હવે આને શું કહેશો! મુંબઈમાં બસ ડ્રાઈવરે ગીયરના સળિયાને સ્થાને બાંબૂની લાકડી લગાવી!

રાજકુમાર નામના આ ડ્રાઈવરે તેના આ 'જુગાડ' દ્વારા અસંખ્ય નિર્દોષોના જીવ જોખમમાં નાખી દીધા હતા, ડ્રાઈવરે એક કાર સાથે અકસ્માત સર્જ્યો હતો અને એ સમયે તેની આ બેદરકારી સામે આવી હતી, અકસ્માત સમયે બસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ બેસેલા હતા 

હવે આને શું કહેશો! મુંબઈમાં બસ ડ્રાઈવરે ગીયરના સળિયાને સ્થાને બાંબૂની લાકડી લગાવી!

મુંબઈઃ તાજેતરમાં જ બહાર આવેલી એક ઘટનામાં સુરક્ષા અને ટ્રાફિક નિયમોનો છડેચોક ભંગ કરીને સ્કૂલ બસના એક 22 વર્ષનો ડ્રાઈવર ગીયરના સળિયાને સ્થાને બાંબુની લાકડી લગાવીને બસ ચલાવતો પકડાઈ ગયો હતો. 

રાજકુમાર નામનો આ ડ્રાઈવર બુધવારે મુંબઈના પરા ખારમાં પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલની બસ ચલાવતો હતો, જ્યાં તેણે એક કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. કારનો માલિક જ્યારે ડ્રાઈવર રાજકુમાર સાથે ઝઘડો કરવા માટે બરાર નિકળ્યો અને બસ ડ્રાઈવરની કેબિન પાસે પહોંચ્યો ત્યારે અંદરનું દૃશ્ય જોઈને તેની આંખો પહોળી રહી ગઈ હતી. 

તેણે જોયું કે, બસમાં જે ગિયર બોક્સ હોય તેના સળિયાને સ્થાને વાંસના બાંબુની એક લાકડી ફીટ કરેલી હતી. આથી, કારના માલિકે તાત્કાલિક ધોરણે પોલીસ બોલાવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ કરીને રાજકુમારને અટકમાં લીધો હતો. 

આ અકસ્માતમાં ડ્રાઈવર રાજકુમારે જણાવ્યું કે, તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેવાને કારણે અકસ્માત થયો હતો. બસમાં ફીટ કરેલી બાંબુની લાકડી અંગે જ્યારે તેને પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, ગીયરનો સળિયો થોડા દિવસ પહેલા તુટી ગયો હતો અને જ્યાં સુધી તે રીપેર ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે બસ ચલાવવા માટે તેણે આ લાકડી ફીટ કરી હતી. 

જોકે, આ અકસ્માત સર્જાયો ત્યારે બસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. જોકે, રાજકુમારની આ બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાતા સહેજમાં રહી ગયો હતો. 

પોલીસે આરોપી રાજકુમારને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. જોકે, પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ આ ઘટનામાં વધુ ઊંડી તપાસ કરશે અને જવાબદારોને છોડવામાં આવશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news