પશ્ચિમ બંગાળઃ ભાજપની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજૂરી ન આપી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ભાજપની રથયાત્રાને કારણે રાજ્યમાં સૌહાર્દનું વાતાવરણ ડહોળાઈ શકે છે, આ કારણે મંજૂરી આપી શકાય એમ નથી
 

પશ્ચિમ બંગાળઃ ભાજપની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજૂરી ન આપી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રાને મંજૂરી આપી નતી. કોર્ટે જણાવ્યું કે, આ રથયાત્રાને કારણે રાજ્યમાં સૌહાર્દનું વાતાવરણ બગડી શકે એમ છે એ બાબતથી ઈનકાર કરી શકાય એમ નથી. જોકે, કોર્ટે ભાજપને બેઠક આયોજિત કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજ્યમાં ભાજપની 39 સભાઓનું આયોજન હતું, પરંતુ હવે રાજ્ય સરકારે 20 સભા માટે મંજૂરી આપી છે. 

રાજ્ય સરકારે જણાવ્યું કે, સભામાં કેટલા લોકો આવશે અને તેનું આયોજન ક્યાં કરવામાં આવશે તેના અંગે ભાજપ દ્વારા સરકારને જાણ કરાઈ નથી. કોર્ટે ભાજપને આદેશ આપ્યો છે કે, તે પોતાની યાત્રાનો નવો કાર્યક્રમ પશ્ચિમ બંગાળ સરકારને આપે. 

આ અગાઉ રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, અમને સભા સામે કોઈ વાંધો નથી, રથયાત્રા સામે વાંધો છે, કેમ કે ભાજપની આ યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થવાની છે. ભાજપના આ યાત્રામાં એક દિવસમાં બે હજાર લોકો ત્રીશૂલ લઈને સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થવાના છે. સિનિયર એડવોકેટ મનુ સિંઘવીએ પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહ્યા હતા. 

સુપ્રીમ કોર્ટમાં ભાજપનો પક્ષ રજૂ કરવા માટે સિનીયર વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. તેમણે દલીલ આપતા કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારનો 'દુશ્મનાવટભર્યો' વ્યવહાર છે. અમારા લોકશાહી અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ અંગે મુખ્ય ન્યાયાધિશે જણાવ્યું કે, એ રાજ્યોમાં સરકારો બનાવવાનું જ્યાં તમને ગમતું નથી, તે પણ લોકશાહીનો જ એક ભાગ છે. 

આ અગાઉ 8 જાન્યુઆરીના રોજ થયેલુ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. હકીકતમાં, રાજ્ય ભાજપે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને કોલકાતા હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચૂકાદા પર પ્રતિબંધ લગાવાની માગ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news