Partha Chatterjee: એસએસસી કૌભાંડમાં પાર્થ ચેટર્જીને ઝટકો, મમતા બેનર્જીએ મંત્રીમંડળમાંથી હટાવ્યા
West Bengal SSC recruitment scam: મમતા સરકારમાં કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીને તત્કાલ પ્રભાવથી હટાવી દેવામાં આવ્યા છે. આ પહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન પાર્થ ચેટર્જીને બંગાળના મંત્રી પદેથી હટાવવાની ચર્ચા થઈ હતી.
Trending Photos
કોલકત્તાઃ પાર્ટીમાંથી હટાવવાની માંગ વચ્ચે પશ્ચિમ બંગાળના એસએસસી ભરતી કૌભાંડના આરોપી પાર્થ ચેટર્જીને મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે ગુરૂવારે આ જાણકારી આપી છે. એક સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે પાર્થ ચેટર્જીને તત્કાલ પ્રભાવથી મંત્રીમંડળમાંથી હટાવી દેવામાં આવે છે. તેમને તાત્કાલિક અસરથી વાણિજ્ય અને એન્ટરપ્રાઇઝ મંત્રી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અને સંસદીય બાબતોના મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કહ્યું કે ચેટર્જીને 28 જુલાઈથી તેમના વિભાગોના પ્રભારી મંત્રીના રૂપમાં તેમના કર્તવ્યોમાંથી મુક્ત કરી દેવામાં આવે છે. એટલે કે હવે તેમની પાસે કોઈ વિભાગનો પ્રભાર રહ્યો નથી.
તો આ વચ્ચે અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હટાવવામાં આવેલા પાર્થ ચેટર્જીના ઉદ્યોગ અને અન્ય વિભાગોને પોતાની પાસે રાખ્યા છે. ઈડીના અધિકારીઓ અનુસાર ચેટર્જી સાથે સંબંધિત એપાર્ટમેન્ટમાંથી આશરે 50 કરોડ રૂપિયા રોકડા અને સોનું મળી આવ્યું છે. આ સિવાય કેટલીક સંપત્તિઓ અને વિદેશી મુદ્રા સંબંધિત દસ્તાવેજ પણ જપ્ત થયા છે, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
#UPDATE | Partha Chatterjee, accused in West Bengal SSC recruitment scam, relieved of his duties as Minister in Charge of his Departments with effect from 28th July: Government of West Bengal pic.twitter.com/gM34aQr8Yi
— ANI (@ANI) July 28, 2022
પશ્ચિમ બંગાળના ધરપકડ કરાયેલા મંત્રી પાર્થ ચેટર્જીને સસ્પેન્ડ કરવાની માંગને લઈને ટીએમસીએ બેઠક બોલાવી હતી. બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કરી હતી. મંત્રી પદેથી હટાવ્યા બાદ ચેટર્જીને પાર્ટીમાંથી બહાર કરવાની પણ માંગ થઈ રહી છે. આ નિર્ણયના થોડા સમય પહેલા પાર્ટીના રાજ્ય મહાસચિવ અને પ્રવક્તા કૃણાલ ઘોષે એસએસસી કૌભાંડના મામલાની તપાસના સિલસિલામાં પાર્થ ચેટર્જીને તત્કાલ મંત્રી પદેથી હટાવવા અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
પાર્ટીના પ્રવક્તા ઘોષે સવારે ટ્વીટ કર્યુ- પાર્થ ચેટર્જીને મંત્રીમંડળ તથા પાર્ટીના તમામ પદેથી તત્કાલ હટાવવામાં આવે. જો મારૂ નિવેદન ખોટું લાગે તો પાર્ટીની પાસે મને પણ તમામ પદો પરથી હટાવવાનો અધિકાર છે. હું ટીએમસીના એક સૈનિકની જેમ કામ કરતો રહીશ. તેમણે બાદમાં પત્રકારોને કહ્યું કે તેમને મમતા બેનર્જી અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર સંપૂર્ણ વિશ્વાસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે