ગુજરાત સરકારને 1840000000 કરોડથી વધુની આવક, આ ક્ષેત્રે મળી સૌથી મોટી સિદ્ધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વડોદરા ખાતે કાર્યરત ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા-GERIએ વર્ષ ૨૦૨૧-૨૨ થી એટલે કે છેલ્લા ચાર વર્ષમાં અંદાજે ૬.૧૪ લાખથી વધુ નમૂનાઓનું સફળ પરીક્ષણ કરીને રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વધુ મજબૂત, સુદ્રઢ બનાવવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.
આ પરીક્ષણ થકી રાજ્ય સરકારને અંદાજે કુલ રૂ. ૧૮૪ કરોડથી વધુની માતબર રકમની આવક- રેવન્યુ પણ પ્રાપ્ત થઇ છે તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં વિવિધ જાહેર તેમજ ખાનગી ક્ષેત્રે થતા બાંધકામ કામોના પરીક્ષણ માટે વડોદરાના ગોત્રી સહિત રાજ્યભરમાં વિવિધ પ્રયોગશાળાઓ-લેબ કાર્યરત છે.
આ પ્રયોગશાળાઓમાં વર્ષ ૨૦૨૧-૨રમાં ૧.૦૩ લાખથી વધુ નમૂનાઓના પરીક્ષણ દ્વારા રૂ. ૩૦ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧.૩૩ લાખ પરીક્ષણ થકી રૂ. ૪૨.૭૪ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧.૮૭ લાખથી વધુ પરીક્ષણ દ્વારા રૂ. ૫૩.૯૩ કરોડ જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરીના અંત સુધીમાં ૧.૯૦ લાખ નમૂનાઓના પરીક્ષણ થકી રૂ. ૫૭.૪૬ કરોડ એમ કુલ ૬.૧૪ લાખથી વધુ પરીક્ષણ દ્વારા રૂ. ૧૮૪ કરોડથી વધુની આવક થઇ છે.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગેરી દ્વારા આધુનિક ઉપકરણોના માધ્યમથી તેમજ પૂરતા માનવ સંસાધનના પરિણામે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૩-૨૪ સુધીમાં માત્ર અગત્યના માટી પરીક્ષણ, ક્રોંક્રીટ મિક્સ ડિઝાઇન તેમજ આસ્ફાલ્ટ મિક્સ ડિઝાઇનના મળીને કુલ ૯,૨૨૮ સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૩-૨૩માં ૮૩૧ માટી પરીક્ષણ સામે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૬૪૬ એટલે ત્રણ ગણા વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે જે જાહેર અને ખાનગી બાંધકામ ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત માળખુ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજ્ય મંત્રી મુકેશભાઈએ જણાવ્યું હતું કે, જાહેર અને ખાનગી બાંધકામની ગુણવત્તા સંબંધિત કરવામાં આવતા વિવિધ પરીક્ષણમાં ગુજરાતે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોઇપણ જાહેર ઇમારત કે બાંધકામનું આયુષ્ય-ટકાઉપણું તેની પાયાની ગુણવત્તાના આધારે જ નક્કી થતું હોય છે.આ ગુણવત્તા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત ગેરીની વિવિધ આધુનિક લેબમાં ઇમારતોનું સમયસર યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિસરનું પરીક્ષણ કરવામાં આવે છે.મુખ્યમથક વડોદરા સહિત ગેરી અંતર્ગત રાજ્યભરમાં કુલ 24 આધુનિક પ્રયોગશાળાઓ કાર્યરત છે.
Trending Photos