેસની પણ પહેલી સૂચિ જારી
આ અગાઉ ગુરુવારે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની 15 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી. જેમાં યુપીએના પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ છે. જે આ વખતે પણ પોતાની પરંપરાગત બેઠકો ક્રમશ રાયબરેલી અને અમેઠીથી ચૂંટણી લડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે