ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
ICC Champions Trophy 2025: 19 ફેબ્રુઆરીથી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ શકે છે. ભારત સહિત કુલ 8 ટીમ આ મેગા ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે. આપણે આજે એવા ખેલાડીઓ વિશે વાત કરીશું જે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ નિવૃત્તિ લઈ શકે છે.
Trending Photos
ICC Champions Trophy 2025: ODIમાં ICCની બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. પાકિસ્તાન-યુએઈ દ્વારા યોજાનારી આ ઈવેન્ટમાં 8 ટીમો ભાગ લેશે. યજમાન પાકિસ્તાન ઉપરાંત ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો રમશે. ક્રિકેટમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મોટી ટૂર્નામેન્ટ પછી કેટલાક ખેલાડીઓ રમતથી હંમેશા દૂર થઈ જાય છે. તે નિવૃત્તિ લે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી શકે છે.
અમે તમને 10 એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ સંન્યાસની જાહેરાત કરી શકે છે
ફખર ઝમાનઃ પાકિસ્તાની ઓપનર ફખર ઝમાન એક અનુભવી ખેલાડી છે. તે વિસ્ફોટક ઈનિંગ રમવા માટે જાણીતો છે. ફખર છેલ્લે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ હતી ત્યારે તે પાકિસ્તાનની વિજેતા ટીમનો હીરો રહ્યો હતો. તેણે ફાઈનલમાં ભારત સામે સદી ફટકારી હતી. તાજેતરમાં તે ફિટનેસ અને વિવાદને કારણે ટીમમાંથી બહાર થયો હતો. ફખર 35 વર્ષનો થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન ન કરે તો તેનું કરિયર સમાપ્ત થઈ શકે છે.
કેન વિલિયમસનઃ
વિશ્વના ટોચના ક્રિકેટરોમાંથી એક કેન વિલિયમસન પણ ફિટનેસની સમસ્યા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તેણે પાકિસ્તાનમાં ત્રિકોણીય શ્રેણી દરમિયાન શાનદાર બેટિંગ કરી હતી. તે 34 વર્ષનો છે અને તેણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો કોન્ટ્રાક્ટ પણ ફગાવી દીધો છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો કિવી ટીમ આ વખતે ટાઈટલ નહીં જીતે તો વિલિયમસન જલ્દી જ ODI ફોર્મેટને અલવિદા કહી દેશે.
રોહિત શર્માઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ખરાબ ફોર્મને કારણે આલોચનાનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી વનડેમાં તેણે જરૂર સદી ફટકારી વાપસીનો સંકેત આપ્યો હતો. રોહિતે પાછલા વર્ષે ટી20 વિશ્વકપ બાદ આ ફોર્મેટમાંથી સંન્સાય લઈ લીધો હતો. જો આ વખતે પણ ટીમ ચેમ્પિયન બને તો રોહિત નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. રોહિત શર્મા 37 વર્ષનો થઈ ગયો છે અને 2027 વનડે વિશ્વકપમાં તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.
ગ્લેન મેક્સવેલઃ ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટર ગ્લેન મેક્સવેલ પોતાની બેટિંગથી કોઈપણ મેચને પલટાવી શકે છે. જો કે, તાજેતરના દિવસોમાં તે તેના ખરાબ ફોર્મથી સંઘર્ષ કરી રહ્યો છે. મેક્સવેલ 2023 ODI વર્લ્ડ કપ બાદ 10 ODI મેચોમાં નિષ્ફળ રહ્યો છે. આ દરમિયાન 30 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ખરાબ સ્થિતિમાં છે. જો કાંગારુ ટીમ કંઈ ખાસ કરી શકી નથી તો આ 36 વર્ષનો ખેલાડી સંન્યાસ લઈ શકે છે.
જો રૂટઃ વિશ્વના ટોચના બેટ્સમેનોમાંના એક જો રૂટે તાજેતરમાં જ ODI ફોર્મેટમાં પુનરાગમન કર્યું છે. ભારત સામેની શ્રેણીમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે ચેમ્પિયન્સ ટ્રોફીને યાદગાર બનાવવા માંગશે. ODI વર્લ્ડ કપ 2023 બાદ તે માત્ર 3 ODI મેચ રમી શક્યો છે. ત્રણેય મેચ આ મહિને ભારત સામે રમાઈ હતી. આવી સ્થિતિમાં જો રૂટ ટૂર્નામેન્ટમાં કંઇક મોટું પ્રદર્શન નહીં કરે તો વનડેમાં તેની કારકિર્દી ખતમ થઈ શકે છે.
મોહમ્મદ નબીઃ 40 વર્ષના મોહમ્મદ નબીની આ છેલ્લી આઈસીસી ઈવેન્ટ હશે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. નબીએ લાંબા સમય સુધી અફઘાનિસ્તાન ટીમની સેવા કરી છે. તેની પાસે 170 ODI મેચોનો અનુભવ છે. હવે જોવાનું એ રહે છે કે તેના કાર્યકાળ દરમિયાન અફઘાન ટીમ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેટલી આગળ સુધી પહોંચે છે.
વિરાટ કોહલીઃ વિશ્વના સૌથી શાનદાર બેટરોમાંથી એક વિરાટ કોહલીની આ છેલ્લી આઈસીસી ઈવેન્ટ હોઈ શકે છે. વિરાટે ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી તેના ફોર્મને લઈને પણ સવાલો ઉઠી રહ્યાં છે. જો ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતે તો કોહલી નિવૃત્તિની જાહેરાત કરી બધાને ચોંકાવી શકે છે. હવે જોવાનું છે કે તે આ ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિ લે છે કે આગળ રમે છે.
રવીન્દ્ર જાડેજાઃ ભારતીય ટીમમાં વધતા સ્પિન ઓપ્શનને કારણે જાડેજા પર દબાવ વધ્યો છે. અક્ષર પટેલ તેને ટક્કર આપી રહ્યો છે. જાડેજાએ પણ ટી20 ક્રિકેટને પાછલા વર્ષે અલવિદા કહ્યું હતું. હવે તે વનડે ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે.
મુશ્ફીકુર રહીમઃ બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર બેટર મુશ્ફીકુર રહીમ 37 વર્ષનો થઈ ગયો છે. તે બાંગ્લાદેશ માટે 272 વનડે મેચ રમી ચૂક્યો છે અને ચેમ્પિયન્સ ટ્રોફી બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. રહીમના નામે 7793 રન છે અને તે શાનદાર વિકેટકીપર છે. પરંતુ વધતી ઉંમરને કારણે તે નિવૃત્તિ લઈ શકે છે.
આદિલ રશીદઃ ઈંગ્લેન્ડના અનુભવી સ્પિનર આદિલ રશીદની આ છેલ્લી આઈસીસી ટૂર્નામેન્ટ હોઈ શકે છે. તે 36 વર્ષનો થઈ ગયો છે અને 146 વનડે રમી ચૂક્યો છે. રશીદ પણ તેની ઉંમરને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડે ક્રિકેટને અલવિદા કહી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે