Mahakumbh 2025: મહાકુંભમાં ભારે ભીડ ઉમટી પડી, ટ્રાફિક જામ....35 કિમી સુધી ગાડીઓની લાંબી લાઈનો
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં મૌની અમાવસ્યાની ઘટના બાદ ભીડ ઘટી હતી પરંતુ હવે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ચારેબાજુ ચક્કાજામ થઈ ગયો છે. પ્રશાસનના હાથપગ ફૂલી ગયા છે.
Trending Photos
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં રોજેરોજ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. જેના કારણે પ્રયાગરાજમાં છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાફિક જામ છે. સ્થિતિ એ છે કે મુખ્ય રસ્તા ઉપરાંત શહેરો અને ગ્રામીણ વિસ્તારોની ગલીઓમાં પણ ભીડ ઉભરાઈ રહી છે. જેના કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. શહેરથી 35 કિમી પહેલા ગાડીઓના જામની લાઈનોએ લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે.
સ્ટેશનો પર પગ મૂકવાની જગ્યા નથી, સંગમ સ્ટેશન બંધ
મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ એટલી વધુ છે કે સ્ટેશનો પર પગ મૂકવાની જગ્યા સુદ્ધા નથી. ભીડને જોતા સંગમ (દારાગંજ) સ્ટેશનને બંધ કરી દેવાયું છે. જ્યારે પ્રયાગરાજની સરહદે આવેલા જિલ્લાઓ ભદોહી, જૌનપુર, મિર્જાપુર, કૌશાંબી, ફતેહપુર, સતના, રીવા, ચિત્રકૂટ, જબલપુર વગેરે શહેરોમાં પણ જામ છે અને સ્ટેશનો પેક છે.
રાષ્ટ્રપતિ મુર્મૂ આજે પ્રયાગરાજમાં
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે એટલે કે સોમવારે પ્રયાગરાજ આવી રહ્યા છે. પ્રયાગરાજ પહોંચ્યા બાદ તેઓ સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને મેળા પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂરી કરાઈ છે.
પ્રયાગરાજમાં લાગેલો મહાકુંભમાં છેલ્લા અનેક વર્ષોનો શ્રદ્ધાળુઓનો આવવાનો રેકોર્ડ તૂટ્યો છે. જો કે મૌની અમાસ બાદથી શ્રદ્ધાળુઓના આવવામાં થોડી કમી જોવા મળી હતી પરંતુ 5 ફેબ્રુઆરી બાદ એકવાર ફરીથી શ્રદ્ધાળુઓનો આવવાનો સિલસિલો જોવા મળ્યો છે. હાલ શહેરમાં સમગ્ર દેશમાંથી ગાડીઓથી શ્રદ્ધાળુઓ સંગમ પહોંચી રહ્યા છે. ભીડના કારણે ગાડીઓની સ્પીડ ઘટી ગઈ છે.
અત્રે જણાવવાનું કે મહાકુંભમાં ભાગ લેવા માટે ભારતમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. પ્રશાસનનું માનીએ તો રવિવારે 1.42 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે