Maha Kumbh 2025: નાગા સાધુઓને નથી અપાતો મુખાગ્નિ...તો પછી કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર? ખાસ જાણો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલ સનાતન ધર્મના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભનું અતિ ભવ્ય આયોજન થયું છે. જેમાં નાગા સાધુઓ તમને ખુબ આગળ પડતા જોવા મળે છે. ત્યારે આવામાં નાગા સાધુઓ વિશે આ માહિતી જાણીને દંગ રહી જશો.
Trending Photos
પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં આસ્થાનો મેળો લાગી ગયો છે. રોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાના સંગમમાં ડુબકી લગાવી રહ્યા છે. સૌથી પહેલા મંગળવારે અખાડાઓએ અમૃત સ્નાનમાં ભાગ લીધો અને ત્યારબાદ સાધુ સંતોથી લઈને અન્ય લોકો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. મહાકુંભમાં નાગા સાધુઓનો પણ જમાવડો જોવા મળ્યો છે અને નાગાસાધુઓ પવિત્ર સ્નાનમાં આગળ પડતો ભાગ લઈ રહ્યા છે. નાગા સાધુઓ વિશે એક રહસ્ય એ પણ છે કે આખરે મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કેવી રીતે થાય છે.
જીવતે જીવ કરે છે પિંડદાન
નાગા સાધુઓ જીવતે જીવ પોતાનું પિંડદાન અને અંતિમ સંસ્કાર કરી ચૂક્યા હોય છે અને આવામાં તેમની અંતિમક્રિયા વિશે પણ અનેક સવાલો થતા રહે છે. હિન્દુ ધર્મ મુજબ જન્મથી લઈને મૃત્યુ સુધી સંસ્કારોનું પાલન થાય છે અને તેમાં અંતિમ સંસ્કાર પણ પ્રમુખ છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. પરંતુ નાગા સાધુઓ તો પોતે જાતે પિંડદાન કરી ચૂક્યા હોય છે તો તેમના અંતિમ સંસ્કાર કેવી રીતે થાય છે તે પણ ખાસ જાણો.
જૂના અખાડાના કોતવાલ અખંડાનંદ મહારાજ જણાવે છે કે મૃત્યુ બાદ નાગા સાધુની સમાધિ લગાવવામાં આવે છે. તે પછી જળ સમાધિ હોય કે પછી ભૂ સમાધિ, તેમના દાહ સંસ્કાર કરાતા નથી. અખંડાનંદ મહારાજે જણાવ્યું કે નાગા સાધુની ચિતાને મુખાગ્નિ અપાતી નથી અને જો ભૂલેચૂકે આમ કરવામાં આવે તો ખુબ દોષ લાગે છે. તેનું કારણ જણાવતા મહારાજે કહ્યું કે નાગા સાધુ પહેલેથી જ પોતાનું જીવન નષ્ટ કરી ચૂક્યા હોય છે અને પિંડદાન પણ કરી ચૂક્યા હોય છે. ત્યારે જ તેઓ નાગા સાધુ બની શકે છે.
ભૂ સમાધિ અને જળ સમાધિની પરંપરા
અખંડાનંદ મહારાજે જણાવ્યું કે સામાન્ય વ્યક્તિથી અલગ નાગા સાધુ બન્યા બાદ અંતિમ સંસ્કારમાં પિંડદાન અને દાહ સંસ્કારની પ્રક્રિયા લાગૂ થતી નથી. આ કારણે નાગા સાધુને અગ્નિને સમર્પિત ન કરવામાં આવતા જળ કે પછી ભૂ સમાધિ આપવામાં આવે છે. સંન્યાસી સ્વામી હર પ્રસાદે જણાવ્યું કે નાગા સાધુ જીવતે જીવ જ પોતાનું તન અને મન પરમાત્માને સમર્પિત કરી ચૂક્યા હોય છે. આ સાથે જ પિંડદાન કરી ચૂક્યા હોય છે. આવામાં તેમના મૃતદેહને અગ્નિ અપાતો નથી.
પહેલા નાગા સાધુઓને જળ સમાધિ આપવાનું ચલણ હતું. પરંતુ નદીઓના પ્રદૂષણને ઓછું કરવાના હેતુથી હવે જળ સમાધિની જગ્યાએ નાગા સાધુઓને સિદ્ધ યોગ મુદ્રામાં બેસાડીને ભૂ સમાધિ અપાય છે. તેનું કારણ એ છે કે ભૂ સમાધિ મેળવીને નાગા સાધુઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેઓ જીવન મરણના ચક્રમાંતી મુક્તિ મેળવે છે એવું મનાય છે. આ સમાધિ પહેલા હિન્દુ ધર્મ મુજબ તેમના મૃતદેહને સ્નાન કરાવવામાં આે છે અને પછી મંત્રોચ્ચાર સાથે ભૂ સમાધિ આપવામાં આવે છે.
મૃત્યુ બાદ નાગા સાધુના મૃતદેહ પર ભગવા વસ્ત્રો નાખવામાં આવે છે અને ભસ્મ લગાડવામાં આવે છે જે તેમની આધ્યાત્મિક સાધનાનું પ્રતિક છે. તેમના મોઢામાં ગંગાજળ અને તુલસીના પાન રાખવામાં આવે છે. ત્યારબાદ તેમને ભૂ સમાધિ આપવામાં આવે છે. આ સાથે જ તે સમાધિ સ્થળે એક સનાતની નિશાન બનાવવામાં આવે છે. જેથી કરીને કોઈ તેને ગંદુ કરી શકે નહીં. નાગા સાધુઓને ધર્મના રક્ષક માનવામાં આવે છે. આ કારણે તેમને એક યોદ્ધાની જેમ પૂરા માન સન્માન સાથે અંતિમ વિદાય અપાય છે.
અંતિમ ઈચ્છાનું પણ થાય પાલન
નાગા સાધુઓની ભૂ સમાધિ દરમિયાન એક ખાડો ખોદવામાં આવે છે, મૃત સંતના પદ મુજબ તે ખાડાની ઊંડાઈ અને આકાર નક્કી થાય છે. ત્યારબાદ મંત્રોચ્ચાર અને પૂજા પાઠ સાથે નાગા સાધુને બેસાડીને માટીથી ઢાંકી દેવામાં આવે છે. જો નાગા સાધુ જળ સમાધિની અંતિમ ઈચ્છા વ્યક્ત કરે તો તેમને કોઈ પવિત્ર નદીમાં સમર્પિત કરવામાં આવી શકે છે. અનેકવાર અખાડાની પરંપરા મુજબ પણ નાગા સાધુઓની અંતિમ ક્રિયા કરવામાં આવે છે.
નાગા પરંપરા મુજબ માન્યતા છે કે તેમનું શરીર પંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું છે અને મૃત્યુ બાદ આ જ તત્વોમાં શરીર ભળી જવું જોઈએ. આવામાં નાગા સાધુઓના મૃત્યુ બાદ તેમને ભૂ સમાધિ કે જળ સમાધિ આપવાની પરંપરા છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે