Weather Report: ભર ઉનાળે હવામાનમાં મોટો પલટો, આગામી 4 દિવસ આ વિસ્તારના લોકો રહે સાવધાન! વરસાદનું 'ઓરેન્જ' એલર્ટ

Gujarat Weather Forecast: ભર ઉનાળે હવામાનમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે. યુપીથી લઈને પશ્ચિમ બંગાળ તથા પૂર્વોત્તર રાજ્યો સુધી વરસાદના એંધાણ છે. જાણો ગુજરાતના હવામાનમાં શું રહેશે પરિસ્થિતિ....

Weather Report: ભર ઉનાળે હવામાનમાં મોટો પલટો, આગામી 4 દિવસ આ વિસ્તારના લોકો રહે સાવધાન! વરસાદનું 'ઓરેન્જ' એલર્ટ

ભર ઉનાળે હવામાનમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે. યુપીથી લઈને પશ્ચિમ બંગાળ તથા પૂર્વોત્તર રાજ્યો સુધી વરસાદના એંધાણ છે. હવામાન વિભાગે તો પૂર્વોત્તર ભારતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાના કારણે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વીજળી પડવાની શક્યતા છે. જ્યારે અસમ, મેઘાલય, અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશ, સેન્ટ્રલ મહારાષ્ટ્ર, મરાઠાવાડા, છત્તીસગઢ અને વિદર્ભમાં પણ ગાજવીજ સાથે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગે એમપી, વિદર્ભ, કર્ણાટક અને અલગ અલગ વિસ્તારોમાં 2થી 4 તારીખ સુધી હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. રાયલસીમામાં 4 એપ્રિલ સુધી અને તેલંગણામાં 2 એપ્રિલ સુધી હીટવેવ રહેશે. જાણો ગુજરાતના હવામાનમાં શું રહેશે પરિસ્થિતિ....

વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે પૂર્વોત્તરમાં ભારે વરસાદનું અનુમાન કર્યું છે. તથા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે. જેને ધ્યાનમાં લઈને અસમ, મેઘાલય, અને અરુણાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD ના જણાવ્યાં મુજબ પૂર્વોત્તરમાં વીજળી પડવાથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. 

અસમના અનેક વિસ્તારોમાં પણ તોફાને તબાહી મચાવી છે. મિઝોરમમાં પણ તોફાનની અસર જોવા મળી. અહીં ભારે પવનના કારણે ખુબ નુકસાનની આશંકા છે. પૂર્વ મિઝોરમના ચમ્ફાઈ જિલ્લાના લુંગટન ગામમાં એક ચર્ચમાં ઈમારત ધસી પડી અને આઈઝોલ જિલ્લાના સિયાલસુકમાં એક અન્ય ચર્ચની ઈમારત પણ આંધીના કારણે ક્ષતિગ્રસ્ત થઈ

તોફાનનો કહેર
પૂર્વોત્તરમાં તોફાનની અસર જોવા મળી છે. અસમ, મિઝોરમ, અને મણિપુરમાં ભારે વરસાદ અને તોફાનથી ખુબ નુકસાન થયું છે. મૂશળધાર વરસાદથી અસમના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની અંદર પાણી ભરાઈ ગયા. જેનાથી મુસાફરોને ખુબ મુશ્કેલીઓ સહન કરવી પડી. આ બધા વચ્ચે વરસાદના કારણે એરપોર્ટની છતનો એક ભાગ પણ પડી ગયો. જેના કારણે અફરાતફરી મચી ગઈ. ભારે વરસાદ અને તોફાનના પગલે ઘણા સમય સુધી હવાઈ મુસાફરી ખોરવાયેલી રહી. 

પશ્ચિમ બંગાળમાં તોફાન વરસાદથી 4ના મોત
પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં તોફાન અને વરસાદે ભારે તબાહી મચાવી છે. જલપાઈગુડીમાં અચાનક આવેલા તોફાનથી હાલત ખરાબ થઈ. ખરાબ હવામાનના પગલે ઘટેલી ઘટનાઓમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ છે. પીએમ મોદી અને બંગાળના સીએમએ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે. 

હિમાચલ પ્રદેશમાં પણ તોફાનની અસર
હિમાચલ પ્રદેશમાં તોફાનની અસર જોવા મળી છે. અચાનક પડેલા ભારે વરસાદના પગલે ઘઉનો પાક ચોપટ થયો છે. હિમચાલ પ્રદેશમાં તોફાન અને વરસાદે તબાહી મચાવી છે. સોલનમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ધરતીનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. 

ગુજરાતનું હવામાન
ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલ્ટો આવશે અને આંધી વંટોળ નું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલ થી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે. મે માસ માં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂનો પ્રકોપ વધશે. 

જો કે હવામાન ખાતાના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ગરમીના પ્રકોપમાં રાહત જોવા મળી છે. અમદાવાદમાં 36.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા 1.5 ડીગ્રી ઓછું તાપમાન છે. ડીસામાં 36 ડીગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 36 ડીગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 37.2 જ્યારે સુરતમાં 36 ડીગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં 37.2 અને નલિયામાં 32.6 ડીગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 38.6 અને ભાવનગરમાં 35.2 ડીગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કેશોદમાં 37 ડીગ્રી તાપમાન નોંધાયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news