ISRO જાસુસી કાંડ: "ગદ્દાર" નંબીથી "દેશભક્ત" નારાયણન બનવા સુધીની રોમાંચક કહાની...
કોઇ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી સ્ટોરીમાં ઇસરોનાં સર્વોચ્ચ પ્રોજેક્ટનાં હેડને દુશ્મન દેશ પાકિસ્તાન માટે જાસુસીનાં કેસમાં ધરપકડ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેનો નિર્દોષ છુટકારો થાય છે
Trending Photos
નવી દિલ્હી : ચહેરા પર હળવું સ્મિત અને શાંત સૌમ્ય ચહેરા સાથે બેઠેલી આ વ્યક્તિ પર ભૂતકાળમાં દેશની સર્વોચ્ચ સંસ્થામાંથી ડેટા ચોરીનો આરોપ લાગેલો અને તે પણ આપણા સૌથી કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન માટે. પહેલા વૈજ્ઞાનિક, ત્યાર બાદ જાસુસ અને હવે નિર્દોષ છુટેલા પુર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણની સ્ટોરી કોઇ ફિલ્મી પ્લોટને પણ ટક્કર મારે તેવી છે. આ વૈજ્ઞાનિક માટે આજનો દિવસ ઘણો મહત્વનો રહ્યો. કોઇ ફિલ્મી સ્ટોરીની જેમ જ નારાયણનનાં જીવનમાં સર્વોચ્ચ સ્થાન, ત્યાર બાદ અચાનક આરોપ, ધરપકડ અને પછી નિર્દોષ છુટવું જેવા વળાંતો આવ્યા.
24 વર્ષ બાદ સુપ્રીમે ચુકાદો આપતા કહ્યું કે, વૈજ્ઞાનિકને કેરળ પોલીસ દ્વારા ખોટી રીતે પકડવામાં આવ્યા હતા અને તેમને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યા. કોર્ટે તેમને 50 લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે ભલે તેમને નિર્દોષ જાહેર કર્યા. પરંતુ આજથી બરોબર 24 વર્ષ પહેલા એક ઇન્ટેલિજન્સ ઓફીસર દ્વારા તેમની ધરપકડ વખતે કહેલા શબ્દો આજે પણ તેમના કાનમાં ગુંજે છે, ઇન્ટેલિજન્સ ઓફીસરે કહ્યું હતું કે,"સર તમે જે વાત કરી રહ્યા છો તે વાત જો સાચી હોય મારા ગાલ પર તમારા ચપ્પલ મારજો. પરંતુ હાલ તો અમે માત્ર અમારી ફરજ નિભાવી રહ્યા છીએ" જાણો આરોપી નંબી નારાયણથી નિર્દોષ અને દેશભક્ત નંબી નારાયણ સુધીની સફર....
1994માં થઇ પહેલી ધરપકડ: ઓક્ટોબર 1994નાં રોજ માલદીવની એક મહિલા મરિયમ રાશિદાની તિરુવનંતપુરમ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. મહિલા પાસેથી ઇસરોનાં સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનની ડ્રોઇંગ સહિતની ગુપ્ત માહિતી મળી આવી હતી. જે પાકિસ્તાનને વેચવાનો તેના પર આરોપ લાગ્યો હતો.
નારાયણનની ધરપકડ : નવેમ્બર 1994 તિરુવનંતપુરમનાં ટોપ વૈજ્ઞાનિક અને ક્રાયોજનિક પ્રોજેક્ટનાં ડાયરેક્ટર નારાયણન સહિત બે વૈજ્ઞાનિકો ડી. શશિકુમાર અને ડેપ્યુટી ડાયરેક્ટર કે.ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત રશિયન સ્પેસ એજન્સીીના ટોપનાં એક ભારતીય પ્રતિનિધિ એસ.કે શર્મા, એક લેબર કોન્ટ્રાક્ટર અને રાશિદની માલદીવ ખાતેની મિત્ર ફૈજીયા હસનની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પર પાકિસ્તાનને ઇસરોના રોકેટ એન્જીનની ગુપ્ત માહિતી આપવાનો આરોપ હતો. ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓએ નારાયણનની પુછપરછ ચાલુ કરી દીધી. નારાયણને આરોપોનું ખંડન કર્યું અને તેને ખોટા ગણાવ્યા હતા.
ડિસેમ્બર 1994 : આ મુદ્દે તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવી. સીબીઆઇ તપાસમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો અને કેરળ પોલીસનાં આરોપો ખોટા હોવાનું સામે આવ્યું.
જાન્યુઆરી 1995 : ઇસરોનાં બે વૈજ્ઞાનિકો અને બિઝનેસમેનને જામીન પર મુક્ત કરવામાં આવ્યા. જો કે માલદીવનાં બંન્ને નાગરિકોને જામીન નહોતા મળ્યા
એપ્રીલ 1996 : સીબીઆઇના ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે ફાઇલ એક રિપોર્ટમાં જણાવાયું કે આ સમગ્ર કેસ જ નકલી છે અને આરોપોનાં પક્ષમાં કોઇ જ પુરાવા નથી.
મે 1996 : કોર્ટે સીબીઆઇનાં રિપોર્ટને સ્વીકાર કર્યો અને ઇસરો જાસુસી કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને મુક્ત કરી દીધા. ત્યાર બાદ સીપીએમની નવી સરકારે આ મુદ્દે ફરીથી તપાસનાં આદેશ આપ્યા.
મે 1998 :સુપ્રીમે કેરળ સરકાર દ્વારા આ મુદ્દે ફેર તપાસનાં આદેશોને ફગાવી દીધા
1999 : નારાયણને વળતર માટે અરજી દાખલ કરી. 2001માં રાષ્ટ્રીય માનવાધિકાર પંચને કેરળ સરકારને ક્ષતિપુર્તિ માટે આદેશ આપ્યો પરંતુ રાજ્ય સરકારે આ આદેશને પડકાર્યો હતો.
સપ્ટેમ્બર, 2012 : હાઇકોર્ટે રાજ્ય સરકારને નારાયણનને 10 લાખ રૂપિયા વળતર ચુકવવા માટે આદેશ આપ્યો
એપ્રીલ 2017 : સુપ્રીમ કોર્ટમાં નારાયણની અરજી બાદ તે પોલીસ અધિકારીઓ પર સુનવણી ચાલુ થઇ જેમણે વૈજ્ઞાનિકને ખોટી રીતે ફસાવ્યો હતો. નારાયણને કેરળ હાઇકોર્ટનાં તે આદેશની વિરુદ્ધ સુપ્રીમમાં કેસ દાખલ કર્યો જેમાં કહેવાયુ હતું કે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની કોઇ જરૂર નથી. જેમાં પૂર્વ ડીજીપી અને પોલીસના બે સેવાનિવૃત અધીક્ષકો કે.કે જોશુઆ અને એસ.વિજયનની વિરુદ્ધ કોઇ પણ કાર્યવાહીની જરૂર નથી.
મે 2018 : ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં જસ્ટિસ એએમ કાનવિલકર અને જસ્ટિસ ડી.વી. આઇ ચંદ્રચુડની ત્રણ જજોની બેન્સે કહ્યું કે, તેઓ નારાયણનને 75 લાખ રૂપિયા વળતર અને તેમની પ્રતિષ્ઠાને ફરીથી બહાલ કરવા માટે વિચાર કરે.
14 સપ્ટેમ્બર, 2018 : સુપ્રીમ કોર્ટે ઉત્પીડનનો શિકાર થયેલા ઇસરોના પુર્વ વૈજ્ઞાનિક નારાયણનને 50 લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો. કોર્ટે આ મુદ્દે એક જ્યુડિશિયલ તપાસના પણ આદેશ આપ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે