શું છે ચીનમાં ફેલાયેલી નવી રહસ્યમય બીમારી? ગુજરાત સહિત તમામ રાજ્યો માટે કેમ જાહેર કરાઈ એડવાઈઝરી
Mysterious Pneumonia: ભારત સરકાર આ મામલે હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોને હોસ્પિટલ્સ સહિતની એ વ્યવસ્થા કરી રાખવા સૂચના આપવામાં આવી છે, જેવી કોરોના કાળ દરમિયાન કરવામાં આવી હતી.
Trending Photos
Chinese Disease Outbreak: ચીનમાં બાળકોમાં ફેલાયેલી ભેદી બિમારીએ ફરી દુનિયની ચિંતા વધારી છે, ત્યારે ભારત સરકાર આ મામલે હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોને હોસ્પિટલ્સ સહિતની એ વ્યવસ્થા કરી રાખવા સૂચના આપવામાં આવી છે, જેવી કોરોના કાળ દરમિયાન કરવામાં આવી હતી.
રહસ્યમયી બીમારીને જન્મ આપીને દુનિયાની ચિંતા વધારી
કોરોનાની મહામારી પછી ફરીથી ચીને એક નવી રહસ્યમયી બીમારીને જન્મ આપીને દુનિયાની ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં ન્યૂમોનિયા જેવી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. દર્દીઓથી હોસ્પિટલ્સ ઉભરાઈ રહી છે. લોકો પોતાના બાળકોને લઈને હોસ્પિટલમાં દોડાદોડી કરતા નજરે પડે છે. આ દ્રશ્યોએ ચીનને કોરોના કાળની કડવી યાદોને તાજી કરી દીધી છે.
ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી
નવી મહામારી જેવી સ્થિતિ પર ચીન કાબૂ નથી મેળવી શક્યું કે ન તો બિમારીનું કારણ શોધી શક્યું, આ જ કારણ છે કે ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોને હોસ્પિટલોમાં પૂરતા બેડ અને દવાઓ તૈયાર રાખવા કહેવાયું છે. હોસ્પિટલોમાં જરૂરી સ્ટાફ પણ તૈનાત રાખવાની, PPE કિટ, ટેસ્ટિંગ કિટની વ્યવસ્થા કરવા તેમજ ઑક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર મશીનો ચકાસી લેવા પણ સૂચના આપવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ જેવી ગાઈડલાઈન્સનું પાલન કરવા જણાવાયું છે.
બાળકોમાં જોવા મળતાં લક્ષણો કોવિડના લક્ષણો
ભારત સરકારે જે ગાઈડલાઈન્સનું સૂચન કર્યું છે, તે કોવિડકાળ જેવી જ છે, તેનું કારણ એ છે કે ચીનમાં બાળકોમાં જોવા મળતાં લક્ષણો કોવિડના લક્ષણો જેવા જ છે, એટલે કે વધુ તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાના સંક્રમણનો બાળકો સામનો કરી રહ્યા છે. કેટલાક કિસ્સામાં બાળકો ઘરે સારવારથી સાજા થઈ રહ્યા છે, તો ઘણા કિસ્સામાં હોસ્પિટલાઈઝેશનની જરૂર પડે છે.
કોવિડ જેવી જ સાવચેતી રાખવી પડશે
WHOએ જાહેર કરેલી ગાઈડલાઈન્સ પણ કોવિડ માટેની ગાઈડલાઈન્સ જેવી જ છે. જેમ કે વેક્સિનેશન, બીમાર લોકોથી અંતર જાળવી રાખવું, આઈસોલેશન, જરૂર પડે તો ટેસ્ટિંગ અને તબીબને સલાહ લેવી, માસ્ક પહેરવું તેમજ હાથને સાફ રાખવા. એટલે કે લોકોએ કોવિડ જેવી જ સાવચેતી રાખવી પડશે.
બાળકોનું ધ્યાન રાખવું અને સાવચેત રહેવું જરૂરી
હજુ સુધી એ સામે નથી આવ્યું કે આખરે આ બીમારી કેમ ઝડપથી ફેલાઈ રહી છે. WHOએ ચીન પાસે આ અંગે વધુ માહિતી માગી છે. જ્યાં સુધી આ રહસ્યમયી બીમારીનું કારણ અને ઈલાજ સામે નથી આવતા, ત્યાં સુધી બાળકોનું ધ્યાન રાખવું અને સાવચેત રહેવું જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે