Weather Update: જાન્યુઆરી મહિનો આવો કેમ? શિયાળામાં ગરમીનો અહેસાસ, વરસાદ...કારણ અત્યંત ચોંકાવનારું
જાન્યુઆરી મહિનામાં સામાન્ય રીતે કડકડતી ઠંડી જોવા મળતી હોય છે પરંતુ દિલ્હી સહિત અનેક વિસ્તારોમાંથી જાણે કડકડતી ઠંડી ગાયબ થઈ ગઈ. જાણો આવું કેમ થયું અને કયા કારણો જવાબદાર છે.
Trending Photos
દેશની રાજધાની દિલ્હીમાં આ વખતે ઠંડીએ પોતાનામાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. રેકોર્ડ છે ઠંડી ન પડવાનો એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો ભર શિયાળે ગરમીનો અહેસાસ કરાવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આ વખતે રાતના તાપમાન મુજબ છેલ્લા 9 વર્ષોની સરખામણી કરીએ તો સૌથી ઓછી ઠંડી પડી છે. આ સાથે જ છેલ્લા કેટલાક વર્ષોમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે એક સીઝનમાં ન તો દિવસનું તાપમાન વધુ ઘટ્યું છે કે ન તો કોઈ પણ દિવસે કોલ્ડવેવ જોવા મળી.
હવામાન વિભાગ આ ભર શિયાળે ગરમીના અહેસાસ પાછળ લા નીના અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જવાબદાર માને છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આ વખતે લા નીના ન હોવાના કારણે ઠંડી ઓછી પડી છે અને બીજી બાજુ સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે પણ ઠંડી ઘટાડવાનું કામ કર્યું છે.
દિવસે ઠંડી તો રાતે ગરમી
ઠંડીની આ સીઝનમાં રાતનું તાપમાન ગરમ જોવા મળી રહ્યું છે. પરંતુ જો દિવસની વાત કરીએ તો તાપમાન સામાન્ય કરતા ઓછું મહેસૂસ થયું છે. જેના કારણે દિલ્હીમાં દિવસના સમયે ઠંડીનો અહેસાસ થયો છે જ્યારે ઠંડીની આ ઋતુમાં સરેરાશ મહત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું છે. તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડાનું કારણ આકાશમાં વાદળ છવાયેલા રહેવા કે ધુમ્મસના કારણે હતું. 19 જાન્યુઆરીથી તાપમાનમાં ફરી ઘટાડો જોવા મળ્યો પરંતુ આ ઘટાડો એક બે દિવસ રહ્યો. ત્યારબાદ ફરી તાપમાન વધવા લાગ્યું. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આવો વિચિત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. 9 વર્ષમાં દિલ્હીમાં આ વખતે હળવી ઠંડી પડી. દિલ્હીમાં 27 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડે છે. જેમાં હવામાનનું સૌથી ઓછું તાપમાન નોંધાતું હોય છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચું હોય છે અને ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસથી નીચું જતું હોય છે. જ્યારે આ વખતે રાત ગરમ જોવા મળી અને સરેરાશ ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ. જે સામાન્ય કરતા બે ડિગ્રી વધુ છે. વર્ષ 2015-16ની ઠંડી બાદ આવું જોવા મળ્યું છે.
આ વખતે કેમ નથી ઠંડી
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દિલ્હીમાં આ વખતે ઠંડી ન પડવા પાછળ બે કારણ છે. લા નીના ન હોવું. તે ડિસેમ્બરની આસપાસ આવશે તેવું અનુમાન હતું. જે હજુ સુધી આવ્યું નથી. અત્રે જણાવવાનું કે લા નીના સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ઠંડી વધારે છે. ઠંડી ન પડવાનું બીજું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ વખતે આ વિસ્તારમાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે. જેના કારણે હવાની દિશામાં વારંવાર ફેરફાર જોવા મળ્યો છે.
પહાડી વિસ્તારોમાં વધ્યું તાપમાન
આ વખતે મેદાની વિસ્તારોની જેમ પહાડી વિસ્તારોમાં પણ ઠંડીની સીઝનમાં તાપમાન વધુ જોવા મળ્યું છે. હિમાચલ પ્રદેશમાં આ વખતે ઓછો વરસાદ અને બરફવર્ષાના કારણે તાપમાન વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ અનેક વિસ્તારો એવા છે જ્યાં સરેરાશ કરતા ઓછો બરફ પડ્યો છે. જેના કરાણે પહાડી વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં ઠંડીનો કહેર ઓછો જોવા મળ્યો છે. બીજી બાજુ કાશ્મીરની ઠંડીનો સૌથી ઠંડો દોર ગણાતો 40 દિવસનો ચિલ્લેકલાં 3 જાન્યુઆરીએ સૂકા હવામાન સાથે પૂરો થશે. કારણ કે આ વખતે હવામાને આ મહિને બરફવર્ષાની કોઈ સંભાવના જતાવી નથી. હિમાચલ પ્રદેશમાં ગત ગુરુવારે અટલ ટનલના બંને છેડા સહિત પહાડી પર બરફવર્ષા થઈ. જ્યારે શિમલા રિજ મેદાન, સંજૌલી, કુફરી અને નરકંડામાં બરફ પડ્યો. રાજ્યમાં તાપમાન વધુ હોવાના કારણે અનેક જગ્યાઓ પર ગ્લેશિયરો પર જામેલો બરફ પણ પીગળવા માંડ્યો છે.
લા લીનો શું છે
એવું કહેવાય છે કે અલ નીનોની અસર જ્યારે પોતાના ચરણ પર પહોચે છે ત્યારે લા નીનો કહેવાય છે. તેમાં એવું હોય છે કે જે ડ્રેડ વિન્ડ્સ દક્ષિણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયા અને એશિયા તરફ વાતા હતા તે પહેલાની સરખામણીમાં વધુ તેજ ફૂંકાવા લાગે છે. તેની અસર એ થાય છે કે દક્ષિણ અમેરિકાના કાંઠાઓ પાસે સમુદ્રનું ઠંડુ પાણી સમુદ્રની સપાટીથી વધુ ઝડપથી ઉપરની બાજુ આવે છે. બીજી બાજુ સમુદ્રની સપાટી પર જે ગરમ પાણી હતું તે મજબૂત ટ્રેડ વિન્ડ્સના કારણે ઓસ્ટ્રેલિયા અને એશિયાના દેશો તરફ ઝડપથી આગળ વધે છે અને પછી તે મહાદ્વીપોના દેશોમાં જબરદસ્ત વરસાદ પડે છે. હવામાન વૈજ્ઞાનિકો માને છે કે અલ નીનોની સરખામણીમાં લા નીનોનું ચક્ર થોડું લાંબુ હોય છે. આ એકથી ચાર વર્ષ સુધી પણ ચાલી શકે છે.
વરસાદની આગાહી
જો કે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 24 અને 25 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરી રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત એવું પણ અનુમાન છે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને યુપીમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 24 જાન્યુઆરીએ પૂર્વ યુપી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઓડિશા, અસમ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ કડકડતી ઠંડી વચ્ચે લક્ષદ્વિપમાં ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, અસમ અને લક્ષદ્વિપમાં વરસાદ અને વીજળી પડવા અંગે એલર્ટ અપાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે